અંદરથી અજવાળો ખુદને

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

અંદરથી અજવાળો ખુદને અંદરથી અજવાળો,
યુગો યુગોથી મથે છે દીવો નોંધાવો કૈંક ફાળો !

તદ્દન સહેલા સમીકરણથી જીવન આજે તાગો,
લાગણીઓને ગુણો હેતથી; વેરભાવને ભાગો !
અહમ-અસૂયા બાદ કરીને કરો સ્નેહ સરવાળો !

રંગોળીનાં રંગ ઉપાડી રાત-દિવસને આપો,
જાનીવાલીપીનાલાને એકએક ક્ષણમાં સ્થાપો !
સફેદ રંગનો દિવસ દિલનાં પ્રીઝમમાંથી ગાળો !

– ડૉ. મનોજ જોશી ‘મન’

એક જાણીતી કથા છે. એક દિવસ બધા દેવતાઓ મળ્યા. ચર્ચાએ ચડ્યા કે જવુંં તો જવું ક્યાં? જ્યાં જઈએ ત્યાં મનુષ્ય આપણને ગોતતો આવી જ પહોંચે છે. કોઈ અંતરિયાળ ઊંડી ગુફામાં જઈએ કે ઊંચામાં ઊંચા શિખરની ટોચ પર, મનુષ્ય બધે પહોંચી જાય છે. તેમનો બળાપો સાંભળીને એક દેવતા બોલ્યા, એક કામ કરો, માણસના હૃદયમાં જ વસી જઈએ. એ બહાર બધે ફાંફા મારશે, પણ અંદર ક્યારેય નહીં જુએ. બસ તે દિવસથી ઈશ્વર હૃદયમાં વસી ગયો છે અને આપણે બહાર ગોત્યા કરીએ છીએ.

આપણે ઈશ્વરને મંદિર, મસ્જિદ, દેવળ, ગિરજાઘરમાં શોધીએ છીએ. આપણી શાંતિનું સરનામું આવી ઇમારતોની આંગણેથી જ પ્રાપ્ત થશે એવી દૃઢ માન્યતાનો ઊંડો ખીલો મારી બેઠા છીએ આપણા મનમાં. એ ખીલા પર આપણી શ્રદ્ધા અને શંકાની થેલીઓ ટીંગાડ્યા કરીએ છીએ. આપણે એ ભૂલી જઈએ છીએ કે આ બધી ઇમારતો આપણી શ્રદ્ધાનાં પ્રતીકો છે, શ્રદ્ધા નથી. સાચી શ્રદ્ધા કે શંકા, જે કહો તે બધું આપણી અ્ંદર છે. તમારો ફોટોગ્રાફ એ તમે નથી. તમારી જાણ બહાર તમારો ફોટો કોઈ ફાડે કે સળગાવે તેનાથી તમારા દેહ કે મનને રતિભાર ફેર પડવાનો નથી. પણ આપણે ફોટાના મોહમાં જ રચ્યાપચ્યા છીએ. મંદિરની મૂર્તિ કે મસ્જિદ કે દેવળને જ ઈશ્વર ગણી લઈએ છીએ.

કવિ મનોજ જોશીએ બહુ સમજી વિચારીને અંદરને અજવાળવાની વાત કરી છે. તેઓ જાણે છે કે આપણે બાહ્ય જગતની ઝળહળાટથી અંજાયેલા છીએ. આપણો સંતોષ કે અસંતોષ, શાશ્વત સુખ કે અંદરનો આનંદ બધું જ બહારના જગતની ખીંટી પર લટકેલું જોવાથી આપણી આંખો ટેવાયેલી છે. કોઈની સફળતા કે નિષ્ફળતા આપણા સુખ-દુઃખ અને ભાવનાઓ પર પણ અસર કરે છે. અરે કોઈને સારાં કપડાં પહેરેલા જોઈએ કે નવી મોંઘી ગાડીમાં નીકળતા જોઈએ તો એ પણ આપણા સુખ-દુઃખ પર તેની અસર થાય છે. કોઈ વધારે ધનવાન વ્યક્તિને મળીએ, પ્રસિદ્ધ માણસને જોઈએ કે જે તે ક્ષેત્રમાં સફળ થયેલા વિશે જાણીએ એટલે આપણી અંદરની નિષ્ફળતા આપણને ડંખવા લાગે છે. તેમના જેવી સફળતા આપણે કેમ ન મેળવી શક્યા એવો વસવસો અંદરથી કોરવા લાગે છે. એમાં ય જ્યારે આપણાં જ ક્ષેત્રના આપણા કરતા વધારે સફળ માણસોને મળીએ ત્યારે તો અંદરનો અફસોસ ઉછાળા મારવા માંડે છે. વળી આપણા ક્ષેત્રના આપણા કરતા ઓછા સફળ માણસને મળીએ ત્યારે આપણો અહમ આકાશ સાથે માથું ભટકાય એટલો ઊંચો થઈ જાય છે. આ બધું થવાનું કારણ છે બહારના પ્રકાશથી અંજાયેલી આપણી અણસમજુ આંખો. જગતની માપપટ્ટીથી બંધાયેલું આપણું મન.

જો કે કડવુંં સત્ય એ છે કે પૈસો હાથનો મેલ છે એવું કહેવા માટે પહેલા પુષ્કળ પૈસો કમાવો પડે છે. બહારના ઝળહળાટને અવગણતા પહેલાં અંદરના અજવાળાને પામવું પડે છે. કોઈ ભીખારી એમ કહે કે જીવનમાં પૈસો કંઈ કામમાં નથી આવતો તો તેનું કોણ સાંભળે? જેણે જીવનમાં એક પાતળી સળી પણ ભાંગી ના હોય એ મોટા પહાડ તોડનારને તૂચ્છ ગણે એ તો પેલા શિયાળની વાર્તા જેવું થાય - દ્રાક્ષ ખાટી છે. પણ ખાટી કહેવા માટે તેને ઊંચાઈ પરથી તોડીને ચાખવી પડે.

દીવાળી જેવા તહેવારો આવીને આપણી અંદર અજવાળાની અહાલેક જગાવી જાય છે. કોઈ ફટાકડા ફોડીને અંદરના અવાજનો ધુમાડો કરે છે, તો કોઈ તેને પામવા પ્રયત્ન. નીતિન વડગામા કહે છે તેમ, “કોઈ કરે છે ખાંખાખોળા, કોઈ કરે છે ખોજ, જેવી જેની મોજ!”

લોગઆઉટઃ

આમ તો છે જરાક અજવાળું,
તોય રાખે છે ધાક અજવાળું.

બંધ પડદો ખૂલે ને આવી જાય,
કાયમીનું ઘરાક અજવાળું.

કેટલા પ્રશ્ન ! એક છે ઉત્તર !
રોટલો, થોડું શાક અજવાળું.

બાળ, ફેંકી દીધેલ બોલ્યું, 'મા,
આટલું દર્દનાક અજવાળું !?'

જાય તું તો રહે છે એ પણ ક્યાં ?
હોય છે બસ, કલાક અજવાળું.

- વિપુલ પરમાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો