તું હતી તો ઘર ખરેખર ઘર હતું મા

ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ

લોગઇન:

તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા!
એક મીઠું આંગણે સરવર હતું, મા!

ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
એક માથે વાદળું ઝરમર હતું, મા!

સાવ ખાલીખમ હતું; પણ તું હતી તો,
એમ લાગે ખોરડું પગભર હતું, મા!

યાતના વચ્ચે મલકતું ને હરખતું,
એ વદન હેતાળ ને મનહર હતું, મા!

ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
તારું બસ હોવાપણું સરભર હતું, મા!

– રતિલાલ સોલંકી

‘મા’ એ કોઈ વ્યક્તિ નથી, ન તો કોઈ સંબંધ છે. મા એક અનુભૂતિ છે. આજે વિશ્વ માતૃદિવસ છે, ત્યારે અનેક લોકો કવિતાઓ શેર કરશે, લેખો લખશે, પોસ્ટ બનાવશે, ને માતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરશે. કવિ રતિલાલ સોલંકીએ ઉપરોક્ત ગઝલમાં માતાનો અભાવ વર્ણવ્યો છે. કવિતાની શરૂઆત જ એ રીતે કરે છે કે, તું હતી તો… અર્થાત્ અત્યારે મા નથી. પણ જ્યારે મા હતી ત્યારે ઘર કેવું હતું તેના વિશે વાત કરીને કવિએ માની ગેરહાજરીમાં ઊભા થયેલા અભાવનો ઊંડો પડઘો પાડ્યો છે.

કોઈ પણ મકાનમાં મા નામની દૈવી શક્તિ ન હોય ત્યાં સુધી તેનું ‘ઘર’ બનવું મુશ્કેલ છે. મા એક ઊર્જા છે. એ ઊર્જા ગાયબ થઈ ગયા પછી આપણને સમજાય છે કે ઘર તો પહેલેથી જ ખાલી હતું, અમે જ ભરેલું માનતા હતા. માની હાજરીમાં ઘર માત્ર ઈંટ-પથ્થરનું માળખું ન રહેતા, એક જીવંત ચીજ બની જાય છે. તેની ભીંતોમાં અવાજ હોય છે, દરેક ખૂણામાં એક અજાણી હૂંફ હોય છે. એ વખતે ફળિયું પણ મીઠા સરોવર જેવું લીલુંછમ લાગે છે. ઘણાં ઘરમાં આંગણું હોય છે, પરંતુ બધાં આંગણાં સરવર નથી બનતાં. કારણ કે સરવર બનવા માટે પાણી નહીં, પરંતુ પ્રેમ જોઈએ. એ પ્રેમ માની આંખોમાંથી, તેના શબ્દોમાંથી, તેના સ્પર્શમાંથી ટપકતો હોય છે.

માનો અભાવ ધરાવતી વ્યક્તિના મનમાં એક પ્રકારનું તોફાન જીવ્યા કરતું હોય છે. મુકેશ જોશીએ તો તેફાની દરિયાને ઉલ્લેખીને લખેલું, “કાળમીંઢ પથ્થર પર માથું પછાડતા કોઈએ ખમ્મા કહ્યું જ નહીં હોય, લાગે છે દરિયાને મા નહીં હોય.” મા હોય તો દરિયો આમ રઘવાયો થઈને કાંઠા પરના તિક્ષ્ણ પથ્થરો પર માથું થોડો પછાડે? માનો અભાવ જ તેને આવો ધૂંધવાટાભર્યો બનાવતો હશે.

દરેકના જીવનમાં ‘ધોમધખતો તાપ’ આવતો જ હોય છે, આ તાપ એટલે સૂર્યપ્રકાશ નહીં, પણ જીવનનો સંતાપ, સંઘર્ષ અને માઠા દિવસો. આવા કપરાકાળમાં માતાની હૂંફ હોય તો જીવનનું કુરુક્ષેત્ર આકરું હોય, તો પણ એક આશ્વાસન જાણે અજાણે ઢાલ બનીને સાથે રહેતું હોય છે, એ આશ્વાસન એટલે મા. બહારના તાપથી તો માત્ર પગના તળિયા બળશે, પણ અંતરનો સંતાપ રુંવેરુંવે બાળશે, આવી સ્થિતિમાં એક વાદળાની જેમ ઝરમરતી રહીને અંદરના અંગારાને ઠારવાનું કામ કોઈ કરતું હોય તો તે મા છે.

યાતના વચ્ચે પણ સંતાનો માટે સદાય મલકતું રહેતું મુખ જો કોઈનું હોય તો તે માતાનું હોય છે. પોતાની પીડા છુપાવીને, પોતાનાં દુઃખને અંદર રાખીને, તે હંમેશાં હસતી રહે છે. એ હાસ્ય, ઘણીવાર, એક ઢાંકપિછોડો હોય છે, પણ એ ઢાંકપિછોડો હકીકતમાં તો સંતાનો, પરિવાર માટે એક ઢાલ બરોબર હોય છે.

આપણે મોટા થઈએ ત્યારે સમજાય છે કે દુનિયા આખી હિસાબ પર ચાલે છે. નફો નુકસાનની નીતિ પર જગત આગળ વધે છે. દરેક સંબંધમાં એક ગણિત હોય છે, પરંતુ માનું ગણિત અનોખું હોય છે. તેના સરવાળા અને બાદબાકી, તેના ભાગાકાર અને ગુણાકાર, ગણિતના નિયમોથી પર હોય છે. એ છેદ પણ ઉડાડે તો સરવાળો થઈ જાય.

માની ગેરહાજરી એ માત્ર એક વ્યક્તિની ગેરહાજરી નથી હોતી, પરંતુ એક આખા વિશ્વની ગેરહાજરી હોય છે. એ એક એવી ખાલી જગ્યા છે, જે કોઈ પણ વસ્તુથી ભરી શકાતી નથી.

લોગઆઉટઃ

જેને ઝાલીને હું બચપનમાં બધે ફરતો હતો
મારી મમતાની એ નાની આંગળી મળતી નથી.
- અદી મિર્ઝા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો