દ્રૌપદી અજ્ઞાતવાસમાં રહી સૈરન્ધ્રી બની

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

વિવશ સાંજ, નભ નિરાલંબ,
નિસ્પંદ સમીર નિગૂઢ,
એક યૌવના નતમુખ ઊભી,
વ્યગ્રચિત્ત સંમૂઢ. 
– વિનોદ જોશી

ગુજરાતી ભાષામાં જ્યારે રમેશ પારેખ અને અનિલ જોશીનાં ગીતોનો વાયરો ચારે બાજુ વાઈ રહ્યો હતો, આ બંને કવિના પ્રભાવમાં આવ્યા વિના ગીતલેખન કરવું ખૂબ કપરું હતું, તેવા કાળમાં એક કવિ પોતાની મજબૂત અને સજ્જ કલમ સાથે પ્રવેશ્યા અને પ્રવેશતાની સાથે જ પોતાની કાવ્યરીતિ, રજૂઆત અને કલ્પનાનાવિન્યથી આગવી છાપ છોડી દીધી. સ્વરકારો સંગીતકારો એમનાં ગીતો પર ઓળઘોળ. આ કવિ એટલે તાજેતરમાં જ જેમને દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે તે ‘સૈરન્ધ્રી‘ પ્રબંધકાવ્યના રચયિતા વિનોદ જોશી. આ કવિ જેટલી બારીકાઈથી સ્ત્રીમનોભાવોનું આલેખન કરે છે, તેટલી ચીવટથી કોઈ સ્ત્રી પણ રજૂ કરી શક્યું નથી. ઘર, પરિવાર, સમાજ વચ્ચે આનંદતી, ક્યારેક અટવાતી, મનોમન વલોવાતી કે વહાલથી છલકાતી નવોઢા-યુવતીનું આલેખન આ કવિને સહજસાધ્ય છે. ક્યારેક તો કાવ્યપંક્તિના એક લસરકે આખું ચિત્ર ઉપસાવી આપે છે. “સૈરન્ધ્રી” પણ દ્રૌપદી અર્થાત્ સૈરન્ધ્રીના મુખે કહેવાતી સ્ત્રીની વેદના, સંવેદના અને મનોભાવની છબી રજૂ કરતું પ્રબંધકાવ્ય છે. આ માત્ર દ્રૌપદી કે સૈરન્ધ્રી પૂરતી વાત સીમિત નથી, એમાં જગતની અનેક સ્ત્રીઓને વાંચી શકાય છે.

અહીં મહાભારતની કથાનો આધાર લઈને સર્જકે પોતાની કલ્પનાના રંગો ઉમેરી જાતે કથા નિપજાવી છે. આ કથા સર્જકની પોતાની છે, તે મહાભારતમાં નથી. મહાભારતનો માત્ર એક આધાર લીધો છે. પાઇલટ આકાશમાં વિમાન ઉડાડવા માટે થોડી ક્ષણો પૂરતું રનવે પર દોડાવે છે અને પછી તરત ઊડાન ભરી લે છે. અહીં સર્જકે કથાની ઉડાન ભરવા પૂરતો મહાભારતનો ટેકો લીધો છે. સમગ્ર પ્રબંધની બાંધણી અને કથા કવિની પોતાની છે. ઉપર લોગઇનમાં કાવ્યનો આરંભ જુઓ. ઉદાસ સાંજે એક નવયૌવના વ્યગ્રચિત્તે ઊભી છે. શરૂઆતથી જ તે સૈરન્ધ્રીની મનોદશાને ચીવટપૂર્વક પકડી કવિતાની બાંધણી કરે છે.

મૂળ કથા એવી છે કે પાંડવો જુગટુ રમતા બધું હારી જાય છે. પરિણામે તેમને બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસમાં રહેવું પડે છે. આ અજ્ઞાતવાસ દરમિયાન દરેકે પોતાનું મૂળ નામ ત્યજી નવું નામ ધારણ કરવું પડે છે. જો ઓળખાઈ જાય તો સજા ફરી મળે. આથી બધા પોતાનું નવું નામ ધારણ કરે છે. જેમાં દ્રૌપદી સૈરન્ધ્રીના નામે રાણી સુદેષ્ણાની દાસી તરીકે રહે છે. સુદેષ્ણાનો ભાઈ અને વિરાટ રાજાનો સેનાપતિ કીચક સૈરન્ધ્રી પર મોહી એને વશ કરવા પ્રયત્ન કરે છે. ગુપ્તવેશે રહેલા પાંડવો અને રાજા વિરાટ મદદે ન આવ્યા ત્યારે દ્રૌપદી ભીમના શરણે ગઈ. ભીમે દ્રૌપદીની મદદથી કીચકને નાટ્યશાળામાં બોલાવી મલ્લયુદ્ધમાં કીચકને ખતમ કર્યો. કીચકના ૧૦૫ ભાઈઓએ ગુસ્સામાં સૈરન્ધ્રીને બાંધીને કીચક સાથે બાળવા કોશિશ કરી પણ ભીમે એ તમામને મૃત્યુને ઘાટ ઉતારી દ્રૌપદીને બચાવી લીધી. આ મૂળ કથા વિનોદ જોશીની સૈરન્ધ્રીમાં જરા અલગ પ્રકારે આવે છે. કવિ ખુલાસો દેતા કહે છે: ‘અહીં મૂળ કથાને સ્હેજ ઝાલી તેનાથી છેડો ફાડી નાંખ્યો છે, એટલે કોઈને વ્યાસોચ્છિષ્ટ મહાભારતથી અહીં કશુંક જુદું હોવાનો ભાર લાગે તેવું બને.’ 

અહીં સર્જકે પુરાણકથાને અવગણીને કર્ણ પ્રત્યેના તેના પ્રેમભાવને પોતાની રીતે રેખાંકિત કર્યો છે. કદાચ એ જ સર્જકની ખરી કસોટી છે. ખરો પડકાર તો આજના સમયમાં પ્રબંધકાવ્યને પુનર્જીવિત કરવામાં છે. આપણે ત્યાં મધ્યકાળમાં ઘણાં ખરાં પ્રબંધકાવ્યો રચાયાં છે. તેમાં પણ ‘કાન્હડદે પ્રબંધ‘ સવિશેષ ધ્યાનપાત્ર છે. પણ અર્વાચીન સમયમાં એ કાવ્યપ્રકાર જાણે લુપ્ત થઈ ગયો હતો. પણ વિનોદ જોશી જેવા સક્ષમ કવિની કલમનો સ્પર્શ પામતા સાંપ્રત સાહિત્યમાં એ સ્વરૂપ ફરીથી જીવંત થયું. થયું તો એવું થયું કે ગુજરાતી ભાષામાં લખાયેલી આ કૃતિ અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ. તેના પરથી નાટિકાઓ પણ ભજવાઈ. સક્ષમ કલમના સ્પર્શે આ સ્વરૂપ અહલ્યા જેમ ફરી સજીવન થયું. કવિની છંદો પરની પકડ, શૈલી, ભાવનિરૂપણ, અભિવ્યક્તિ, પાત્રની મનોદશા. બહુ બારીકાઈથી લખાઈ છે આ કૃત્તિ. સાહિત્યરસિકોએ ખાસ વાંચવા-સાંભળવા જેવી છે. સૈરન્ધ્રી કાવ્યના અંશ સાથે લેખ પૂર્ણ કરીએ.

લોગઆઉટ:

જાણે પાંડવ સૈરન્ધ્રીને,
જાણે નહીં એમાંની સ્ત્રીને;
જોયા કાંઠા, જોયાં જળને,
કદી ન જોયાં ઊંડા તળને. 

~ વિનોદ જોશી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો