ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
કહાં તો તય થા ચરાગા હર એક ઘર કે લીએ,
કહાં ચરાગ મયસ્સર નહીં શહર કે લીએ.
– દુષ્યંત કુમાર
આજે ત્રીજી મે, આજે વર્ડ પ્રેસ ફ્રીડમ ડે છે ત્યારે દુષ્યંતકુમાર સહજપણે યાદ આવી જાય છે. કેટલાક કવિઓ શાહીમાં નહીં, આગમાં બોળીને લખતા હોય છે. તેમની પંક્તિઓ માત્ર વાંચવાની નથી હોતી, હૃદયમાં ઉતારવાની હોય છે. અને ન ઉતારો તો પણ તે પોતાની જગ્યા જાતે બનાવી લે છે. એ તમારી અંદર ઘૂસવાનો માર્ગ કરી જ લે છે, પછી તમને બેચેન બનાવે છે, ઉશ્કેરે છે, અને પછી શાંતપણે તમને જ તમારી સામે ઊભા રાખી દે છે.
આજનું ભારત, એક અનોખી કવિતા સમાન છે, પણ એ કવિતા બે છંદોમાં વહેંચાઈ ગઈ છે. એક છંદ છે ચમકનો, વિકાસનો, ઊંચી ઇમારતોનો, જે આકાશને આંબવાની દાવેદારી કરે છે. અને બીજો છંદ છે શાંત, અંધકારમય, જેમાં હજુ પણ કોઈ ખૂણામાં દીવો પ્રગટવાની રાહ જુએ છે. એક બાજુ આપણે ચંદ્ર પર પહોંચવાની વાત કરીએ છીએ, તો બીજી બાજુ કોઈ દીકરીને ચૂલેથી નીકળીને ચોક સુધી પહોંચવામાં પણ હજારો વિઘ્નો ખડકી રહ્યા છીએ. એક બાજુ ગોડાઉનોમાં અનાજના ભંડારો સડી રહ્યા છે, તો બાજુ કરોડો લોકો ભૂખ્યા પેટે ઊંઘવા ન આવવાથી કણસી રહ્યા છે. કોઈના કબાટોમાં લાખો રૂપિયાના બૂટ-સેન્ડલ ધૂળ ખાય છે તો ક્યાંક બળબળતા તાપમાં પગના તળિયે ફરફોલા થઈ ગયા છે. વિરોધાભાસ તો કોઈ પણ દેશ કે સમાજમાં હોય, પરંતુ જ્યારે એ વિરોધાભાસ સતત વધતો જ રહે, ત્યારે દુષ્યંતકુમાર જેવા કોઈ કવિનો આત્મા સળગી ઊઠે છે.
પ્રેસ એ જ એક એવો રસ્તો છે, જેના થકી સમાજમાં પ્રવર્તતી પીડા જગત સુધી પહોંચી શકે, સત્યનો ચહેરો છતો થઈ શકે. પણ જ્યારે એના પગમાં સાંકળ નંખાય ત્યારે જગતને માત્ર એ જ ચિત્ર દેખાય, જે સાંકળ પહેરાવનાર બતાવવા માગતો હોય. ક્યારેક લાગે છે કે સમાચાર હવે માત્ર સમાચાર નથી રહ્યા, એ પ્રદર્શન બની રહ્યા છે. સત્યની જગ્યા સનસનાટીએ લઈ લીધી છે. અને પ્રશ્ન પૂછવાની જગ્યાએ પ્રશ્ન લૂછવાની ટેવો વધવા લાગી છે. હવે સમાચારનું અંતિમ સત્ય એક માત્ર છે — ટીઆરપી.
એક સમય હતો, જ્યારે અખબારના પાનાં પર પડતી શાહી ક્રાંતિનો રંગ ધરાવતી હતી. એ શબ્દો માત્ર વંચાતા નહોતા, લોકોના મનમાં વાવાઝોડું ઊભું કરતા હતો, એક પ્રકારનો જુવાળ લાવી દેતા હતા. આજે એ જ શાહી જાહેરાતોના કલરફુલ જાહેરાતોની નીચે દટાઈને પોતાનો અસલ રંગ ગુમાવી રહી છે. જોકે આ વાત માત્ર મીડિયાની નથી, આ તો આખા સમાજનો અરીસો છે. જ્યારે જનતા પ્રશ્ન પૂછવાનું છોડી દે છે, ત્યારે સત્તા જવાબ આપવાનું પણ બંધ કરી દે છે. જ્યારે સત્ય સાંભળવાની ઈચ્છા મરી જાય, ત્યારે ખોટું બોલવું સરળ બની જાય છે.
દરેક અસત્યની અંદર એક હઠ છુપાયેલી હોય છે, સત્ય બનવાની હઠ. કહેવાય છે કે સત્ય હજી પોતાના પગરખાં પહેરે ત્યાં સુધી તો જૂઠ આખા ગામમાં ફરી વળ્યું હોય છે. પણ અમુક લોકો તેનાં પગલાંને પારખી લે છે. આજે પણ દેશના ખૂણેખાંચરે એવા લોકો છે, જે કોઈ હોબાળો કર્યા વગર, કોઈ મંચ વગર, પોતાના હિસ્સાનો દીવો પ્રગટાવે છે. કોઈ શિક્ષક છે જે તૂટેલી છત નીચે બાળકોને સપનાઓ શીખવે છે, કોઈ કવિ છે જે કલમ દ્વારા પોતાના સમયની વ્યથાકથાને સચ્ચાઈપૂર્વક ગૂંથે છે. કોઈ ફોટોગ્રાફર છે, જે ચુપચાપ એક ક્લિક દ્વારા હકીકતને કેમેરામાં કંડારીને જગત સામે લાવવા મથ્યા કરે છે.
આ લોકો જ એવા દીવા છે, જે હજુ બળે છે, જેમના લીધે આશા જીવંત રહે છે. કારણ કે દીવો સરકારો નથી પ્રગટાવતી, સમાજ પ્રગટાવે છે. અને જ્યારે સમાજ પોતાનો હિસ્સો નિભાવવાનું શરૂ કરે, ત્યારે ગમે તેવો ગાઢ અંધકાર હોય, ટકી નથી શકતો. આજે જરૂર માત્ર એ નથી કે આપણે ફરિયાદ કરીએ, “कहां चराग़ मयस्सर नहीं शहर के लिए,” પણ જરૂર એ છે કે આપણે થોડી વાર માટે અટકીએ, અને પોતાના અંતરાત્માને પૂછીએ કે શું મેં મારા ભાગનો દીવો પ્રગટાવ્યો છે ખરો?
લોગઆઉટઃ
हो गई है पीर पर्वत-सी पिघलनी चाहिए,
इस हिमालय से कोई गंगा निकलनी चाहिए।
आज यह दीवार, परदों की तरह हिलने लगी,
शर्त लेकिन थी कि ये बुनियाद हिलनी चाहिए।
हर सड़क पर, हर गली में, हर नगर, हर गाँव में,
हाथ लहराते हुए हर लाश चलनी चाहिए।
सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।
मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।
- दुष्यंत कुमार
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો