(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇનઃ
હું પગલું માંડું એક,
પગલે પગલે શ્રદ્ધા પ્રગટી પહોંચાડી દે છેક.
પગલું મારું પાકું હોજો, ધીરું છો મંડાય,
ડગલે ડગલે દિશા સૂઝે ને મારગ ના છંડાય,
પથ્થ૨ ને રેતીનો મનમાં સાબૂત રહે વિવેક.
હું પગલું માંડું એક.
કાદવનાં કળણોથી ચેતું, જાવું આગે આગે,
નક્કર ભોમે ચાલું, છોને કંટક-કંક૨ વાગે,
એવું પગલું માંડું જેથી આવે સાથ અનેક.
હું પગલું માંડું એક.
– મીનપિયાસી
શ્રદ્ધા એ એક પ્રકારનું ઔષધ છે. જ્યારે આશા અને ઉમેદના તમામ રસ્તા બંધ થાય ત્યારે શ્રદ્ધાના ફાનસનું કામ શરૂ થાય છે. ફાનસથી કદાચ તમને બેટરીની જેમ ફોકસ કરીને દૂરનું નહીં દેખાય. તમારા પગલાથી આગળ માંડ એકાદ-બે ડગલાં દેખાશે. પણ બે ડગલા ચાલશો એટલે અજવાળું તમારી સાથે ચાલવા લાગશે. એ શ્રદ્ધાના અજવાળે અજવાળે આયખું પતી જશે ખબર પણ નહીં પડે.
મીનપિયાસી પગલે પગલે પ્રગટતી શ્રદ્ધાની વાત કરે છે. આ શ્રદ્ધા મક્કમ પગલાંની છે. પગલું ધીમું હશે તો ચાલશે પણ નિર્બળ નહીં ચાલે. પ્રત્યેક ડગ દિશા ચીંધનાર હોવું જોઈએ. પગલું એ ચાલવાનો સંકેત છે. ચાલવું એ ગતિનું બીજું નામ છે. ગતિ એ જીવનનો નિયમ છે. બ્રહ્માંડ યુગોથી નિરંતર ઘૂમી રહ્યું છે. આપણા ગ્રહમંડળના તમામ ગ્રહો પણ એકધારા ફરી રહ્યા છે અટક્યા વિના. પૃથ્વી પોતાની ધરી પર ફરવાનું અટકાવી દે તો જીવન સમાપ્ત થઈ જાય. ધરતી પર પવન પણ પોતાની અનિશ્ચિત છતાં નિશ્ચિત ગતિએ વહ્યા કરે છે. પ્રત્યેક માણસના ચાલી રહેલા શ્વાસ પણ જીવતા હોવાની નિશાની છે. માણસ જ શું કામ તમામ જીવોના શ્વાસ જીવંતપણાની જ્યોત જગાવે છે. પહાડોથી નીકળતી નદી જાણે દરિયા પ્રત્યેની પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહી છે. જિંદગી પણ ક્યારેય પાછા પગલે નથી ચાલતી. સમય હંમેશા આગળ વધવાનું શીખ્યો છે, એટલે જીવન પાછળ નથી જતું. આગળ વધતું જીવન માર્ગથી ભટકે તો એમાં પગલાંનો જ દોષ ગણાય ને!
પગલાંઓએ પગલે પગલે અનેક લોભ, પ્રલોભનોથી જાળવીને ચાલવાનું છે. અનેક કાદવના કળણમાંથી બહુ સિફતથી પસાર થવાનું છે. વળી એમનેમ પસાર નથી થવાનું અનેક લોકોને સાથે રાખીને આગળ વધવાનું છે. પગમાં શ્રદ્ધાના બૂટ પહેર્યા હોય પછી ગમે તેવાં કાંટા આવે શું ફર્ક પડવાનો? શ્રદ્ધા પોતે જ પુરાવો છે. જલન સાહેબનો શેર યાદ કરો.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી મનથી.
જ્યાં સાબિતી માગવાની શરૂ થાય ત્યાં શ્રદ્ધા ગાયબ થઈ જાય છે. દિશાવિહીન લાખ પગલાં કરતાં મક્કમતાપૂર્વકનું એક પગલું લાખ દરજ્જે સારું. આવું એક પગલું જ કાફી છે. અનિશ્ચિતતાની આંગળી પકડી આયખું આખું રઝળવા કરતા નિશ્ચિત નદીમાં ડૂબી મરવું વધારે બહેતર! ઘણાને પોતે શું કરવા ઇચ્છે છે તે જ ખબર નથી હોતી. પગલું માંડવું માંડવું કઈ શ્રદ્ધા સાથે. મકરંદ દવેએ અજંપાની સૂની શેરીએ રઝળતા કહેલું,
‘પગલું માંડું હું અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ
અજંપાની સૂની શેરીએ…
મીનપિયાસી તો જીવનમાં આવતા કાદવ કળણથી ચેતી આગળ વધવા જવા માગે છે. કંટક કંકરની ચિંતા કર્યા વિના નક્કર ભૂમિ પર ચાલવાનું જેમ વ્યક્ત કરે છે. નર્મદ તો જોસ્સાપૂર્વક દ્રઢ નિર્ધાર સાથે પગલું માંડે છે, પછી હટે તે બીજા!
લોગઆઉટઃ
ડગલું ભર્યૂં કે ના હઠવૂં ના હઠવૂં;
વેણ કહાડ્યું કે ના લટવૂં ના લટવૂં.
ડગલું ભર્યૂં કે ના હઠવૂં....
સમજીને તો પગલૂં મુકવૂં, મૂકીને ના બ્હીવૂં;
જવાય જો નહિં આગળ તોયે, ફરી ન પાછું લેવૂં-
વેણ કહાડ્યું કે ના લટવૂં ના લટવૂં.
ડગલું ભર્યૂં કે ના હઠવૂં.....
ભણી ગણી જન પુખ્ત વિચારે, પાયો નાખે મજબૂત;
કો કાળે પણ જસ મોટો લે, નર્મદ કેરૂં સાબૂત-
વેણ કહાડ્યું કે ના લટવૂં ના લટવૂં.
ડગલું ભર્યૂં કે ના હઠવૂં.
~ નર્મદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો