(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
‘ભાગ એય અંધારા!’ એમ કહી આમ મને કાઢ નહીં આવતાની વેંત!
એ તો કે’, ‘હોત નહીં હું, મૂઆ અજવાળા! અજવાળું કોણ તને કે’ત?!’
કાગળ સફેદને શું ધોઈ પીત?! હોત નહીં કાળા તે રંગ તણી સ્યાહી,
ડાઘ ધોળી ચાદરમાં લાગે પણ લાગે નૈ કાળી તે કામળીની માંહી!
પૂનમને આભ મહીં મારા વિણ આવકારો ભોજિયો ન ભાઈ કોઈ દેત!
ટપકું મા મેશ તણું કરતી’તી કે નજરું લાગે ના છૈયાને ગોરા,
આખીયે દુનિયાની તરસ્યું છીપાવશે શું? વાદળાં રૂપાળાં ને કોરાં?
રૂપ-રંગ, વાન નથી જોતો ભગવાન, ઈ તો ઓળખે છે અંતરનાં હેત!
– જગદીપ ઉપાધ્યાય
આપણે વસ્તુ, વ્યક્તિ, સ્થાન અને જગતને સારા-નરસામાં વિભાજિત કરવાથી ટેવાયેલા છીએ. જે સારું તે મારું એવી ભાવના પણ મનમાં હોય છે. કોણ એવું હશે જે જિંદગીમાં સુખ ન ઇચ્છતું હોય? પણ મોટી તકલીફ એ છે કે આપણે માત્ર સુખ જ ઇચ્છીએ છીએ. દુઃખથી દોઢસો ગાઉ દૂર રહેવાની જ મહેચ્છા હોય છે. આપણું ચાલે તો જિંદગીની ડિક્ષનરીમાંથી દુઃખ નામના શબ્દનો કાયમ માટે છેદ ઉડાડી દઈએ. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે લિસ્સા રોડ પર વાહન સારી રીતે ચાલી શકતું નથી. તેની માટે થોડું ખરબચડાપણું જોઈએ. ગાડીના ટાયર બનાવતી કંપનીઓ જાણી જોઈને ટાયરમાં આંકાઓ પાડે છે, તેને બરછટ બનાવે છે, જેથી ગમે તેવા રોડ પર તે તરત લપસી ન જાય. નિર્જીવ ગાડીને ચલાવવામાં પણ આપણે આવું વિજ્ઞાન વાપરીએ છીએ, પણ સજીવ જિંદગીનું વાહન હાંકવામાં હંમેશાં લિસ્સાપણું ઇચ્છીએ છીએ. કાયમ સુખની લાલસા રાખતા માણસોને શું એટલું નહીં સમજાતું હોય સુખનું મહત્ત્વ તો જ છે જો દુઃખ છે, અજવાળાનું મહત્ત્વ તો જ છે જો અંધકાર છે.
આપણે પ્રાણીઓને પણ સ્વભાવમાં વણી દીધા છે. શિયાળ લુચ્ચુ, ગધેડો મૂર્ખો, કાગડો ચાલાક વગેરે. શું ગધેડો જાણતો હશે કે આપણે તેને મૂર્ખ ચિતરીએ છીએ? શિયાળને ખબર હશે કે આપણે તેને લુચ્ચુ દર્શાવતી અનેક વાર્તાઓ રચી છે? શું તેમને એ પણ ખબર હશે ખરી કે આપણે તેમને ગધેડો, શિયાળ કે કાગડા તરીકે ઓળખીએ છીએ? એ બધું તો આપણી સગવડ માટે આપણે રચ્યું છે. આપણે હંમેશાં બધું બે ભાગમાં વહેંચવાથી ટેવાયેલા છીએ. સારું અને ખરાબ, સુખ અને દુઃખ, અંધાર અને અજવાસ.
આપણે હરહંમેશ અંધારાનો અનાદર કરીએ છીએ. આપણી પ્રાર્થનાઓ પણ, ઊંડા અંધારેથી પ્રભુ પરમતેજે તું લઈ જવાનું કહે છે. પણ કવિ જગદીપ ઉપાધ્યાય તો અંધારાનો અનાદર કર્યા વિના અજવાળાને સત્કારવા માગે છે. એમની કવિતામાં અંધારું પોતે એક પાત્ર તરીકે આવે છે અને અજવાળાને ઉદ્દેશીને કહે છે, અજવાળા, ભાગ અલ્યા અંધારા એમ કહીને મને જાકારો ના આપ. જો હું આ જગતમાં ના હોત, તને કોઈ અજવાળું કહેત પણ નહીં. મારા લીધે જ તારું મૂલ્ય છે.
કવિ બીજું ઉદાહરણ પણ આપે છે. ધારો કે સફેદ કાગળ પર લખવા માટે કાળા રંગની શાહી ના હોત તો એ કાગળને શું ધોઈ પીવાનો? કાળી કલમ પોતાનું અક્ષરપૂર્વકનું કામણ પાથરે છે ત્યારે જ તો બોલાતી ભાષા કાગળ પર ગ્રંથસ્થ થઈ શકે છે. વળી ધોળી ચાદરમાં તરત ડાઘ લાગે, પણ કાળી કામળીમાં તો એવા ડાઘનો ખ્યાલ પણ ન આવે. મીરાંબાઈએ લખેલું, મેં તો શ્યામરંગની કામળી ઓઢી છે. અને શ્યામ રંગ પર બીજો રંગ ના ચડે. આકાશમાં પણ અંધકાર પથરાય ત્યારે જ હજારો તારા અને ચંદ્રના દર્શન થાય છે. અંધારા વિના તો પૂનમને કોણ ભોજિયોભાઈ આવકારો દે?
રૂપાળા બાળકને નજર ના લાગે એટલે મા કાળા રંગનું ટપકુંં કરે છે. એમાં જ તો શ્યામરંગની સુંદરતા છે. આકાશમાં પથરાયેલા ધોળાં વાદળાં જોઈને તો ખેડૂત પણ નિરાશ થતો હોય છે. કાળાં ડિબાંગ વાદળાથી ગગન ઘેરાય ત્યારે જ વરસાદની ખરી ઝડી વરસતી હોય છે. માત્ર અજવાસ કે સુખ ઇચ્છતા માણસે આટલી વાત સમજી લેવા જેવી છે કે અંધકાર કે દુઃખ વિના કોઈનો છૂટકો નથી. કવિ જગદીપ ઉપાધ્યાયે બોલચાલની ભાષામાં ગીતના લયભર્યા અંદાઝમાં જિંદગીની એક મહત્ત્વની ફિલસૂફી સરળ રીતે સમજાવી દીધી છે.
લોગઆઉટઃ
આટલાં વર્ષો ગયાં છે આકરા સંઘર્ષમાં,
જોઈએ શું થાય છે આ આવનારા વર્ષમાં.
માત્ર સુખને શું કરું, બચકાં ભરું, પપ્પી કરું,
જોઈએ પીડા ય મારે આગવા નિષ્કર્ષમાં
– અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો