જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં


(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં
જાત ભભરાવી દીધી મેં રોટલીના લોટમાં

જો, જરા વર્તન નરમ રાખે તો તું ખીલી શકે
વાત સમજાવી દીધી મેં રોટલીના લોટમાં

આવશે હમણાં અને 'એ' પૂછશે કે "કેમ છે?"
યાદ મમળાવી દીધી મેં રોટલીના લોટમાં

એક નાની વાતમાં તો કેટલું બોલ્યા હતા !
આંખ છલકાવી દીધી મેં રોટલીના લોટમાં

લોટ, પાણી, મોણ, 'મા'નું વ્હાલ...આ છે રેસિપી,
રીત બતલાવી દીધી મેં રોટલીના લોટમાં

ભૂખ બહુ લાગી હશે ! વરસાદ પણ છે કેટલો !
હૂંફ સરકાવી દીધી મેં રોટલીના લોટમાં

આમ તો છે રોજનું આ કામ 'યામિની' છતાં
સાંજ હરખાવી દીધી મેં રોટલીના લોટમાં

— યામિની વ્યાસ

મેન્ડરીન ચાઇનિઝ ભાષામાં બનેલી એક ફિલ્મ છે — ‘shaolin soccer’. આ ફિલ્મમાં એક અદ્ભુત સિન છે. ફિલ્મનો હીરો એક દિવસ મોમોસ જેવી કોઈ ફેંકાયેલી વાનગી ખાય છે. એ વાનગી તેને જરૂર કરતા વધારે ખારી લાગે છે. તેને થાય છે કે આમ કેમ? પછી તે એ જગ્યાએ જુએ છે, જ્યાં તે રોજ તે એક છોકરીને વાનગી બનાવતી જોતો હોય છે. પછી તેને અચાનક ભાન થાય છે કે આ વાનગી ખારી હોવાના કારણમાં વધારે મીઠું પડી ગયું છે એવું નથી. પણ તે છોકરી રડતાં રડતાં લોટ બાંધી રહી છે અને તેના આંસુ બંધાયેલા લોટમાં પડી રહ્યાં છે, આના લીધે તે મોમોસ ખારાં બને છે. 

યામીની વ્યાસની ઉપરોક્ત ગઝલ વાંચીને સહજ રીતે જ એ સિન યાદ આવે. કવયિત્રીએ તો ગઝલમાં લોટ અને જિંદગીને જાણે ઓતપ્રોત કરી નાખી છે. લોટ બંધાય છે ત્યારે માત્ર લોટ નથી બંધાતો, ત્યાં ઘણા સંબંધોનું વહાલ પણ ગૂંથાતું હોય છે. માનો પ્રેમ તેમાં વણાતો હોય છે, તેને આશા હોય છે કે આ રોટલી હું એટલી સારી રીતે બનાવું કે મારાં સંતાનો તેને જમીને રાજી થાય. તેમની ભૂખ મટે એટલું જ નહીં, પણ ખુશ થઈને ભૂખ મટે. બહેન રોટલી બનાવે ત્યારે કે ભાઈ કે પરિવારના અન્ય સ્વજનોને ધ્યાનમાં રાખે. દરેક લોટ બાંધતી મહિલા ખરેખર તો સંબંધને બાંધી રાખે છે. પાણી, મીઠું એ બધું તો ભૌતિક છે, તેમાં નહીં દેખાતી વસ્તુ વધારે અગત્યની છે અને તે છે પ્રેમ, લાગણી, વહાલ. સ્ત્રી લોટમાં પોતાની જાતને બાંધી દેતી હોય છે અને આ બંધન અદ્રશ્ય રીતે પરિવારને પણ બાંધી રાખતું હોય છે. માણસ ગમે તેટલો મોટો થઈ જાય પણ માના હાથનું ભોજન તેને આજીવન યાદ રહે છે. અમુક સ્વાદ તેની સ્વાદેન્દ્રિયોમાં એવી રીતે ભળી જાય છે કે તેને વિસરવા અસંભવ હોય છે. એ પછી ગમે તેટલી સારી વાનગી ખાઈએ, પણ માના હાથે બનેલું જે ખાધું હતું, તેમાં જે આનંદ આવ્યો હતો, તે આનંદ ક્યારેય નથી આવતો.

યામિની વ્યાસે સાહજિક લાગતી વાતને ગઝલની રદિફ બનાવીને કમાલ કરી છે. આવી રદિફ એક સ્ત્રીને જ સૂઝી શકે. કવયિત્રીએ ગઝલની શરૂઆત જ સુંદર રીતે કરી છે. પ્રીત પરખાવી દીધી મેં રોટલીના લોટમાં. એવું કહ્યું છે ત્યારે ત્યાં રોકડું પરખાવવાનો મિજાજ છે તો પ્રેમની પરખની વાત પણ છે. પાણી વધારે નાખીએ તો લોટ ઢીલો થાય ઓછું નાખીએ તો કઠ્ઠણ. આ બંને દશામાં રોટલી સારી ન થઈ શકે. જિંદગીનું પણ આવું જ છે. કવયિત્રી આ વાત સારી રીતે સમજે છે અને ગઝલમાં એ જ વાતનો સરસ રીતે પડઘો પણ પાડે છે. માનવવર્તન, સ્મરણ, સુખ-દુઃખ, વહાલ, પ્રેમ, હૂંફ, જેવી અનેક ભાવસરભર વાતો વણી લીધી છે રોટલીના લોટ સાથે. સમયસર જો ફેરવવામાં ન આવે તો રોટલી બળી જાય છે. માપસરના તાપ પર અમુક સમય સુધી જ રોટલીને રાખવી જોઈએ. સંબંધોમાં પણ તાપ થાય ત્યારે તેને ફેરવી નાખવો જોઈએ, જેથી બીજી બાજુની કચાશ એ તાપમાં પાકી શકે. નહીંતર એકબાજુ કાચી રહેશે અને બીજી બાજુ બળી જશે. જિંદગીની ઘણી નાની પરંતુ મોટી ફિલસૂફી સમજાવી દીધી કવયિત્રીએ આ ગઝલમાં. સ્ત્રી ઘર, પરિવારમાં આખી જિંદગી ખર્ચી નાખે છે. તેમાં ય જો નોકરી કરતી સ્ત્રી હોય તો ઑફિસની વ્યસ્તતા અલગ. ઘર ઓફિસ અને પરિવાર, આમ પણ ચૂલો બનાવવા માટે ત્રણ પથ્થર જોઈએ. યામિની વ્યાસે વર્કિંગ વૂમન પર સુંદર ગીત લખ્યું છે તેનાથી લોગઆઉટ કરીએ. 

લોગઆઉટ:

નીંદ કદી ના પૂરી થાતી આંખે ઊગે થાકનો ભાર,
સીધ્ધી સનનન કરતી સવાર...

‘ચીંકું મીંકું ઝટ ઊઠો’ કહી દોડી કપાળે ચૂમે,
આખા દિ‘ની જનમકુંડળી સવારથી લઇ ઘૂમે
કામ વચાળે કહે પતિને ‘ક્યારે ઊઠશો યાર...?’
સધ્ધી સનનન કરતી સવાર...

માંડ પહોંચતી ઓફિસ સહુના પૂરા કરી અભરખા,
ફરી રઘવાટ રસોઇનો જ્યાં એ આવી કાઢે પગરખાં.
કેટલી દોડમદોડી તોયે થઇ જાતી બસ વાર...
સીધ્ધી સનનન કરતી સવાર...

— યામિની વ્યાસ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો