ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
રાત થીજીને સડક થઈ જાય છે,
બલ્બમાંથી ચાંદની રેલાય છે.
થાકની બે કોથળી પીધા પછી,
રોજ પડછાયા લથડીયા ખાય છે.
તારલા ફૂટપાથ પર આડા પડ્યા,
વાહનોના હોર્ન લોરી ગાય છે.
ગોદડીથી પણ નરમ આકાશ છે,
ખપ પડે ને ફટ કરી ઓઢાય છે.
શું અકસ્માતે ચમત્કારો કર્યાં!
કંઈક બેઘર સ્વર્ગવાસી થાય છે.
– કુણાલ શાહ
થોડા દિવસ પછી ગુજરાત સ્થાપના દિવસ અને મજૂર દિવસ બંને એકસાથે છે. ફુટપાથ પર સૂતા સાધારણ મજૂરો વિશે વિચારું છું ત્યારે કવિ કુણાલ શાહની આ ગઝલ સહજ સાંભરી આવે છે. વર્તમાન ગુજરાતી કવિતામાં આ કવિ મજૂરો, કામદારો, ગરીબોની વાત પોતાની રચનાઓમાં સહજપણે લઈ આવે છે. તેમની આ ગઝલનો પ્રત્યેક શેર તળિયાના માણસની પીડાનો પડઘો પાડે છે.
મજૂરો શહેરના હોય કે ગામડાના, ફૂટપાથ પર રહેતા હોય કે ઝૂંપડામાં, તેમનો એક જ ધર્મ હોય છે - મજૂરી. વિવેકાનંદે એક સૂત્ર આપેલું, “ઊઠો, જાગો અને ધ્યેપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.” રોજનું કમાઈને રોજ ખાનારા મજૂરોનો ધ્યેય આવો જ હોય છે, ઊઠો, ઊભા થાવ અને કામે વળગો. બે ટંકનું કમાઈ ન શકાય ત્યાં સુધી વળગેલા રહો. વરસાદ, ટાઢ કે તડકો, તમામ ઋતુ તેમને માટે એકસમાન છે.
કાળમીંઢી મજૂરીમાં કેવળ અંધારું હોય છે. એટલા માટે જ કદાચ રાત ક્યારેક એક અવસ્થા બની જાય છે. એવી અવસ્થા, જેમાં શહેરનું શરીર ધીમે ધીમે ઠંડું પડીને સડક બની જાય છે. દિવસના ઘોંઘાટ, ઘમાસાણો અને ગીચતા બધું જ થંભી જાય છે. પછી જે બચી રહે છે તે એક લાંબી, ઠંડી, અને ઉદાસ શાંતિ… એવી શાંતિ, જે દેખાવમાં નિર્જીવ છે, પરંતુ અંદરથી અસંખ્ય વાર્તાઓથી ભરેલી છે. સામાન્ય રીતે ચાંદની આકાશમાંથી વરસે છે, પરંતુ ગરીબો માટે તો સ્ટ્રીટ લાઈટના થાંભલામાં લગાડેલો બલ્બ જ ચંદ્ર બરોબર છે. એ બલ્બ તેમની રાતોને પ્રકાશિત કરે છે.
દિવસભર રઝળતો ફૂટપાથવાસી, મજૂર, કામદાર, કચરો વીણનાર માણસ, સાંજ પડ્યો થાકીને ઠુસ થઈ જાય છે, શરીર કળતરથી ખેંચાતું હોય છે. પણ આ કળતરને કાપવા માટે તેમની પાસે મોંઘી દવાઓ કે ફિઝિયોથેરેપિસ્ટ નથી હોતા, ન તો તેમના મનના વલોપાતને કાઢવા માટે સાઇકિયાટ્રીસ્ટ. આ ભાર ક્યારેક તે એકાદ કોથળી ગટગટાવીને ઉતારતા હોય છે. કવિએ થાકને ગટગટાવનાર માણસને જાણી જોઈને માણસ નહીં, પડછાયો કહ્યો છે. તે પણ મનુષ્ય છે, તેવું કોઈ ક્યાં સમજે જ છે, તે માત્ર પડછાયા છે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે પડછાયા ત્યારે જ હોય, જ્યારે છાયા હોય.
આખા દિવસના થાક પછી ફૂટપાથ પર પડેલા માણસોને પોતાના જ જણ્યાને પ્રેમ આપવાનો સમય નથી હોતો, આ કેટલી કરૂણતા. સારા ઘરના માણસો એક બાળક માટે મોંઘું ઘોડિયું વસાવે, તેના ખાવા-પીવા, ઊંઘવા-જાગવા, રમવા-રમાડવા માટે વસ્તુઓથી લઈને વ્યક્તિઓ સુધી, દાયણથી લઈને નોકર સુધી કેટકેટલી સુવિધાઓ કરે. પણ એ સુવિધા વિશે તો આ લોકોને સપનું પણ ન આવે. બાળકો બાપડાં પડ્યાં હોય ફૂટપાથની પથરાળ ભૂમિ પર નિશ્ચિંતપણે. તેમની માટે શું ગીતો, કે શું લોરીઓ. બાજુમાંથી નીકળતાં વાહનોના કર્કશ અવાજો અને હોર્ન એ જ તેમનાં હાલરડાં. ત્યાં અધરાતે મધરાતે ઓઢવા માટે નરમ ગોદડી કે સુંવાળો કામળો ક્યાંથી આવે, ત્યાં તો આભ એ જ ઓઢણ, ને ધરા એ જ પાથરણું.
રોડની બાજુમાં પડ્યા રહેતા આવા માણસોના જીવનની કિંમત પણ કોઈને ક્યાંથી હોય. અનેક વાર છાપામાં સમાચાર આવે છે કે ફલાણી જગ્યાએ રાતે વાહન નીચે ચાર મજૂરો ચગદાઈ ગયા. ઢીંકણી જગાએ આમ થયું. અને એ સમાચાર માત્ર સમાચાર બનીને રહી જાય છે. પરંતુ કવિ અહીં એક ભયાનક સત્ય તરફ ઇશારો કરે છે. કેટલીકવાર આ અકસ્માતો બેઘરો માટે ‘ચમત્કાર’ બની જાય છે. કારણ કે તે તેમને આ જીવનની પીડામાંથી મુક્તિ આપે છે. આ વિચાર આપણને અચાનક અંદરથી ઝંઝોડી નાખે છે.
લોગઆઉટઃ
રાતે મજબૂરી સૂવે ફૂટપાથ પર,
સ્વપ્નમાં આવીને ચાલ્યું જાય ઘર.
એના હિસ્સામાં જ છે લાંબી સફર,
જે બિચારા ચાલતા ચપ્પલ વગર.
જિંદગી રસ્તે રઝળતી હોય છે,
એક્સિડન્ટનો ક્યાં પછી લાગે છે ડર!
એ તને હોળી વિશે શું કહી શકે,
ભાગ્યમાં જેના ઊડે કાળો કલર.
દૂધ ભૂખ્યા બાળને આપી દીધું,
હાથ જોડીને કહ્યું, 'મહાદેવ હર'.
– જય દાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો