(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇનઃ
માણસ નામે નબળું પ્રાણી,
એની ઊંઘ એને ઘણી વહાલી !
તમે અચાનક એને ઢંઢોળો તો
ક્રોધથી ગાંડોતૂર થઈ
ક્રોસ ઉપર તમને લટકાવે નહીં તો શું કરે ?
અથવા
હાથમાં જો બંદૂક આવે તો શું તમને જતા કરે ?
તમે તો સર્વજ્ઞાની –
આટલું પણ ન જાણ્યું કે
કાચી ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં ?
– વિપિન પરીખ
ઉશનસના કાવ્યસંગ્રહ ‘તૃણનો ગ્રહ‘માં એક સુંદર સોનેટ છે ‘ઈસુની છબી ટિંગાડતાં‘ આ સોનેટમાં કવિ ઈસુની છબી લટકાવતી વખતે પોતે જ ઈસુને ક્રોસ પર લટકાવતા હોય એવો અપરાધભાવ અનુભવે છે. જગતમાં સમયાંતરે અનેક મહાનુભાવો આવ્યા. માણસને નીતિના માર્ગે વાળવાના પ્રયાસો કર્યા, પણ એ બધાની શી હાલત કરી આપણે? કોકને ઝેર આપ્યું, કોકને સૂડીએ ચડાવ્યા તો કોકને ગોળીઓ ધરબી!!
વિપિન પરીખે માણસને ઊંઘપ્રિય પ્રાણી કહીને ધારદાર કટાક્ષ કર્યો છે માણસજાત પર. અંધશ્રદ્ધાની ચાદર ઓઢીને સમગ્ર માનવજાત ચીરનિદ્રામાં પોઢે છે યુગોથી. માણસને ખોટા રિવાજોની ઊંઘ માફક આવી ગઈ છે. અનીતિ, ભ્રષ્ટાચાર, અત્યાચાર, આ બધી બદીઓ પણ નશાનો એક પ્રકાર છે. માણસ આ નશાનો આદી છે. પોતાનું ખિસ્સું ભરાતું રહે તો મન પણ રાજી રહે છે. ઊંચાં ઊંચાં પદ પર બિરાજમાન મંત્રી-તંત્રી-સંત્રીઓ સ્વલાભની ઘોર નિદ્રામાં પડ્યાં છે. સંસાર નામના સત્યને તેઓ પોતાના સત્યથી નાનું ગણે છે. ‘બ્રહ્મ સત્ય જગત મિથ્યા‘ની વાતને આ લોકો ભ્રમ સત્યની રીતે જુએ છે. તેમને જગાડવાનું સાહસ કરવું તે મૃત્યુને નિમંત્રણપત્ર મોકલવા જેવું છે.
વર્ષો પહેલાં ગેલેલિયોએ એટલું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે પૃથ્વી ગોળ છે તો કહેવાતા ધર્મગુરુઓ તમતમી ઊઠ્યા. તેઓ લોકોને જે ઉપદેશ આપતા હતા તેની પર પાણી ફેરવી દીધું ગેલેલિયોએ. ગુરુઓ તો સમજાવતા હતા કે પૃથ્વી ચોરસ છે અને બધા ગ્રહો તેની ફરતે ફરે છે. તેમને ગેલીલિયોની વાત ક્યાંથી પચે! પોતાના ભ્રમને જ સત્ય ગણતા હતા એ સૌ. આવા માણસો છતી આંખે આંધળા હોય છે. આવા માણસોની આંખે બંધાયેલા પાટા ખોલવામાં માત્ર હાથ ના બળે, આખો દેહ રાખ થઈ જાય. અને એ જ થયું ગેલેલિયો સાથે.
ઈસુએ માણસને અનીતિની ઊંઘમાંથી જગાડવાનો પ્રયત્ન કર્યો તો સત્તા પર બેસેલા માણસો રાતાપીળા થઈ ગયા. અમને જગાડ્યા જ શું કામ? લોકજાગૃતિનું કામ કરતા નાયકને વિલન ગણાવી બધાએ સૂડીએ ચડાવી દીધો. સોક્રેટિસે સૌને જગાડવાનો પ્રયાસ કર્યો તો તેની પર તોહમતનામું ઘડવામાં આવ્યું. તેને ઝેર આપીને મારી નાખવાનું ફરમાન થયું. મહાત્મા ગાંધીએ અહિંસાની આંગળી પકડીને જગતને ચલાવવાનો પ્રયત્ન કર્યો. ધર્મના વાડા ભૂલીને સર્વધર્મસમભાવના રસ્તે બધાને ચાલવાનું આહ્વાન કર્યું. તો ગોળીઓ ધરબી દીધી તેમને. કબીરે જગાડવાનો પ્રયત્ન કર્યો તો તેમને નાતબહાર મૂકવામાં આવ્યા. નથી ઊઠવા માગતો માણસ તંદ્રાવસ્થામાંથી. બુદ્ધ, મહાવીર, નરસિંહ, મીરાં બધાએ જગાડવાના અપાર પ્રયત્નો કર્યા. આ જાગૃતિ માટે તેમણે જીવન ખર્ચી નાખ્યું. ખૂબ વેઠ્યું. પણ આપણે મૂળ ઊંઘણસી, સત્યની સરવાણીએ વહેવાનું આપણને ફાવે નહીં. આપણે ભલા ને આપણી ઊંઘ ભલી. આપણને સત્ય નથી પચતું કે સત્યનો આગ્રહ પણ નથી પચતો! જો કંઈ ખપે છે તો એ છે માત્ર ઊંઘ!
લોગઆઉટઃ
એ લોકોએ ઇસુને ખીલા ઠોકી ઠોકી માર્યો,
એ લોકોએ સૉક્રેટિસને ઝેર પાઇને માર્યો,
એ લોકોએ ગાંધીને ગોળીથી વીંધી નાખ્યો,
પણ
એ લોકો મને નહીં મારી શકે,
કારણ
હું સાચું બોલવાનો આગ્રહ નથી રાખતો.
– વિપિન પરીખ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો