નથી પ્હેલા, નથી છેલ્લા, અમે વચ્ચે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

નથી પહેલા,નથી છેલ્લા, અમે વચ્ચે.
નથી વૃક્ષો, નથી વેલા, અમે વચ્ચે.

કઈ રીતે તમારાથી ઉકેલાશું,
નથી ગાંડા, નથી ઘેલા, અમે વચ્ચે.

સમયના બંધનો સાથે અહીં આવ્યા,
નથી મોડા, નથી વહેલા, અમે વચ્ચે.

બધું જાણી-જણાવી સિદ્ધ શું કરશું?
નથી ગુરુ, નથી ચેલા, અમે વચ્ચે.

અનાદી કાળથી વહેતા હતા જળવત,
નથી ચોખ્ખા, નથી મેલા, અમે વચ્ચે.

~ દર્શક આચાર્ય

ગુજરાતી ગઝલનું વહેણ અત્યારે બે કાંઠે છલકાઈ રહ્યું છે. એક સમયે સોનેટનું વહેણ ધોધમાર હતું. સમય કરવટ બદલે તેમ રુચિ અને જરૂરિયાત બદલાય છે. પણ ગઝલે જે લોકપ્રિયતાં મેળવી છે તે લાજવાબ છે. જિંદગીની અનેક ફિલસૂફી, તર્ક-વિતર્ક કે પરિસ્થિતિનિ અસમંજસતા ગઝલ પોતાની બે પંક્તિની દોરીમાં પરોવીને આબાદ રજૂ કરી જાણે છે. કદાચ તેથી જ ગઝલ વધારે સ્પર્શે છે. ગીત, સોનેટ, અછાંદસનો પણ એક આગવો મહિમા છે. ગીતના લાલિત્યમાં જે છે, તે કદાચ ગઝલ પાસે નથી. સોનેટના સ્વરૂપમાં છે તે પણ ગઝલ પાસે નથી. અછાંદસ જેવી સ્વતંત્રતા પણ તેની પાસે નથી. છતાં તેની પાસે જે છે, જેટલું છે તે અનન્ય છે.
 
દર્શક આચાર્યની આ ગઝલ, ‘નથી પ્હેલા, નથી છેલ્લા, અમે વચ્ચે...’ ધ્યાનથી વાંચવા જેવી છે. ‘અમે વચ્ચે’ રદીફ છેક સુધી આબાદ રીતે નિભાવાઈ છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં વચ્ચે રહી જવાની કશ્મકશ, કે વચ્ચે રહેવાનો સંતોષ, કે વચ્ચે ભીંસાવાની પીડા સરસ રીતે વ્યક્ત થઈ છે. ઘણી પરિસ્થિતિમાં આપણે વચ્ચે ભીંસાઈ ગયા હોઈએ એવું લાગે, ઘણામાં લાગે કે આ બેની વચ્ચે હું હતો તો સારું થયું, નહીંતર ન થવાનું થઈ જાત. ઘણી વાર એમ પણ લાગે કે આમાં વચ્ચે હું ભીંસાઈ રહ્યો છું. ઘંટીના બે પડ વચ્ચે દબાવા જેવી સ્થિતિમાં પણ ક્યારેક મૂકાવું પડે તો ક્યારેક કોઈના બે કોમળ હોઠ વચ્ચેથી મધુર શબ્દ થઈને સરી પડવાનું સદભાગ્ય પણ સાંપડે. પણ વચ્ચે રહેવું એ મનુષ્યની નિયતિ છે. જન્મ અને મૃત્યુ નામના બે બારણાની વચ્ચે આપણે છીએ. એક દરવાજેથી એન્ટ્રી કરી બીજા દરવાજેથી એક્ઝિટ કરવાની. આ બે દરવાજાની વચ્ચેના પ્રવાસને જ આપણે જીવન કહીએ છીએ. એ અર્થમાં આપણે બધા જ ‘વચ્ચે’ છીએ. આપણે બધા જ સમયના બંધન સાથે અહીં આવ્યા છીએ. એટલા માટે જ કદાચ આપણા માટે આપણા જન્મદિવસ, કે જન્મસયમનું મહત્ત્વ હશે. તેને ગ્રહો સાથે કેટલી લેવાદેવા છે, એ તો ખબર નથી પણ આગ્રહો સાથે ચોક્કસ લેવા દેવા હોય છે.

ન પહેલા હોવું કે ન છેલ્લા હોવું, તેમાં એક વસવસો પણ છે અને સંતોષ પણ. પરિસ્થિતિ કેવી છે, તેના પર નિર્ભર છે. સામેની બાજુ અને પાછળથી પણ તીર વરસી રહ્યા હોય, ત્યારે વચ્ચે હોઈએ તો પોતાને સદભાગી સમજીએ. પણ તોફાને ચડેલી નદીમાં વચોવચ હોઈએ તે દુર્ભાગ્ય જેવું લાગે અને જે કાંઠાની નજીક હોય તેની ઈર્ષા પણ થાય.
પણ જો વચ્ચે જ રહેવાનું હોય તો આ બધી જિંદગીની ફિલસૂફીઓ જાણી-જણાવીને શું કરવાનું? એ કામ તો ગુરુઓ કે ચેલાઓનું છે, આપણે તો વચ્ચેના માણસો છીએ. વચ્ચેના માણસોએ તો સંસાર સાચવવાનો હોય છે, પરિવાર તેની જવાબદારી છે. નોકરી કરવી એ પણ એક સાધના છે. સંસાર ત્યજીને જનારના દાખલા અપાય છે, તેમની સિદ્ધિના ગુણગાન ગવાય છે, પણ વચ્ચેનો માણસ, જે જીવનભર સંસારમાં ઠેબા ખાઈને પણ પોતાના પરિવારના માથે છત સલામત રહે તે માટે નિરંતર પરિશ્રમ કરતો રહે છે, સાધના કરતો રહે છે, તનતોડ મહેનત કરતો રહે છે, તે સહેજ પણ નાની સિદ્ધિ નથી. પણ આ સિદ્ધિને સિદ્ધિ કોણ ગણે? વચ્ચેના માણસની સફળતા કે નિષ્ફળતા પણ કોઈ ધ્યાને નથી લેતું. હિતેશ વ્યાસનું એક આવી જ સરસ કવિતા છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ
 
અમે સાવ મધ્યમ અમે સાવ વચ્ચે અમારાથી કાંઈ ના ઉત્તમ થવાનું,
ન રાખી શક્યા એક પણ ઊંચું સપનું, અમારાં તો ઇચ્છા ને સપનાંય મધ્યમ.

સરેરાશ આવક સરેરાશ જાવક, સરેરાશ જીવન આ આખું જવાનું,
ન ટોચે જવાશે ન ઘાટીને જોશું, આ ચાલે છે એમજ ચલાયે જવાના!
નથી નાસ્તિકોમાં અમારી ગણતરી, નથી ક્યાંય મીરાં કે નરસિંહની તોલે,
અમારી તો શ્રધ્ધા ને શંકાય મધ્યમ, નથી મોક્ષ કાજે પ્રયત્નો થવાના!

ન કોઈ બગાવત ન કોઈ સમર્થન, બહુ કાચા પોચા છે તર્કો અમારા
અમારાથી કોઈ ન ક્રાંતિ થવાની, અમારે ફકત ભીડ સાથે જવાનું
ન ગાંધીના રસ્તે અમે ચાલી શકીશું, અમારાથી લાદેન પણ ના થવાશે,
અમે બન્ને ધરીઓની વચ્ચે રહીશું, અમારા જીવનમાં છે મૂલ્યોય મધ્યમ
 
— હિતેશ વ્યાસ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો