(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇનઃ
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.
ઓ મુસીબત! એટલી ઝિંદાદિલીને દાદ દે :
તેં ધરી તલવાર, તો હું ધાર પર હસતો રહ્યો !
કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર એ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં, થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યું સ્થાન, ને પગથાર પર હસતો રહ્યો.
ફૂલ આપ્યાં ને મળ્યા પથ્થર કદી, તેનેય પણ
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં એ પછી રડતાં રહ્યાં;
હું કબરમાં પણ, કરેલા પ્યાર પર હસતો રહ્યો.
નાવ જે મઝધાર પર છોડી મને ચાલી ગઈ-
એ કિનારે જઈ ડૂબી, હું ધાર પર હસતો રહ્યો.
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ એ પાંગળી વણઝાર પર હસતો રહ્યો.
– જમિયત પંડ્યા
જમિયત પંડ્યાનું ગુજરાતી ગઝલમાં તેમની ગઝલ જેટલું મહત્ત્વનું કામ છંદશાસ્ત્રનું છે. ગુજરાતી ભાષામાં વર્તમાન સમયમાં સૌથી વધારે લખાતો કાવ્યપ્રકાર ગઝલ છે. ગીત, સોનેટ, અછાંદસ, હાઈકુ જેવાં અનેક પ્રકારો છે, તેમાં પણ સરસ કામ થઈ રહ્યું છે, પણ હાઈવે પર શાહી સવારી તો અત્યારે ગઝલની જ છે. ગઝલો વિપુલ પ્રમાણમાં લખાય છે ત્યારે ગઝલ લખતા કવિઓએ છંદનું જ્ઞાન કેળવવું ખૂબ જરૂરી છે. જમિયત પંડ્યાનું‘ગઝલનું છંદશાસ્ત્ર‘ પુસ્તક આ દ્રષ્ટિએ ખૂબ મહત્વનું છે. ઘાયલ, શૂન્ય પાલનપુરી, રાજેશ વ્યાસ મિસ્કીન, રઈશ મનીઆર, જિતુ ત્રિવેદી, શકીલ કાદરી જેવાં અનેક સર્જકોએ પણ ગઝલના છંદ વિષયક પુસ્તકો લખ્યાં છે. ગઝલ લખવા માગતા કવિઓએ એ પુસ્તકોનો ચોક્કસ અભ્યાસ કરવો જોઈએ.
ટીમ ઇન્ડિયા વર્લ્ડકપમાં એક પણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચ્યું એ નાનીસૂની વાત નહોતી. જો ફાઈનલમાં પણ ભારત જીતી ગયું હોત તો આ એક રેકોર્ડ થઈ જાત. જો કે આ બધી તો પાનના ગલ્લે બેસીને ચર્ચા કરવા જેવી વાત થઈ. ખરી વાત તો રમનાર જણે. કાયમઅલી હજારીનો શેર છે-
કરે કોઈ જીતની ચર્ચા, કરે કોઈ હારની ચર્ચા
રમત તો થઈ પૂરી બાકી રહી બેકારની ચર્ચા
હવે બધી ચર્ચા બેકાર છે. ઘણા લોકો ચર્ચાના ચાકડા ફેરવી પોતાના મંતવ્યોનાં માટલાં ઉતારતા રહેશે. પોતાને ડાહ્યા ગણતા લોકો એમાં પોતાના વિચારોનું પાણી પણ રેડશે. જમિયત પંડ્યાની ગઝલ વ્યથાના રસ્તે બેકફરાઈપૂર્વક ચાલે છે. વેદનાની કાચ જેવી ધાર પર હસવાની શક્તિ આપે છે. જીતના જલસામાં તો સૌ હસે. મજા કરે, હારીને પણ હસતો રહે એ ખરો. જીવનમાં કેટકેટલી વિકટ પરિસ્થિતિની ખીલીઓ ભોંકાય છે. પણ આપણે એ ખીલીને ખીંટી સમજી ત્યાં આપણું સુખ લટકાવી દેવાનું. આખરે દુખી થવું ન થવું એ તો આપણા હાથની વાત છે. દુનિયાનો કોઈ પણ માણસ તમને દુખી ન કરી શકે જ્યાં સુધી તમે એને તમને દુખી કરવાની મંજૂરી ન આપો. કોઈના મેણાટોણાં મન પર લઈ દુઃખી થયા કરો તો સમજી લેવાનું કે તમે તમને દુખી કરવા માટે અન્યને પરવાનગી આપી રહ્યા છો.
જોકે દુઃખના શિખર પર પહોંચ્યા પછી તમે દુઃખથી પર થઈ જાવ છો. દર્દ પોતે ઇલાજ બની જાય છે. ગાલિબનો શેર યાદ કરો:
इशरत-ए-क़तरा है दरिया में फ़ना हो जाना,
दर्द का हद से गुज़रना है दवा हो जाना
ઘણી વાર ચારે તરફથી વ્યથાનાં વાદળો એટલા ઘેરાયા હોય કે એ વરસે એટલે એમાં તણાયા વિના છૂટકો નથી હોતો. તે વખતે બૂમાબૂમ કરવાનો કોઈ અર્થ નથી. જોકે એટલા બધા પીડાના પડીકે બંધાયા હોઈએ કે પછી હસવા સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી હોતો.
લોગઆઉટઃ
એમ કંઈ અમથો જ હું હસતો નથી,
એ વિના બીજો કશો રસ્તો નથી!
~ અનિલ ચાવડા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો