પડકાર ફેંકે છે - સંજુ વાળા

કદી સ્થિતિ કદી સમજણ નવો પડકાર ફેંકે છે
કદી ભીતરની અકળામણ નવો પડકાર ફેંકે છે

નિરંતર કાળની કતરણ નવો પડકાર ફેંકે છે
ક્ષણેક્ષણ આવનારી ક્ષણ નવો પડકાર ફેંકે છે.

અચાનક એક લક્કડખોદ આવી છાતી પર બેઠું
શરીરે ઉપસી આવ્યા વ્રણ નવો પડકાર ફેંકે છે

કબૂતર જેવી મારી લાગણીને ચણ બતાવી 'ને
અજાણ્યા મ્હેલનું પ્રાંગણ નવો પડકાર ફેંકે છે

ઉખેડી મૂળથી વાચા પછી આદેશ આપ્યો : 'ગા'
આ શસ્ત્રોહીન સમરાંગણ નવો પડકાર ફેંકે છે

હવે એકેય લીલું પાંદડું બાકી બચ્યું છે ક્યાં ?
છતાં આ ભોમનું વળગણ નવો પડકાર ફેંકે છે

હજુ નવનાથ, દામોકુંડ, કેદારો, તળેટી-ટૂક..
હજુ કરતાલની રણઝણ નવો પડકાર ફેંકે છે

~ સંજુ વાળા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો