સમંદર પી જવાની તાકાત

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં દર રવિવારે 
આવતી કૉલમ 
અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇન:

સમંદર પી જવાની હરક્ષણે તાકાત રાખું છું,
મને પડકાર ના હું સજ્જ મારી જાત રાખું છું.

સહજ રીતે ઘટે છે સર્વ ઘટના ભીતરે મારી,
સતત જોયાં કરું હું ને મને બાકાત રાખું છું.

ગમે ત્યારે ઉજાગર થઇ શકે અંધાર વર્ષોનો,
ઉઘાડાં બારણાં ઘરના દિવસ ને રાત રાખું છું.

મળે છે ક્યાં કદી પણ અંત કે આદિ હયાતીનો,
જરૂરત જોઇને હું વ્યાપની ઔકાત રાખું છું.

ગઝલના ધોધરૂપે અવતરણ તારું અપેક્ષું છું,
જટામાં હું નહીતર લાખ ઝંઝાવાત રાખું છું.

– ત્રિલોક મહેતા


નાની અમથી ઘટનાથી દુ:ખના ડુંગર નીચે ચગદાઈને છુંદો થઈ ગયા હોઈએ એવા મોઢા સાથે જીવનારા લોકો આપણે ત્યાં ઓછા નથી. બીજી તરફ માથા પર પહાડ પડે તો એને ય બાજુમાં ફંગોળીને આગળ નીકળી જનારાની સંખ્યા પણ કમ નથી. મુખ્ય પ્રશ્ન એ છે આપણે શું કરવું છે. કોઈ માણસ ઓશિયાળુ મોઢું કરીને જીવવા માગે ખરી? એ સંભવ જ નથી. બધાને રાજી રહેવું છે. સારા લાગવું છે. નિરાશ, નમાલા કે અળખામણા થઈને જીવવાનું કોઈને ગમતું નથી, પણ પરિસ્થિતિના પાંજરામાં એવા કેદ થઈ ગયા હોઈએ કે સંજોગોના સળિયા સ્વીકારી લે છે. માની લે છે કે હવે આમાંથી બહાર નથી નીકળવાનું. આ જ નિયતિ છે. પેલી હાથીની વાર્તાવાળી થાય છે આપણી સાથે.

હાથી, નાનું મદનિયું હોય ત્યારે તેને એક મજબૂત થાંભલા સાથે બાંધી દેવામાં આવે છે. એ વખતે તે છૂટવા માટે ખૂબ તાણ કરે તોય છૂટી નથી શકતું. એના મનમાં એવો વિચાર ઘર કરી જાય છે કે હું ગમે તેટલી મહેનત કરું પણ આ દોરડું મારાથી તૂટવાનું નથી. આ બંધન કાયમી છે. મદનિયું મહાકાય હાથી થઈ જાય, મજબૂત ખીલાને બદલે નાની ખીલી સાથે બાંધવામાં આવે તોય તે આંચકો મારીને છૂટવા કોશિશ નથી કરતું. તેણે મનથી સ્વીકારી લીધું છે કે આ ખીલો ઊખડવાનો નથી. આવા અનેક ખીલા લઈને આપણે જીવીએ છીએ. બાકી કોને ન ગમે દરિયો પી જવાની તાકાત? કિસ્મતના ચાકડાને ફુદરડી ફેરવીને ઈચ્છીએ તે રીતે ચલાવવાની કાબેલિયત કોણ ન ઇચ્છે? આવી મગરુરી તો બધાને જોઈએ છે. આ ઠાઠ બધાએ ભોગવવો છે. 

કવિતા, ફિલ્મ કે નાટક માનવઇચ્છાનું તીવ્રતાથી પ્રતિબિંબ પાડે છે. એ પ્રતિબિંબ જોઈને આપણામાં જોમ જાગે છે, જુસ્સો આવે છે. આપણે જાણીએ છીએ કે ફિલ્મમાં હીરો એક સાથે દસ-વીસ માણસને ધૂળ ચાટતા કરી દે એ સ્ક્રિપ્ટેડ છે. ડિરેક્ટરની કમાલ છે. આખી ઘટનાને તે એવી નાટકીય રીતે રજૂ કરે છે કે સાચી લાગવા માંડે છે. કવિ દરિયો પીવાની વાત કરે ત્યારે ખરેખર પીવા મંડી નથી પડવાનું. મૂળ વાત તો હિંમતની છે. “આ કવિઓ તો નવરા પડ્યા દરિયા પી જવા ને સમંદરને ઉથલાવવાની વાતો કરતા હોય છે. મહિને લાઇટ બિલ આવે તોય ભરવાનો વેંત હોતો નથી.” ઘણા આવું બોલીને ખીખિયાટા કરતા હોય છે. ભલા માણસ મૂળ વાત તો સમજો. 

કવિઓ પહાડને ફંગોળવાની વાત કરે, દરિયા ઉલેચવાનો ઉલ્લેખ કરે કે આભમાં કાણા પાડવાની તાકાત બતાવે તો કવિતા વાંચીને કવિ મહાકાય અને અત્યંત શક્તિશાળી હશે તેવું સમજી લેવાની જરૂર નથી. એ તો સાવ બીમાર કે જીર્ણ પણ હોઈ શકે. પણ કવિ પોતાની કલ્પનાની ઔષધિ વડે એવું દ્રવ્ય રચવા માગે છે કે તે કાનમાં રેડાય તો નિરાશાની ખાઈમાં પટકાયેલો માણસ હડી કાઢતો દોડવા માંડે. મરવા પડેલો માણસ બેઠો થઈ જાય. ટ્રેનના પાટે પડતું મેલવાનું વિચારતા માણસની જિંદગી પાટે ચડી જાય!

ત્રિલોક મહેતા જેવો સજ્જ કવિ આ વાત સારી રીતે જાણે છે. એટલા માટે તો એ મરી ગયેલા મનખાને આવા શબ્દોની સંજીવની આપીને બેઠા કરવાના પ્રયત્ન કરે છે. અને સાચી કવિતા તો દરિયાના તળે પડેલા મોતી જેવી હોય છે. વારંવાર વિચારોના દરિયામાં ઊંડી ડૂબકી લગાવવી પડે છે. એ ડૂબકી પછી મોતી પ્રાપ્ત થાય, ના પણ થાય. પણ કવિ પ્રયત્ન નથી છોડતો. અને કવિને એક કવિતા સર્જવાથી મળે છે શું? એના ખાતામાં કંઈ લાખો રૂપિયા તો આવી નથી પડતા કે ગીતકારની જેમ તે મંચ પર ગાય તો તેને લાખોનો ચેક પણ નથી મળતો છતાં તે કેમ સર્જ્યા કરે છે કવિતા? હાડમારી પછી પણ કેમ વળગેલો રહે છે શબ્દને, ક્યાંથી લાવે છે દરિયાને પી જવાની તાકાત? એ તો ત્રિલોક મહેતા જેવો સજ્જ કવિ જ કહી શકે. 

લોગઆઉટ:

“યે કૈંચિયા હમે ક્યાં ખાક રોકેગી, 
હમ પરોં સે નહીં હૌંસલો સે ઊડતે હૈ.” 
~ રાહત ઇન્દૌરી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો