પેપર નથી ફૂટ્યું સાહેબ ! ફરફોલા ફૂટ્યા છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇન

પેપર નથી ફૂટ્યું સાહેબ...
કૂવો ખોદતાં બાપના હાથમાં પડેલા
ફરફોલા ફૂટ્યાં છે.
ફૂટ્યાં છે મારા માટે ઉઘાડા પગે ચાલીને
માતાજીની માનતા કરતી
મારી માના પગમાં પડેલા છાલાં.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટી છે ઉજાગરાના કારણે
પાક્કલ ટબ્બા જેવી થઈ ગયેલી અમારી આંખો
ને એમાંથી નીકળી રહ્યાં છે
મરી ગયેલાં સપનાઓનાં પસ અને પરું.
ફૂટ્યાં છે અમારાં ટેરવાં,
જે લખીલખીને થઈ ગયાં હતાં લોથપોથ
ને તોય ઊભા હતા અડીખમ.
પેપર નથી ફૂટ્યું સાહેબ...
ફૂટ્યાં છે અમારા અરમાનોના કાચ,
જેની કરચો હવે ભોંકાઈ રહી છે અંગેઅંગમાં...
ડર લાગે છે, આ કાચના ટુકડા
ક્યાંક હથિયાર બની જશે તો ?

- જિત ચુડાસમા

ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ બને છે. સેંકડો વિદ્યાર્થીઓ જેની માટે મહિનાઓ કે વર્ષોથી તૈયારી કરતા હોય, તેની પર રાતોરાત પાણી ફરી જાય છે. જય વસાવડાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે પેપર નથી ફૂટતું પણ માણસ ફૂટે છે. પેપર તો કાગળ છે, એ ક્યાંથી ફૂટવાનું. માણસમાં રહેલી નૈતિકતાનું પાત્ર ફૂટે છે એટલે આવી નાલેશીભરી ઘટનાઓ ઘટે છે. આટઆટલી ઘટના ઘટ્યા પછી તો જે પરીક્ષાઓ લેવાઈ અને ભરતી થઈ તેમાં પણ કેટલા અંશે પ્રામાણિકતા જળવાઈ હશે કોણ કહી શકે?

લોગઇનમાં આપેલી કવિતામાં કવિએ સાંપ્રત ઘટનાને આબેહૂબ ઝીલી છે. એક ગરીબ પરિવાર પોતાના સંતાનને ભણાવવા માટે શું શું નથી કરતો? મા લોકોનાં દળણાં દળે છે, કપડાં-વાસણ કરે છે. જરૂર પડે તો પોતાનાં ઘરેણાં ગિરવે મૂકે છે. અરે, મંગળસૂત્ર સુધ્ધાં વેચતા નથી અટકાતી માતા. પણ સરકારી કર્મચારીઓ પોતાનું ઇમાન વેચીને બેઠા છે, અને આપણે ત્યાં વેચાયેલા ઇમાનની કિંમત મંગળસૂત્ર કરતા વધારે અંકાય છે!

બાપ લારી ચલાવશે, ખેતરમાં દાડિયે જશે, કાળી મજૂરી કરશે. આકરા તાપમાં ઉઘાડા પગે વૈતરું કરતો રહેશે, સંતાનના પગમાં ક્યાંય ફરફોલા ન પડે એ માટે પોતે આખો ફરફોલા જેવો થઈ જશે. ખેતરમાં ખાળિયા ખોદશે, છાણમાટીના ખાતરો ભરશે, કડિયાકામ કરશે, લારીઓ ખેંચશે. ચોવીસ કલાક ઓછા પડે એ હદે પોતાને ગધાવૈતરું કરશે. આવા બાપના ગંધાતા પરસેવાની સામે જગતનું મોઘામાં મોઘું અત્તર પણ ફિક્કું છે.

પેપર ફૂટે છે, ત્યારે આવા પરીશ્રમના પારસપણીથી સંતાનના ભણતરની ભોંય મજબૂત કરવા મથતા માબાપ ખજાને ખોટ આવે છે. તેમના પ્રામાણિકતાથી ભર્યાભર્યા હૈયામાં કોક ચાલાકીથી ભાલો ભોંક્યા જેવી વેદના થાય છે. જે વિદ્યાર્થી મોજશોખ કરવાની ઉંમરમાં બીજાના ચોપડા માગીને વાંચે છે, ભાડું ભરવાના પૈસા ન હોય તો ઉછીનાપાછીના કરીને પરીક્ષા આપવા જાય છે, તેના આંતરડામાં જે અગ્નિ પ્રગટતો હશે તેની જ્વાળા આ ફૂટેલા માણસો સુધી નહીં જતી હોય?

સાચી વાત છે, આ પેપર નથી ફૂટ્યું, હજારો વિદ્યાર્થીઓ અને સેંકડો ગરીબ માવતરનું નસીબ ફૂટ્યું છે. જેમના હાથ પોતાના દીકરા માટે મજૂરી કરતા નહોતા થાકતા એવા બાપના હાથમાં ઉપસી આવેલા ફરફોલા ફૂટ્યા છે. દીકરો પાસ થાય તો ચાલીને ચોટીલા કે અંબાજી જવાની માનતા રાખતી માના છાલા ફૂટ્યા છે. ઈશ્વરને મહેનતુ વિદ્યાર્થીઓને પાસ કરીને આવા માતાપિતાને ન્યાલ કરવા છે, પણ આ લોકોના હાથ ઈશ્વર કરતા પણ લાંબા છે.

રાતોની રાતો જાગીને જે વિદ્યાર્થીઓ વાંચતા હતા તેમની આંખો ફૂટી છે, પેપર નથી ફૂટ્યું. અને તેમાંથી લોહીનાં આંસુ નીકળી રહ્યાં છે. એક પરીક્ષા સાથે કેટકેટલા વિદ્યાર્થીઓનું નસીબ જોડાયેલું હોય છે, માત્ર પરીક્ષા આપનાર ઉમેદવારનું જ નહીં, તેના સમગ્ર પરિવારનું ભવિષ્ય પણ તેમાં જોડાયેલું હોય છે. ક્લાર્ક, પોલીસ કે સરકારી અધિકારી બનવાનાં અરમાનો રાતોરાત કાચની બરણી જેમ તૂટી જાય છે. એની કરચો બીજાને તો ક્યાં વાગવાની, પોતાને જ વાગવાની છે વસવસો થઈને. પણ વારંવાર આવું થતું રહેશે, તો ક્યારેક આ કાચ હથિયાર બની જશે. અને એ હથિયાર ક્યારે કોને કેમ વાગશે તે કહી ના શકાય.

પેપર ફૂટ્યાની ઘટનામાં ફૂટેલા માણસો બહાર આવતા જ નથી. આકરી તપાસ થશે-ના આદેશો કચેરીઓમાંથી નીકળે છે, પણ એ નીકળીને ક્યાં જાય છે કોઈ જાણતું નથી. અગાઉ પણ આવી ઘટનાઓ ઘટી છે, પહેલા પણ સેંકડો ઉમેદવારની આશાની ધૂળધાણી થઈ છે. પણ આવું કરનારને ગોળધાણી થઈ છે. આટઆટલું થયા પછી પણ લાખો ઉમેદવારો સરકારની આંખ આડા કાન કરવાની વૃત્તિને માફ કરી રહ્યા છે. ધન્ય છે એમની ઉદારતાને. જો અગાઉની ઘટનાઓમાં દાખલો બેસે એવી સજા કરવામાં આવી હોત તો પછીથી આવું કરતા પહેલા કોઈ પણ સો વખત વિચારત.

લોગઆઉટ

દાખલા પેપર ફૂટ્યાંના તેથી વધતા જાય છે,
દાખલો બેસે કદી એવી સજા ક્યાં થાય છે?

- કિરણસિંહ ચૌહાણ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો