જરૂરી ચીજવસ્તુઓ ઘરે લાવી નથી શકતો

જરૂરી ચીજવસ્તુઓ ઘરે લાવી નથી શકતો
હું કેવો બિનજરૂરી છું એ છુપાવી નથી શકતો

બચ્યાં છે જેટલાં સગપણ, બધાં દ્રષ્ટિ વગરનાં છે
ઇશારાથી હવે કોઈને સમજાવી નથી શકતો

ઋતુનો દોષ છે, માળીના માથે ના તમે નાખો
ઉગાડે ફૂલ માળી, એને કરમાવી નથી શકતો

તમે જો હાવભાવોથી હવે સમજો તો સારું છે
જરૂરિયાત છે પણ હાથ લંબાવી નથી શકતો

અમારે તો ફકત બસ પૂછવું છે એક સરનામું
કોઈ રસ્તે જનારાને હું અટકાવી નથી શકતો

~ હર્ષ બ્રહ્મભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો