(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇનઃ
પેટ ભરવા એક નારી સૂઈ ગઈ,
ઊભી થઈ તો રોજગારી સૂઈ ગઈ.
આવશે, એ આવશે, એ આશમાં
દ્વાર ખુલ્લાં રાખી બારી સૂઈ ગઈ.
‘મારે કોઈની જરૂરત નહિ પડે’-
ઠાઠડીમાં એ ખુમારી સૂઈ ગઈ.
રાત બહુ શરમાય છે ને એટલે,
રાત અંધારું પ્રસારી સૂઈ ગઈ.
ભાર મારો ઝીલીને થાકી હશે,
જાગતો’તો હું, પથારી સૂઈ ગઈ.
– મિત્ર રાઠોડ
ગઝલ હવે ઇશ્કે મિજાજી કે ઈશ્કે હકીકીના બંધનથી પર થઈને અનેક વિષયના આકાશમાં ઉડ્ડયન કરી રહી છે. પ્રેમિકાની જુલ્ફથી મુક્ત થઈને તે જન્મમરણની અનેક ફિલસૂફીના ફૂલો મહેકાવી રહી છે. ઈશ્વરના આયનામાં જાત અને જગતને જોવાની દૃષ્ટિથી પણ તે મુક્ત થઈ ગઈ છે. દરેક વિષયના વહેણમાં તેની નૌકા સહજતાથી તરી રહી છે. મહાન ચિંતનથી લઈને સામાજિક જીવનમાં ચાલતી ઘટમાળની આંટીઘૂંટી પણ બખૂબીથી માત્ર બે જ પંક્તિમાં વ્યક્ત કરવાનું કૌવત ગઝલ પાસે છે. એક શેરમાં ભરપૂર પ્રેમની વાત હોય તો બીજા શેરમાં નફરતની નદી વહેવા માંડે એમ પણ બને! દરેક શેરનો વિષય અને વાર્તા ભિન્ન હોઈ શકે. ગઝલની આ વિશેષતા જ તેને વિશેષ બનાવે છે.
મિત્ર રાઠોડની આ ગઝલ પણ જુદા જુદા ભાવને સંવેદનશીલ રીતે રજૂ કરે છે. પ્રથમ શેરથી જ ભાવકને એવાં આંચકાથી ઘેરી લે છે તે આઘાતમાં સરી પડે. ગણિકા પેટ માટે શરીર વેચે છે એ વાત સર્વવિદિત છે, પણ અહીં કવિએ એ વાતને સીધી નથી મૂકી પીડાને કલાત્મક ઓપ આપ્યો છે. પ્રથમ પંક્તિ વાંચશો તો સપાટ બયાન લાગશે પણ બીજી પંક્તિ આવતાની સાથે એ બયાન કાવ્યત્વ ધારણ કરી લે છે. ગણિકાની રોજગારી કોઈનું પડખું સેવવાની છે, સૂવામાં જ તેની રોજગારી છે. એ ત્યાંથી ઊભી થાય તો રોજગારી જતી રહે. વેપારી થડે ન બેસે તો ધંધો કેવી રીતે ચાલે? પણ આ વાત કોઈ વેપારીના ધંધા જેટલી સરળ નથી. એમાં તો એક ગણિકાની વણકહેવાયેલી વ્યથાનું વિતક છુપાયેલું જણાય છે. આ વ્યવસાય વકીલ એન્જિનિયર કે ડોક્ટર જેવો નામ અને દામ રળી આપે એવો નથી. બદનામીની સોય પળેપળ ભોંકાતી રહે. એ સોયના ઘા ખાતા ખાતા જીવ્યા કરવાનું. ઘર પરિવારને સાચવવાનો, વળી જો એ ગણિકાને બાળક હોય તો તો જિંદગી વધારે કપરી બને છે. પરિવારને પોતાના આ બદનામ વ્યવસાયનો વાયરો ન અડે એ પણ જોવાનું.
સૌમ્ય જોશીએ પણ ગણિકાની ઉંમરની વિવિધ અવસ્થા વિશે અદ્ભુત નઝમ લખી છે. કિશોરાવસ્થામાં આ વ્યવસાયમાં ધકેલાઈ ગયેલી તરૂણીથી લઈને રૂપના આથમતાં તેજ સુધીની વાત કરતી આ નઝમ વાંચવા જેવી છે. સૌમ્ય જોશીના જ અવાજમાં સાંભળવા મળે તો ભયોભયો. અમરેલીના અમરવેલ જેવાં કવયિત્રી પારૂલ ખખ્ખરે પણ ગણિકાનું ગીત બહુ ચીવટપૂર્વક લખ્યું છે. વિપુલ પરમારે પણ વીંધી નાંખે એવાં ઊંડાણ સાથે ગણિકાનું ગીત લખ્યું છે. પેટની ભૂખ ભાંગવા કોઈકના શરીરની ભૂખ ઠારતી ગણિકા પોતાની મજબૂરી પર સ્મિત પાથરી દે છે કારણ કે તેને ગ્રાહક ગમે કે ગમે તેની સાથે સૂવાનું છે, ન સૂવે તો રોજગારી જતી રહે.
મિત્ર રાઠોડનો એક શેર ઘણી ચર્ચાએ લઈ ગયો. આ ગઝલનો દરેક શેર વિસ્તૃત અર્થના આકાશને આંબે છે. અત્યારે વિપુલ પરમારના ગીતથી વિરમીએ.
લોગઆઉટઃ
મજબૂરીને ઓઢાડી મલકાટ !
સજી ધજીને જોયાં કરતી ભૂખ, ભૂખની વાટ !
સીવણ, રાંધણ જેવાં માંડ્યા કેટકેટલા ધંધા !
ખાલ છોલતા કૈક ફર્યાં'તાં ત્યાંય નજરના રંધા !
પેટ નામનાં ચોઘડિયામાં ખાધી'તી પછડાટ.
સજી ધજીને જોયાં કરતી ભૂખ, ભૂખની વાટ !
પરભાતીના સ્થાને વાગ્યાં અણગમતાં સૌ ગાન,
વરત-આખડી છૂટયા ને આ મોંમાં આવ્યાં પાન.
પિચકારીમાં થૂંકી નાખ્યો સમજણનો ઘોંઘાટ.
સજી ધજીને જોયાં કરતી ભૂખ, ભૂખની વાટ !
લોઢ ઉછળતા દરિયામાં પણ રાખી હોડી સ્થિર,
એમાં એનું ધીરે ધીરે છૂટ્યું સાવ શરીર !
હાડમાંસથી પર ઊઠી તો પામી ગઇ પમરાટ !
સજી ધજીને જોયાં કરતી ભૂખ, ભૂખની વાટ !
મજબૂરીને ઓઢાડી મલકાટ !
- વિપુલ પરમાર
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો