ઘણો ઊંડો થયો છે ઘાવ, હું ચાલી નથી શકતો

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ


લોગઇન

અધૂરો રહી ગયો છે દાવ, હું ચાલી નથી શકતો,
ઘણો ઊંડો થયો છે ઘાવ, હું ચાલી નથી શકતો.

અહીં કોઈ નથી હાજર, બધાં ચાલ્યા ગયેલા છે,
કરું કોને જઈને રાવ, હું ચાલી નથી શકતો.

ઘણા વેચાઈ ચૂક્યા છે, ઘણા મજબૂર છે અહીંયા,
પ્રથમ નક્કી કરી લ્યો ભાવ, હું ચાલી નથી શકતો.

નયનથી જોઈને જળ તૃપ્ત થાવું ખૂબ અઘરું છે,
જરા નજદીક લાવો વાવ, હું ચાલી નથી શકતો.

મને સંજીવનીની છે પરખ પણ શું કરું'નાજુક',
સખત આવી ગયો છે તાવ, હું ચાલી નથી શકતો.

— અશોક પંચાલ 'નાજુક'

ગુજરાતી ભાષામાં આજકાલ સૌથી વધારે ગઝલો લખાય છે. ગઝલમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે. કોઈ પણ નવો કવિ લખવાની શરૂઆત ગઝલથી કરતો હોય છે. તેના કારણમાં છે ગઝલની લોકપ્રિયતા. આપણે ત્યાં એવી ગેરમાન્યતા પણ છે કે જે લોકપ્રિય હોય તે ઓછું મહત્ત્વનું, અને જે ઓછું લોકપ્રિય હોય તે ક્લાસિક. પણ ગઝલની લોકપ્રિયતાએ સિદ્ધ કર્યું છે કે દરેક વખતે આવું નથી હોતું. ગાલિબ આજે આટલા લોકપ્રિય છે, છતાં તે ક્લાસિક સાહિત્યમાં શિખર પર બિરાજે છે. જ્યારે નદીમાં પુર આવે ત્યારે તેની સાથે ઘણા ઝાડી-ઝાંખરા, ડાળી-ડાંખરા તણાઈને આવતા હોય છે. પણ જેવું નીર શાંત થાય કે બધી નકામી વસ્તુ તણાઈને ફંગોળાઈ જાય, તળિયે બેસી જાય, છેવટે વધે છે માત્ર નિર્મળ જળ. જે નિરંતર વહેતું રહે છે. ગઝલના ઘોડાપુરમાં પણ આવું થશે, ઘણું બધું તણાઈ આવે છે, હજી આવશે, સમય જતાં જળ શાંત થશે ત્યારે જે સાહિત્ય વહેવાની ક્ષમતા ધરાવે છે તે નિરંતર વહેતું રહેશે.

અહીં લોગઇનમાં આપેલી ગઝલ જીવનના જુદા જુદા પડાવોમાં ઊભરાતી નિરાશાની છબીને આબેહૂબ ઝીલે છે. કેમરામાં દૃશ્ય કંડારવામાં તેના લેન્સ મદદરૂપ થતા હોય છે, તેમ અહીં ગઝલમાં શેરિયતની છબી ક્લિક કરવામાં તેના રદીફ-કાફિયાએ સારી આવો ટેકો કર્યો છે. જિંદગીમાં ઘણા એવો પડાવો આવે છે, જ્યારે બધી જ બારીઓ બંધ થઈ ગઈ હોય એમ લાગે છે. કોઈ સસ્તો દેખાતો નથી. જે દેખાય એની પર પણ શ્રદ્ધા રહેતી નથી. દૂધથી દાઝેલો છાશ ફૂંકીને પીવે એવી સ્થિતિમાં ફૂંકીને પીધેલી છાશથી પણ દાઝવાનું થાય તેવી નોબત આવે છે. નિરાશાની એટલી ઊંડી ખાઈમાં ધકેલાઈ જવાનું થાય છે કે આશાની જ્યોતિ તો ઠીક અગરબત્તી સુદ્ધાં નથી હાથ લાગતી. આવી સ્થિતિમાં, ઝેરનું મારણ ઝેરની જેમ, નિરાશાની સ્થિતિમાં નિરાશાથી છલકાતી કવિતા જીવવાનો આધાર બની જતી હોય છે.

“જીવનની રમતમાં મારો દાવ અધૂરો રહી ગયો છે, કેમ કે હું ચાલવા સક્ષમ નથી રહ્યો. મારી પર સંજોગોની બરછી એ હદે ઝીંકાઈ છે, એટલા એટલા ઘાવ થયા છે કે એક ડગલું પણ મંડાય એમ નથી. વળી આ નિરાધાર સ્થિતિમાં કોઈ સાથીસંગી પણ રહ્યું નથી, બધા ચાલ્યા ગયા છે. સહારા માટે બૂમ કોને પાડવી, કહી શકાય તેવું કોઈ હોવું તો જોઈએને?” કવિ આવું કહે ત્યારે વાંચનાર આવી સ્થિતિમાં હોય તો તેને પોતાની સ્થિતિનો વસવસો ઓગળવાનું ઠેકાણું મળે છે. એ કવિતામાં રહેલી નિરાશા ફિલ કરે છે, અને પોતાની ઉદાસી ઓગાળે છે. રડી લીધા પછી હળવાશ અનુભવાય તેમ કવિતાની ગંભીરતા પણ જીવનની ગંભીરતાનો છેદ ઉડડાતી હોય છે. આ સ્થિતિને એરિસ્ટોટલે ‘કેથાર્સિસ’ તરીકે ઓળખાવી છે. કવિતામાં રહેલી કરૂણતા અને નિરાશા આપણી ભાવનામાં પ્રવેશીને ઊથલો મારે છે, ભીતર રહેલા દર્દને છંછેડીને તેમાંથી જ દવા નિપજાવે છે. કવિતા દર્દમાંથી જ દવા બનાવે છે. ગાલિબે લખ્યું છે ને- दर्द का हद से गुज़रना है दवा हो जाना

કવિ કવિતામાં પોતાનું દર્દ ઘૂંટે છે, પણ તે ઘૂંટાયેલ દર્દ અન્ય માટે ઔષધ સાબિત થાય છે. એ ઔષધ માટે તમારે કવિતામાં રહેલી ભાવનાત્મક સ્થિતિને ફીલ કરવી પડશે, તેમાં ઉતરવું પડશે. જો તમે કવિતામાં વર્ણવવામાં આવેલી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હશો તો તરત તેને આત્મસાત કરી લેશો, અને તમારી ઉદાસીને જાણે એક મિત્ર મળી ગયાનો આનંદ થશે. તમારું દુઃખ પણ તમને આનંદ આપવા લાગશે, તમારું કેથાર્સિસ થશે. તેની માટે તમારે કવિતા સુધી જવું પડશે.

લોગઆઉટ

છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કોઈ ઇચ્છા એકલી વટભેર ચાલી ના શકે,
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

કાંધ પરથી હે કીડી! ગાયબ થયો છે થાંભલો,
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

બાતમી મળશે તને ‘ઇર્શાદ’ના એકાંતની,
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

– ચિનુ મોદી ‘ઇર્શાદ’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો