ગુજરાત સમાચારમાં દર રવિવારે આવતી કૉલમ 'અંતરનેટની કવિતા'નો લેખ
લોગઇન:
રે આવ્યો કાળ ઉનાળો
અવની અખાડે, અંગ ઉઘાડે, અવધૂત ઝાળજટાળો.
એના શ્વાસે શ્વાસે સળગે ધરતી કેરી કાયા;
એને પગલે પગલે ઢળતા પ્રલય તણા પડછાયા.
ભરતો ભૈરવ ફાળો. રે આવ્યો કાળ ઉનાળો...
એના સૂકા હોઠ પલકમાં સાત સમુન્દર પીતા;
એની આંખો સળગે જાણે સળગે સ્મશાન ચિતા.
સળગે વનતરુડાળો. રે આવ્યો કાળ ઉનાળો...
કોપ વરસતો કાળો,
રે આવ્યો કાળ ઉનાળો.
– જયન્ત પાઠક
મક્કમ ડગે ઉનાળાએ પોતાનાં પગલાં પાડી દીધા છે. શિયાળાની સવારે મીઠો લાગતો તડકો ઉનાળાની સવારે અણિયાળા તીર જેવો આકરો લાગે છે. કવિએ તેને કાળ કહ્યો છે - “રે આવ્યો કાળ ઉનાળો”. અચ્છા અચ્છા જીવો માટે તે કાળ સમાન છે. સૂર્ય જ્યારે સોળે કળાએ ખીલ્યો હોય ત્યારે, છે કોઈની તાકાત કે તેના તાપની સામે પડે? કવિએ કાળ સમાન ઉનાળાને દર્શાવવા સરસ વર્ણન કર્યું છે. આખી પૃથ્વી જાણે કે એક મોટો અખાડો બની ચૂકી છે. એ અખાડામાં ઉઘાડા ડિલે કુશ્તી લડવા આવેલા કોઈ અવધૂત જેવો લાગે છે ઉનાળો. અને તેના માથાની ઝટાઓ જ્વાળા જેવી આમતેમ લહેરાઈ રહી છે.
તેના શ્વાસ અને ઉચ્છ્વાસ ધરતી પર અગનજ્વાળા પાથરે છે. જ્યાં પણ તેનું પગલું પડે કાળો કેર વરતાય છે. પશુ, પંખી અને માનવસહિત સમસ્ત જીવો પોતપાતાના ઘરમાં ભરાઈ જાય છે. મનુષ્યોએ તો એસી, કુલર, ફ્રીજ જેવાં સાધનો શોધી લીધાં ઉનાળાની ગરમીથી બચવા માટે, પરંતુ પશુઓ, પંખીઓ અને જનાવરો બાપડાં આ કાળસમાન ઉનાળામાં ઘણી વાર જીવ ખોઈ બેસે છે. કોઈ પાણીના અભાવે, તો કોઈ લૂના પ્રભાવે. પણ તેમના કારણમાં છે કાળમુખો ઉનાળો. આ ઉનાળો ખરા બપોરે કોઈ ભૈરવ જેમ મોટી મોટી ફાળ ભરતો બધે ફર્યા કરે છે, બળબળતો તાપ એનાં પગલાં છે, અને લૂ તેનો ઉચ્છ્વાસ.
ધોમ ધખતા ઉનાળામાં એમ લાગે છે જાણે સૂરજ ખૂબ તરસ્યો થયો છે અને તડકારૂપી હોઠથી સમંદરના સમંદર પી રહ્યોછે. નાનાં નાનાં સરોવરોને તો તે પલકવારમાં પી જાય છે. નદીઓનું બાષ્પીભવન કરી નાખે છે. આટઆટલું કર્યા પછી પણ તેની આંખો ઠરતી નથી, તે કોઈ મહાસ્મશાનની ચિતા જેમ નિરંતર સળગતી રહે છે. તેના પ્રકોપ નીચે જંગલનાં તમામ વૃક્ષો જાણે કે સળગી રહ્યાં છે.
જયંત પાઠકની આ કવિતા ઉનાળાની હાલાકી વિશે વાત કરે છે. પરંતુ કવિતા વાંચીને થાય છે કે માત્ર ઋતુમાં જ નહીં, જીવનમાં પણ ઉનાળા આવતા હોય છે. ઋતુગત ઉનાળા તો કેમ કરીને ય વેઠી લેવાય છે, પણ જિંદગીનો તાપ ક્યારેક અસહ્ય થઈ પડતો હોય છે. અતરના ઉનાળા બહુ આકરા હોય છે. આ કવિતા માત્ર બાહ્ય ઉનાળાની ગરમીનો અનુભવ કરાવવા માટે નથી. તે આપણા જીવનના ઉનાળાઓ વિશે વિચારવા મજબૂર કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં કોઈ ને કોઈ સમય એવો આવે છે, જ્યારે બધું જ તપતું લાગે, કાળ ચારે તરફથી અગનજાળની જેમ ઘેરી વળે. સમસ્યાના સૂર્યો જીવલેણ તાપ વરસાવવા માંડે. દરેક રસ્તો કોઈ સળગતી જ્વાળા સમાન લાગવા લાગે. આ જ સમય આપણા જીવનનો “કાળ ઉનાળો” હોય છે. આ સમયે આપણું મન ભીતર ને ભીતર સળગી ઊઠે છે અને આર્દ્ર સ્વરે પોકારે છે - રે આવ્યો કાળ ઉનાળો.
ઉનાળો એક રીતે તપસ્યા છે. તે તમને તાપે છે, પકાવે છે. જેમ ચાકડા પરથી ઉતરેલું માટલું જ્યાં સુધી નિભાડામાં આકરા તાપમાં તપે નહીં ત્યાં સુધી પાણી ભરવા યોગ્ય બનતું નથી. તેને પકાવવું પડે છે. ઈશ્વર પણ કદાચ આકરા ઉનાળા રૂપે આપણને પકાવવા માંંગે છે, જેથી આપણે કાચા ન રહી જઈએ.
કવિ ઉમાશંકરે ‘છ ઋતુઓ’ નામે એક સરસ કાવ્ય લખ્યું છે, તેમાં તેમણે પણ ઉનાળાને જોગી કહ્યો છે. એ કાવ્યથી વિરમીએ.
લોગઆઉટઃ
આવ્યો આવ્યો બળ બળ થતો દેખ જોગી ઉનાળો;
વા વૈશાખી પ્રબળ વહતા, ઊડતી અગ્નિઝાળો.
ઝોળા ખાતી રસદ ફળની લૂમ, લૂ વાય ઊની;
પાણી ડૂક્યાં, સજળ સરિતાઓ થઈ વારિસૂની.
~ ઉમાશંકર જોશી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો