(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે આવતી કૉલમ ‘અંતરનેટની કવિતા’નો લેખ)
લોગઇન:
આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના.
શબ્દ બન્યો છે બ્રહ્મ એટલે આખ્ખે આખ્ખી દુનિયા એમાં લઈને ફરવું
હોત નહિતર પંખી થઈને હરફરવું કાં વૃક્ષ થઈને પાંગરવું કાં પાણી થઈને તરવું
સમજ શેષ રહી છે તેથી અમે અમારો ઉત્તર, બાકી હોત અમે નહિ હા – નહિ ના
આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
સમક્ષ હોય તે સાર્થ, નહિતર અર્થ રહે ના કોઈ કદી પણ ક્યાંય કશાનો
સ્વપ્ન સાચ કે સંબંધોનો, સુગંધનો કે સ્પર્શ-બર્શને સુંદરતાનો
શરીર સ્મરણને પામ્યું તેથી ટકી જવાતાં – ઠીક છીએ ભૈ છીએ જેમ જ્યાં તહીંના
શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કહીંના
– ચન્દ્રકાંત શાહ
ચંદ્રકાંત શાહ ઉર્ફે ચંદુ શાહ, ગુજરાતી ભાષાનો નોખો-અનોખો અવાજ. તેમની કવિતાની શૈલી તદ્દન આગવી. રિયરવ્યૂમાંથી જિંદગીને જોતો કવિ. માત્ર કવિતા જ નહીં નાટક અને અભિનયમાં એવી જ હથોટી. ‘ખેલૈયો‘ જેવા અનેક નાટકો દ્વારા તેમણે ગુજરાતી રંગભૂમિમાં પોતાના રંગ પૂર્યા હતા. મહત્ત્વની વાત એ છે કે એક સમયે સુપરસ્ટાર આમિર ખાન તેમના નાટકમાં બેકસ્ટેજમાં કામ કરતા હતા. તેમની કવિતાનું જગત માત્ર તેમનું પોતાનું છે. ક્યાંય કોઈ અન્ય કવિની છાપ તેમાં દેખાતી નથી. તેમનાં જિન્સકાવ્યો યુવાનોમાં સારા એવાં લોકપ્રિય પણ થયેલા. આ બધાથી ઉપરવટ મહત્ત્વની વાત એ છે કે માણસ ખૂબ પ્રેમાળ, દિલનો રાજા. વિશાળ હૃદયના અને શ્રેષ્ઠ કલમના માલિક એવા આ કવિને આપણે થોડા સમય પહેલા ગુમાવ્યા.
આપણું જીવન આમ તો એક સ્વપ્ન છે. જન્મનો અર્થ છે ઊંઘ અને જાગવું એ મૃત્યુનું બીજું નામ છે. સૃષ્ટિમાં જન્મની સાથે જ એક લાંબી ઊંઘની શરૂઆત થાય છે. આ ઊંઘમાં બનતી નાની વાતને પણ પોતાની ગણવા લાગીએ છીએ. પૈસો, પ્રતીષ્ઠા, પ્રેમ, સંબંધો, સંપત્તિ, સત્તા આ બધું જ કાયમી સમજીને તેમાં રમમાણ રહીએ છીએ. જિંદગી નામના સપનાને હકીકત સમજી લઈએ છીએ. કવિ આ વાત સારી રીતે સમજે છે કદાચ એટલે જ તે એમ કહે છે કે અમે આ દુનિયામાં જન્મ્યા છીએ એટલા માટે અમે અહીંના છીએ બાકી અમે ક્યાંના છીએ તે હકીકત બરોબર જાણીએ છીએ.
આપણે ત્યાં શબ્દને બ્રહ્મ કહેવાય છે. શબ્દબ્રમના સહારે જ તો કવિ અક્ષરદેહ રૂપે ટકે છે. બાકી શરીર તો નાશ થવાનું જ છે. પણ શબ્દ ટકશે. જ્યાં સુધી ભાષા છે ત્યાં સુધી શબ્દ મરવાનો નથી. દેહ પણ એક રીતે રૂપ બદલે છે. મૃત્યુ બાદ એ માટીમાં ભળીને કોઈ બીજને પોષણ આપે છે, સમય જતાં એ જ બીજ વટવૃક્ષ થઈને ફાલે છે. અને પંખીઓ માળા બાંધે છે તેની પર. ત્યારે નાશ પામીને માટીમાં ભળેલો દેહ હરખાતો હોય છે. તે નવજીવન પામ્યાનો અહેસાસ થતો હોય છે.
દેહ હયાત હોય ત્યારે શું કરે છે? એ આજીવન સ્મરણો ભેગાં કરે છે અને વહેંચે છે. જિંદગી બીજું કશું નથી માત્ર સ્મરણોની આપ-લે છે. કવિએ એ વાત અહીં બારીકાઈથી કરી છે. શરીર સ્મરણને પામ્યું તેથી ટકી જવાયું. મૃત્યુ બાદ ટકવાનો આ જ સચોટ માર્ગ છે કે તમે કેટલાં સ્મરણો કોના કોના હૃદયમાં વાવશો. કવિએ પોતાનાં સર્જનો દ્વારા સ્મરણ વાવ્યાં છે. લોકો તેમનાં કાવ્યો નાટકો થકી હરહંમેશ તેમને સંભારતા રહેશે.
લોગઆઉટ:
આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં
સાંધા હો સુખના ને શીતળ હો શેઇડ
સાથે કાટે ને થાય આપણી જ સાથે એ ફેઇડ
નવી નવી સ્ટઐલોના આપો વરતાવા
આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં
હોય નવાં ત્યારથી જ જૂનાં એ લાગે
જૂનાં થાતાં જ ફરી નવાં થઈ જાગે
સરનામું આપ પ્રભુ, ક્યાંથી મંગાવા
આપોને જીન્સ કોઈ આવાં
ક્યારે ન ધોવાં ન ક્યારે સુકાવાં
– ચંદ્રકાન્ત શાહ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો