વસંતના વહાલાં-દવલાં

લોગઇન

રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે.
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખુલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોંતું.
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યુ:
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?

– સુરેશ દલાલ

વસંતને ન્હાનાલાલે ‘ઋતુરાજ વસંત’ કહીને બિરદાવી છે. વસંત બધી ઋતુઓમાં રાજા છે. પણ સુરેશ દલાલે ઉપરોક્ત કવિતામાં કરેલી ફરિયાદ ગેરવાજબી નથી. વસંત આવે અને જતી રહે છે લોકોને ખબર પણ નથી પડતી. રેડિયો પર તેનાં ગીતો વાગ્યાં તો ખ્યાલ આવ્યો કે ઓહ, આજે વસંતપંચમી છે! જો કે હવે સોશ્યલ મીડિયાથી ખ્યાલ આવે છે. એનો અર્થ કે કોકને તો ખબર છે જ કે વસંતપંચમી છે. રેડિયો પરથી ખ્યાલ આવ્યો, અર્થાત્ રેડિયો પર જે કામ કરે છે, તેમને ખબર છે વસંત વિશે. તેમના દ્વારા તો જાણવા મળ્યું. હવે જાણ્યા પછી શેનો વસવસો? ઊજવો વસંતને. થાવ વસંતઘેલા. લખો કાવ્યો.

કવિતામાં મોટેભાગે ફરિયાદ અને રોદણાં હોય તેવી અમુક મિત્રોની ફરિયાદ હોય છે. કદાચ તેમણે ફરિયાદ વિનાની કવિતાઓ ઓછી વાંચી હોય તેમ બને. પણ કવિતાના કરુણભાવને ફરિયાદ કે રોદણાં કહેવાને બદલે તેને એક સાહિત્યિક રસ કહેવો વધારે યોગ્ય છે. જેમ હાસ્ય, રૌદ્ર, બિભત્સ, કે શાંતરસ છે, એમ કરૂણરસ એ કવિતાનો મહત્ત્વનો ભાગ છે. આ કરુણતા જ માનવની સંવેદનાને ઢંઢોળે છે. વસંત જેવી ઋતુઓ તો આપણી અંદર ઝાંખા પડેલા રંગોને ફરીથી ઘાટ્ટા કરવાની ઋતુ છે.

આજના સમયમાં કામની ધમાલમાં લોકો એ ઋતુને ઊજવવાનું ભૂલી જાય એવું બને. પણ ખબર પડે પછી તો એનો આનંદ લો. ખબર ન પડવાનું કારણ માત્ર વધારે પડતું કામ કે નોકરી જ નથી હોતાં. પ્રકૃતિ પણ એક કારણ છે. આપણે આપણી આસપાસ પ્રકૃતિ કહેવાય તેવું કશું રહેવા દીધું હોય તો એ ખીલીને તમને સંદેશો આપેને કે જુઓ અમે આવી પહોંચ્યા છીએ! ચારેબાજું કોંક્રિટનાં જંગલો ખડકાઈ ગયાં હોય, ત્યાં વસંત સાથે તંત ગમે તેમ જોડો તોય ક્યાંથી મેળ પડે? ઘણાં બિલ્ડિંગોમાં તો વૃક્ષો પણ નકલી હોય છે, તેને પાન ખરવાની કે સુકાવાની કોઈ ચિંતા જ નથી હોતી. પાન ઊગે તો ખરે ને! આવા આર્ટિફિશિયલ ઝાડની નીચે બેસીને વસંતનાં ગાણાં ગનાર પણ ઘણા હશે. આવા સુશોભિત ઝાડની સાથે સેલ્ફી લઈને વસંતની ઊજવણી કરનાર પણ ક્યાંક મળી આવશે.

વિચારીએ તો થાય કે એમાં ખોટું ય શું છે? ઘણી સ્ત્રીઓ પાસે ચોવીસ કેરેટનું સાચું સોનું ન હોય તો તે કોઈ સાદી જગ્યાએથી કામચલાઉ ઘરેણાં પહેરીને સોનાનાં ઘરેણાં પહેર્યાના અહમને સંતોષતી હોય છે. વસંત બાબતે પણ આવું છે, તમારી આસપાસ વૃક્ષોની હરિયાળી ન હોય તો જે થોડાં ઝાડ-છોડ હોય તેમાં જ વસંત શોધવી પડેને. માણસ આમ પણ ખૂબ સગવડિયો છે, પહેલાં પોતે જ બધાં વૃક્ષોને ધરાશાયી કરશે, અને જેવી કોઈ વૃક્ષોના તહેવારની ક્ષણ આવશે કે તરત ફરિયાદ પણ કરશે કે અરેરે, હવે વૃક્ષો નથી રહ્યાં, હરિયાળી જતી રહી છે. ગરમી વધવાનું કારણ આ જ છે, ઝાડ હોય તો કેટલી ટાઢક રહે. ઘણાને બાજુમાં કુહાડી મૂક્યા પછી આવા વિચારો વધારે આવતા હોય છે. જેવી વસંત જાય કે તરત આ હરિયાળીનો કેફ પણ સુકાઈ જાય છે. ફળિયામાં સ્કૂટર કે કાર પાર્ક કરવામાં નડતું ઝાડ પણ બીજા જ અઠવાડિયે ધરાશાયી થઈ જાય છે. આપણને ફરક પણ નથી પડતો. વળી આવતા વર્ષે ફરીથી વસંતપંચમીએ રોદણાં રોવા બેસીશું, રેડિયો પર ગીત સાંભળીને વસંતપંચમી છે એવી ખબર પડ્યાના વસવસા ઠાલવીશું.

વસંતમાંથી ‘વ’ કાઢી નાખ્યા પછી, સંત શબ્દ રહે છે. વસંત ઋતુ પોતે કોઈ મહાસંત જેમ આપણી બધી ભૂલોને માફ કરીને પોતે જ્યાં પણ ખીલી શકે ત્યાં ખીલવા પ્રયત્ન કરે છે. કોઈ જર્જરિત ખંડેરની દીવાલ પર પણ તે પોતાના રંગો વિખેરી નાખશે. થોડાં વર્ષો રસ્તો ન વપરાય તો ડામરની તિરાડમાંથી તેની હરિયાળી ડોકું કાઢીને બહાર નીકળી આવશે. તેને અલગથી ઉછેરવાની જરૂર નથી, બસ માત્ર તેના માર્ગમાં અડચણ ન બનો તો વસંત રંગો વિખેરવા તત્પર જ છે.

મનોજ ખંડેરિયાએ વસંતને ગઝલમાં જે રીતે વધાવી છે તે કાબિલેદાદ છે.

લોગઆઉટ

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

– મનોજ ખંડેરિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો