અધૂરામાં પૂરું પૂરામાં અધૂરું

(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ અંતરનેટની કવિતા’નો લેખ)

લોગઇન:

રહી છે વાત અધૂરી –
શબ્દ અર્થની વચ્ચે જાણે પડી ગઈ છે દૂરી –

એક પળે વરસાદ વરસતો, પળમાં બીજી ધૂપ,
આ તે કેવી મોસમ છે ને આ તે કેવું રૂપ?
અકળ મૌનની આવજાવમાં સળવળ કરે સબૂરી!
રહી છે વાત અધૂરી –

જળમાં મારગ, મારગમાં જળ, માટી જેવી જાત,
ઓગળતાં ઓગળતાં જીવે ઝીણી માંડી વાત;
આમ ઝુરાપો અડધે મારગ, આમ જાતરા પૂરી!
રહી છે વાત અધૂરી –

– હર્ષદ ત્રિવેદી

અધૂરપ એ જિંદગીનો મહત્ત્વનો ભાગ છે. કદાચ પૂર્ણતા કરતા પણ વધારે મહત્ત્વનો! પૂર્ણતા તો કાંઠે પહોંચવાનો સંકેત છે, પણ મઝધારમાં મહાલવાની મજા અલગ છે. પૂર્ણતા પામેલા પ્રેમ કરતા અધૂરો પ્રેમ લાંબો ટકતો હોય છે. લૈલા-મજનુ, હીર-રાંઝા, સોની-મહિવાલ, શિરી-ફરહાદ બધા જ અધૂરા પ્રેમના પીડામય આનંદનાં પ્રતીકો છે. ‘પીડામય આનંદ‘ શબ્દ થોડો અલગ લાગશે, પણ પીડામાં આનંદ હોઈ શકે. પ્રણયનું દર્દ ઘણું ઘાતક હોય છે. એમાંય પ્રેમીનો વિયોગ! બાબા ફરીદે લિખિત આ પંક્તિઓ જુઓ.
कागा सब तन खाइयो, चुन-चुन खाइयो मांस,
दोइ नैना मत खाइयो, पिया मिलन की आस .

આ પંક્તિઓ રોકસ્ટાર ફિલ્મમાં ઈર્ષાદ કામિલે લખેલા ગીત ‘નાદાન પરીંદે‘માં પણ સાંભળવા મળશે. પણ તે લખી છે બાબા ફરીદે. આ પંક્તિમાં રહેલી પિયા મિલનની હદ તો જુઓ! રાહ જોઈ જોઈને શરીર ઝીર્ણ થઈ જાય. માણસ મરી જાય પછી તેને કાગડા કે ગિદ્ધ જેવાં પંખીઓ ફોલી ખાય. પ્રતીક્ષા કરનાર કાગડાને વિનંતી કરે છે કે રાહ જોઈ જોઈને હું મરી જાઉં તો મારા આખા શરીરને ખાઈ જજો, પણ આંખો ન ખાતાં. મને હજી પણ પિયા મિલનની આશ છે! ક્યા બાત હૈ! બાબા ફરીદે આ વાત ઈશ્વરને ઉદ્દેશીને લખી છે, જ્યારે ‘રોકસ્ટાર‘ ફિલ્મમાં આ વાત પ્રેમી માટે કહેવાઈ છે. આ જ તો ઉત્તમ કવિતાની ખાસિયત છે. ઈશ્કે હકીકી અને ઇશ્કેમિજાજી બંને પલ્લામાં એક સમયે સરખી રીતે અને અધિકારપૂર્વક બેસે છે. 

આપણે મૂળ વાત કરવી છે અધૂરપની. ઉપરની અમર પંક્તિઓમાંથી આ અધૂરપ બાદ થઈ જાય, પ્રિયનું મિલન થઈ જાય તો તીવ્રતા ખતમ થઈ જાય. હર્ષદ ત્રિવેદીએ આવી જ અધૂરપને કવિતાની કડીમાં પરોવી છે. ગમતા પાત્ર સાથેની અધૂરી વાતની મધુરી કવિતા રચી છે તેમણે. પ્રિય પાત્ર સાથેની વાત અધૂરી છે. કેમકે શબ્દ અને તેમાંથી નિપજતા અર્થમાં એક અંતર આવી ગયું છે. ઉચ્ચારાયેલ શબ્દમાંથી પૂરો અર્થ ન નિપજે તો ક્યાંથી વાત પૂરી થાય? અર્થ તો બાપડો શબ્દના બંધાતા વાદળ દ્વારા ધોધમાર વરસવા તલસે છે, પણ ત્યાં તો વાદળ ચીરીને તડકો દેખા દઈ દે છે. કેમ આવું થાય છે તે કવિને સમજાતું નથી. મૌનમાં અધૂરા શબ્દો સળવળી રહ્યા છે. 

હનીફ સાહિલનો સરસ શેર છે
દેહ માટીનો લઈને નીકળ્યા છો,
માર્ગમાં આખો સમંદર આવશે!

હર્ષદ ત્રિવેદીએ આ વાત કંઈક જુદી રીતે આલેખી છે. પાણીમાં માર્ગ છે, અને માર્ગમાં પાણી, વળી તેની પર માટીનું શરીર લઈને ચાલવાનું. ઓગળ્યા વિના છૂટકો નથી. પણ ઓગળવામાં ક્યાંક ઝૂરાપો છે તો ઓગળીને જાતરા પૂરી થયાનો સંકેત પણ છે. છતાં વાત તો અધૂરી જ છે!

લોગઆઉટ:

કૈં અધૂરી વાત અંતે રહી જવાની હોય છે,
શક્યતાઓ સાત અંતે રહી જવાની હોય છે.

એક પંખેરું ઊડી જાશે અકળ આકાશમાં,
માટીની આ જાત અંતે રહી જવાની હોય છે.

જિંદગી ભરચક દિવસની જેમ જીવી જાવ પણ,
એક અટૂલી રાત અંતે રહી જવાની હોય છે.

રોજ અહીં કંઈ કેટલું આટોપવા મથ્યા કરો!
સામટી શરૂઆત અંતે રહી જવાની હોય છે.

કેટલા સાવધ રહો કે ભાગતા-બચતા ફરો,
એક-બે તો ઘાત અંતે રહી જવાની હોય છે.

અન્ય કાજે જેટલું જીવી શકો, જીવી જુઓ!
એ જ નોખી ભાત અંતે રહી જવાની હોય છે.

છોડ! દુનિયા છે, ઘણું કહેશે – ઘણું વિચારશે,
એ બધી પંચાત અંતે રહી જવાની હોય છે.

– હિમલ પંડ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો