લોગઇન:
ચણોઠીઓના ઢગલે દાઝ્યા કંઈક કવિના કિત્તાજી,
શબ્દોમાં હું એમ પ્રવેશ્યો જેમ આગમાં સીતાજી.
– અનિલ જોશી
શબ્દના સર્જનહારે અનેકવાર અગ્નિપરીક્ષા આપવી પડતી હોય છે તે વાત બે જ પંક્તિમાં કેટલી સચોટ રીતે દર્શાવી આપી છે કવિએ.
ગુજરાતી ગીતોમાં નવોન્મેશ લાવનાર બે મહત્ત્વના કવિઓ તે અનિલ જોશી અને રમેશ પારેખ. બંનેમાં ફાટફાટ મૌલિકતા, અભિવ્યક્તિનું નાવિન્ય અને કલ્પનાની સચોટ રજૂઆત કરવાની ઊંડી આવડત. રમેશ પારેખનું સર્જનવિશ્વસ ખૂબ બહોળું - વિશાળ પટમાં પથરાયેલું, જ્યારે અનિલ જોશીનું સર્જન ઓછું, પણ ખૂબ મજબૂત. તેમણે કેટકેટલાં નવકલ્પનોના રસથાળ આપણને ધર્યા. એમાંય ગીતમાં તેમની સવિશેષ હથોટી. તે એમ લખે, ‘મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું’ તુલસીના પાંદડાને આપણે ત્યાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે, તેને બિયરમાં નાખવાનું સાહસ કોણ કરે? એમાં તો ઘણા પરંપરાગત મૂલ્યો ધ્વસ્ત થાય. વળી એ એમ પણ લખે કે ‘મેં તો આબરૂના કાંકરાથી પાણીને કૂંડાળું દીધું’ આપણે ત્યાં નાલેશી વહોરવાની થાય ત્યારે લોકો કહે છે કે આબરૂના કાંકરા થઈ ગયા. બાળકોને પાણીમાં પથ્થર નાખીને કુંડાળાં કરવાની રમતમાં મજા પડે છે. આ કવિ પણ પોતાની મહામૂલી આબરૂના કાંકરા થઈ ગયા, તો એ કાંકરા પાણીમાં ફેંકીને તેમાંથી કુંડાળા કરે છે.
અનિલ જોશીની કવિતામાં મૌલિકતા નિરંતર મહોરતી રહે છે. તેમણે દીકરી-વિદાય વિશે લખેલું કાવ્ય ગુજરાતી ભાષાના ઘરેણા જેવું છે.
‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો, જાન ઊઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.’
ક્યાંય વરરાજાનો ઉલ્લેખ નથી, પણ પંક્તિ વાંચતાની સાથે આંખ સામે એક દૃશ્ય ખડું થઈ જાય કે સાંજની વેળા છે, જાન ઊઘલી રહી છે, ઢોલ વાગી રહ્યો છે, તમે કવિનો કમાલ જુઓ, ‘ઢોલ ઢબૂકતો’ શબ્દને વારંવાર બોલશો તો ખરેખર ઢોલ ઢબૂકતો હોય તેવો નાદ સર્જાશે. શબ્દોનો ઉપયોગ પણ ખૂબ મહત્ત્વનો છે. ક્યાં કયો શબ્દ વાપરવો તેની ઊંડી સૂઝ હોવી જરૂરી છે. આ સમજ કવિતામાં પ્રાણ પૂરે છે. ‘ઢોલ ઢબૂકતો’ શબ્દો માત્ર શબ્દો ન રહેતામાં તેમાંથી અવાજ પણ ઉત્ત્પન્ન થાય છે. તેને બદલે ‘ઢોલ વાગતો’ શબ્દો વાપરીએ તો પણ લયભંગ નથી થવાનો, પણ કવિને ખબર છે કે કવિતા વધારે તીવ્રતાથી અને ભાવનાત્મક રીતે વ્યક્ત કરવા કયા શબ્દોનું પ્રયોજન જરૂરી છે. તેણે પ્રયોજેલો એકેએક શબ્દ ખૂબ મૂલ્યવાન મોતી છે. એ મોતીની ચમક પામવા માટે શબ્દના અર્થને ઉજાગર કરવો પડે. અનિલ જોશી શબ્દની આ શક્તિને ખૂબ ઊંડાણપૂર્વક સમજતા હતા, તેથી જ તેમણે લખેલો શબ્દ પોતાની આગવવી છાપ છોડે છે.
વળી આ કવિ એમ પણ લખે, ‘સૈ, મેં તો પાણીમાં ગાંઠ્ય પડી જોઈ’ અરે! પાણીમાં તે કાંઈ ગાંઠ પડતી હશે? પણ કવિએ ખૂબ સમજપૂર્વક પંક્તિ વાપરી છે. યુવતી વહેલી પરોઢે પાણી ભરવા ગઈ છે, અને પાણીની સપાટી પર તે બરફના ટુકડાઓ તરતા જુએ છે, તે બરફના ટુકડાને પાણીમાં પડેલી ગાંઠ તરીકે જુએ છે!
મોટા કર્કશ ઘોંઘાટમાં નાના માણસોનો અવાજ ક્યાં દબાઈ જાય છે, ખબર પણ નથી પડતી. એ વાતને ઉજાગર કરતા અનિલ જોશીએ લખેલું, ‘ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો, તમને નથીને કાંઇ વાંધો?’ ધ્યાનથી જોશો તો હિંમતભેર ખોંખારો ખાનાર કીડીઓ તમને દેખાશે. જ્યાં જ્યાં ક્રાંઉ ક્રાંઉ વધતું જતું હશે ત્યાં ત્યાં આવી કીડીઓ ખોંખારા ખાવાનું સાહસ કરતી જોવા મળશે. કીડીની વાત સાથે આ કવિની અન્ય પંક્તિઓ પણ તરત સાંભરી આવે છે, ‘એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર!’
આવાં અનેક ઉમદા કાવ્યો સર્જનાર કવિ હવે આપણી વચ્ચે નથી. ચોરાસી વર્ષનું આયુષ્ય ભોગવી તેમણે જગતથી વિદાય લીધી, અને આપણે ખોળે ધરતા ગયા તેમનાં અમૂલ્ય કાવ્યો. તેમનો ક્ષરદેહ આથમ્યો છે, પણ અક્ષરદેહ તો હરહંમેશ ગુજરાતી ભાષાના પાલવમાં કિંમતી મોતી જેમ સચવાશે.
લોગઆઉટઃ
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો!
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને
થાય પડવાને છે કેટલી વાર?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો!
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો!
- અનિલ જોશી