....તો હું જીવી ગયો હોત...


લોગ ઇનઃ

‘કંઈ નથી’ના આ બંધ ઓરડામાં
આંટા મારતી મારી એકલતાના કાનમાં
તમે ‘હું છું ને’ એટલું જ બોલ્યાં હોત
તો હું જીવી ગયો હોત...

મરણના મારગે આ ચરણ ઊપડ્યાં ત્યારે
તમે માત્ર ‘ઊભા’ રહો એટલું જ કહ્યું હોત
તો હું જીવી ગયો હોત...

મુખ પર ઢંકાયેલી મૃત્યુની ચાદર સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત...

આમ તો કદાચ મરવા કરતાં જીવવાનું જ સહેલું હતું
પણ... તે મારા હાથમાં નહોતું!

- જયન્ત પાઠક

ચૂંટણી-પરિણામના માહોલમાં ગુજરાતી ભાષાના ‘આદિવાસીના તીણા તીર’ જેવા કવિ જયંત પાઠકની એક અદ્ભુત કવિતા વિશે વાત કરવી છે. જયન્ત પાઠક એટલે અનુગાંધી યુગના મહત્ત્વના કવિ. વતનપ્રેમ, પ્રકૃતિપ્રેમ, પ્રણય વગેરેને તેમણે પોતાનાં કાવ્યોનો વિષય બનાવ્યો છે. સુરેશ દલાલે તેમના વિશે કહ્યું છે, “જયંત પાઠકની કવિતામાં વન અને નગરની, શૈશવ અને યૌવનની સહોપસ્થિતિ છે, એમની કવિતાને પ્રકૃતિ સાથે કેવળ પ્લેટોનિક લવ નથી. એમના જીવનનો સમગ્ર અનુભવ જાણે કે શૈશવમાં સ્થિત થાય છે અથવા એમ કહો કે શૈશવ જ એમના અનુભવનું અને કાવ્યાનુભવનું ગંગોત્રીસ્થાન છે. જયન્ત પાઠક ઝીણાઝીણા ક્રંદનના કવિ છે.”

તેમની આ કવિતા પણ ઝીણા ક્રંદનથી રંગાયેલી છે. આમ સાવ નાનકડી વાત લાગે, પણ તેનો વિસ્તાર ઘણો મોટો છે. તેમણે અણુમાં ઘણું કહી ગાગરમાં સાગર સમાવી દીધો છે. માણસનો સૌથી મોટો દુશ્મન તેની એકલતા છે. એકલતા માત્ર શારીરિક રીતે નથી હોતી, ભરચક ભીડમાં પણ માણસ એકલા હોવાનો અનુભવ કરતો હોય છે. દરેક વ્યક્તિની એકલતા અલગ હોય છે. જયંત પાઠકની એકલતા સુરેશ દલાલે કહ્યું તેમ ઝીણા ક્રંદનની છે. માત્ર એક આશ્વાસન ક્યારેક માણસની જિંદગી બદલી નાખતું હોય છે. એક કથા યાદ આવી, કહી દઉં?

એક વેપારી કરોડોનું નુકસાન કરી બેઠો. કહેવાતા મિત્રો-સ્વજનો બધાએ સાથ છોડી દીધો. દેવું ન ભરી શકવાને લીધે જેલમાં જવું પડ્યું. થોડાં વર્ષો જેલ ભોગવીને બહાર નીકળ્યો ત્યારે કશું રહ્યું નહોતું. નહીં પૈસા, નહીં મિત્રો-સ્વજનો, જવું તો ક્યાં જવું? તે એક બગીચામાં જઈને બેઠો. તેની એકલતાના કાનમાં ‘હું છું ને’ કહેનાર કોઈ હતું નહીં. હવે મરવા સિવાય કોઈ ઉકેલ નથી તેવું તેને લાગવા લાગ્યું. તે આત્મહત્યા કરવાનું વિચારતો હતો, એ જ વખતે દૂર ઊભેલો એક વૃદ્ધ તેનું મોં જોઈને બધું પામી ગયો હોય તેમ નજીક આવ્યો અને એક ચેક ફાડીને આ વેપારીને આપ્યો. ચેકમાં મોટી રકમ લખી હતી, વેપારીને થયું આટલી મોટી રકમ મારાથી ન લેવાય. વૃદ્ધ કહે, લઈ જા, પણ ચેક વટાવતો નહીં. તું જ્યારે કરોડપતિ થઈ જા ત્યારે આ જ ચેક મને પરત આપી દેજે અથવા આટલી જ રકમનું દાન તું મુશ્કેલીમાં પડેલા માણસોને કરી દેજે. માણસે ચેક લઈ લીધો. નવી ઘોડી, નવી દાવ. તેણે ફરીથી બિઝનેસ કર્યો અને કરોડોપતિ થઈ ગયો. વર્ષો પછી તે પેલા વૃદ્ધને મળવા બગીચામાં આવ્યો. પણ વૃદ્ધ મળ્યો નહીં. આસપાસ પૂછપરછ કરતા ખબર પડી કે એ વૃદ્ધ તો એક ગાંડો હતો. આવા ચેક તો અનેક લોકોને તેણે આપ્યા હતા. વાત માત્ર એક નાનકડા આશ્વાસનની છે. સાચું કે ખોટું જો આશ્વાસન ન મળ્યું હોત તો ચોક્કસ પેલા વેપારીના ચરણ મરણને શરણ થયાં હોત.

જ્યારે કોઈ એકલતાના બંધ ઓરડામાં સબડતું હોય, ત્યારે તેને કોઈ આવીને તેને માત્ર એટલું કહે કે ચિંતા ન કર, હું તારી સાથે છું; જિંદગીથી કંટાળીને કોઈનાં ચરણ મરણને શરણ થવાં ડગ ભરે ત્યારે તેને થોભો કહેનાર કોઈ મળી જાય, મૃત્યુના મુખ સુખી પહોંચી ગયેલ વ્યક્તિને પણ માત્ર કેમ છો એટલું આશ્વાસન આપનાર કોઈ મળી જાય તો આખી બાજી પલટાઈ જાય. જયંત પાઠકે કહ્યું તેમ, મરવા કરતા જીવવું સહેલું હોય છે, પણ તે આપણા હાથમાં ક્યાં હોય છે...

તો વાચકમિત્રો, તમે પણ તમારી એકલતાના કૂવામાં સબડ્યા હશો, શક્ય છે કે તમને કોઈ આશ્વાસન આપવા ન પણ આવ્યું હોય, તમે જાતે તેમાંથી ઊગરી ગયા હોવ. પણ તમારી આસપાસ કોઈ પણ વ્યક્તિ ‘કંઈ નથી’ના બંધ ઓરડામાં આંટા મારતી એકલતા વચ્ચે ઘેરાઈ હોય, ત્યારે બને તો એટલું કહેજો, ‘હું છું ને’ શક્ય છે કે તમારા આ એક વાક્યથી એ જીવી જાય.

લોગ આઉટઃ

એ ના સળંગ હોય તો મારે જવું નથી,
રસ્તાને અંત હોય તો મારે જવું નથી.

બોલાવતું બધુંય ગામ તોય એમની,
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી.

પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી.

ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી.

હું ચાલું તો ચાલે ને અટકું તો ઊભો રહે,
એવો જ પંથ હોય તો મારે જવું નથી.

- જયન્ત પાઠક

“ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો