દુષ્કર્મપીડિતાની વ્યથા વ્યક્ત કરતી કવિતા


લોગઇનઃ

એક સસલીએ પાડી કાં ચીસ?
એને સમજાતું કે અમથી આ અંકલજી આપે છે કેડબરી કીસ;

એને તો સપનામાં આવે પતંગિયાં ને ચોકલેડી વૃક્ષોનાં ગાડાં,
ગુડિયાની કુંવારી આંખો મુંઝાતી જ્યાં માણસને જોયા ઉઘાડા.
પીળી ને પચરક પીળાએ જ્યાં ઓળંગ્યું આભ, ચડ્યા ડૂસકે સીમાડા!
મંદિરનાં, મસ્જિદનાં, દેવળના, દેરાનાં સળગ્યાં ના એક્કે રુંવાડાં?
ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં સંતાયો હોય છે ખવીસ,
એક સસલીએ પાડી કાં ચીસ?

રંગોની ઓળખ તો કીકીમાં કાચી ત્યાં લાલઘૂમ પથરાયો પાકો,
ડોરેમોન, નોબીતા થથરીને કહેતા, ‘આ પરીઓને પાંખોથી ઢાંકો’
‘દુષ્કર્મ’ વાંચીને ફાટી ગ્યા દરિયા એ જળમાં લ્યો કઈ પાથી ટાંકો?
પાળિયા બતાવીને મૂછોને વળ દેતા ઈશ્વરનો ઉતરી ગ્યો ફાંકો.
ક્હાન હવે ધારો અવતાર, અહીં રોજ જુઓ પાંચાલી પૂરી પચીસ,
એક સસલીએ પાડી કાં ચીસ?

- રક્ષા શુક્લ

ભાગ્યે જ કોઈ એવો દિવસ જાય છે, જ્યારે કોઈ બાળકી, યુવતી કે નિરાધાર સ્ત્રી પર દુષ્કર્મના સમાચાર ન આવતા હોય. ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે છે કે એક નરાધમે ત્રણ વર્ષની બાળકીને પીંખી નાખી, થોડાક નરાધમોએ મળીને એક યુવતી પર સામુહિક દુષ્કર્મ આચર્યું, એકલી નિરાધાર સ્ત્રી પર નરપશુઓ તૂટી પડ્યા. દીકરી ઘરેથી નીકળે ત્યાંથી લઈને ઘરે પરત આવે ત્યાં સુધી માબાપનો જીવ સતત અધ્ધર રહે તેવો સમય છે આ. દીકરીને વહાલનો દરિયો કહીએ છીએ, પણ એ દરિયાને ડહોળવા માટે આટલા રાક્ષસો કેમ ફરી રહ્યા છે સમાજમાં? સ્ત્રી જગદંબા છે, તો એની પૂજા કરવાને બદલે પીંખી કેમ નાખવામાં આવે છે? રક્ષા શુક્લએ આ કવિતા દ્વારા દુષ્કર્મપીડિતાની વ્યથાને સચોટ વાચા આપી છે.

ચોકલેટનું બહાનું બતાવીને બાળકીને ઉપાડી જઈ તેની પર બળાત્કાર ગુજારવાની ઘટનાઓ આપણે ત્યાં ઓછી નથી બની. રોજ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સસલી પીંખાય છે. આ સસલી જેવી ભોળી ગભરુ બાળા તો બિચારી રોજ પરીઓનાં સપનાં જુએ છે, પતંગિયાંની દુનિયામાં રાચે છે. ગાડું ભરીને ચોકલેટો પામવાનાં સપનાં જેતી આંખોમાં ક્યારે ચિત્કાર ભરાઈ જાય છે, ખબર સુધ્ધાં નથી રહેતી. જેને હજી જગતને પૂરું જોયું-જાણ્યું પણ નથી તેણે આ રીતે સમાજની નગ્નતાના ભોગ બનવું પડે છે.

ભાઈ જેવું ખમીસ પહેરે છે, તેવા જ પહેરેલા ખમીસની અંદર એક ખવીસ બેઠો છે, રાક્ષસ બેઠો છે તેની તો કલ્પના પણ ક્યાંથી હોય? પતંગિયાના રંગોને ઓળખવા મથતી આંખોએ લોહીના રંગની લિપિ ઉકેલવી પડે આનાથી મોટી કરૂણતા કઈ? પરીઓનાં સપનાં જોતી નાનકડી બાળા સાથે રમતાં એ રમકડાં પણ એ સમયે ચીસ પાડી ઊઠતાં હશે. ડોરેમોન નોબીતા ધ્રૂજી ઊઠતા હશે. થતું હશે આ કઈ દુનિયામાં આવી ચડ્યા, જ્યાં અમારી પરીઓ આમ લોહીમાં ખરડાય છે? કોઈ અમારી પરીઓને વસ્ત્રોથી ઢાંકો. આવા કિસ્સામાં કોઈ બાળકી, યુવતી કે સ્ત્રીનું શરીર નહીં, પણ આખો પરિવારનું જીવન રહેંસાતું હોય છે. આખો દરિયો ફાટી જાય ત્યાં કઈ રીતે ટાંકો લેવો? આ પીડા એટલી મોટી છે કે વ્યક્ત કરવા માટે શબ્દો ટૂંકા પડે.

આભ ફાટી જાય તેવી ચીસ નાખતી બાળકીને સાંભળીને પણ દુષ્કર્મીના કાન કેમ પથરાના થઈ જાય છે? તેને કેમ પીડા દેખાતી-સંભળાતી નથી? સીમાડા પોતે ધ્રૂસકે ચડે છે, ત્યારે આવા લોકોના ચહેરા પર સ્મિત શા માટે હોય છે? આટઆટલું થઈ જાય છે, છતાં એકેય દેવ કેમ બચાવવા આવતો નથી? ઈશ્વર કમ સે કમ બાળકીને બચાવવા તો આવે ને? કેમ બધા ધર્મના ઈશ્વરો આવા સમયે બહેરા થઈ જાય છે? અરે ખુદ મંદિરમાં જ સ્ત્રીઓ પર દુષ્કર્મ આચરવામાં આવે છે તોય ભગવાન કશું કરતો નથી. આ બધું જોઈને ઈશ્વરનું ઈશ્વરપણું લાજી મરતું નથી? તેનો ઈશ્વર હોવાનો ફાંકો ઊતરી જતો નથી? ભગવાન એક દ્રૌપદીના ચીર પૂરવા આવ્યા હતા, અહીં રોજ અનેક દ્રૌપદીઓની લાજ લુંટાય છે, છતાં એક્કે ભગવાન ડોકાતો નથી. આ બધું જોઈને થાય છે કે દુનિયામાં ભગવાન જેવું કંઈ છે જ નહીં, એ માત્ર આપણી કલ્પનાનું પાત્ર છે. જો ભગવાન હોય તો આવું કઈ રીતે થાય, તેમના જ થાનકે, તેમની જ જગ્યામાં, તેમના જ પૂજનારાઓ દ્વારા? આપણે ત્યાં પૂજારી કે ધર્મગુરુઓ દુષ્કર્મકાંડમાં સપડાયાના કિસ્સા પણ ઓછા નથી.

સર્જનું કામ સમાજમાં પ્રસરતી અનીતિ તરફ લાલ બત્તી ધરવાનું છે. સર્જક અન્યની પીડાને પોતાની કલમ દ્વારા વાચા આપવાનું કામ કરે છે. આ કવિતા દ્વારા રક્ષા શુક્લએ દુષ્કર્મપીડિતાના ચિત્કારને સંવેદનશીલ રીતે વાચા આપી છે. વિજય રાજ્યગુરુએ પણ ‘બળાત્કાર ભોગ્યાના સોરઠા’ લખીને તેની પીડાને વ્યક્ત કરી છે.

લોગઆઉટ

ખેડી નાખી જાંઘને, રેલ્યા ઘોડાપૂર,
મારે રોરમેરોમ કોંટા ફૂટ્યા કારમા.

કોંટા ફૂટ્યા કારમા, છાતી માથે આગ,
ના એ ન્હોતા હાથ, બળબળતા સૂરજ હતા.

બળબળતા સૂરજ છતાં, ઢળી બપોરે સાંજ,
ન્હોતા તીણા દાંત, ચટકા કાળી નાગના.

ચટકા કાળી નાગના, ચટક્યા આઠે પ્હોર,
ફણગ્યાં શ્વાસેશ્વાસ, લીલા-લીલા ચામઠાં.

લીલાં-લીલાં ચામઠાં, આપી ગ્યા નઘરોળ,
તીણી રે દંતાળ, ખેડી નાખી જાંઘને.

- વિજય રાજ્યગુરુ

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*

2 ટિપ્પણીઓ:

  1. અનિલભાઈ, મારા આ કાવ્ખૂયને ખૂબ ન્યાય આપ્યો... ખૂબ દર આસ્વાદ ફરી ફરી વાચી ગઈ...મારું આ ખૂબ ગમતું કાવ્ય. જ્યારે સંમેલનમાં વાચું ત્યારે હું જ પોતે અવાચક...ઊભી હોઉં..
    આપણી ખૂબ આભારી છું.

    જવાબ આપોકાઢી નાખો
  2. અનિલભાઈ, મારા આ કાવ્યને આપે ખૂબ ન્યાય આપ્યો... ખૂબ સુંદર આસ્વાદ હું ફરી ફરી વાંચી ગઈ...મારું આ ખૂબ ગમતું કાવ્ય. જ્યારે સંમેલનમાં વાચું ત્યારે હું જ પોતે અવાચક...ઊભી હોઉં..
    આપની ખૂબ આભારી છું.

    જવાબ આપોકાઢી નાખો