ખાલીપો ભીતર ખખડે રે...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

ઉજ્જડ આંખોના પાણીમાં તર્યા કરે સ્મરણોના ફોટા,
આજે અંતે એ સમજાયું ફોટા આખર છે પરપોટા!
પરપોટામાં કેદ હવાના શ્વાસ જુઓ કેવા ફફડે રે!
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

થાય મને તું પાછો આવી સઘળાં તાળાંઓ ખોલી દે,
બંધ ગુફાને દ્વારે આવી ‘સિમસિમ ખૂલ જા’ તું બોલી દે.
મારાં સઘળાં તળિયાં તૂટે એવું આ ઇચ્છા બબડે રે!
ખાલીપો ભીતર ખખડે રે…
ઘરમાં એકલતા રખડે રે…

– રિષભ મહેતા

કોરોનામાં ગુજરાતી સાહિત્યએ શું ગુમાવ્યું એવો પ્રશ્ન પૂછીએ તો તરત રિષભ મહેતાનો ચહેરો આંખ સામે તાદૃશ્ય થાય. શબ્દ અને સૂર નામના બે કાંઠાની વચ્ચે તેમની સર્જનપ્રક્રિયા નદીની જેમ નિરંતર ખળખળ વહેતી રહી. તેમની સ્વરાવલીઓમાં કેટકેટલા કવિઓની કાવ્યનાવડીઓ તરી. વળી તેમનું કાવ્યસર્જન પણ તેમના સ્વભાવ જેવું નિર્મળ, સ્વચ્છ અને નિતરતું. 16 ડિસેમ્બર 1949ના રોજ જન્મેલા આ કવિએ 16 એપ્રિલ 2021ના રોજ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. કાયા વિલાય, પણ કર્મ નહીં. આ વાત કવિ સારી રીતે સમજતા હશે, કદાચ એટલે જ તેમણે લખ્યું હતું, ‘દર્દ એવું આપજે કે જે કવિતામાં ભળે.’ બાહ્ય રીતે પીડાનો કકડાટ કરવા કરતા, તે શબ્દોમાં પરોવાઈને આવે તો સરસ કૃતિ બને.

દરેક માણસ કોઈ ને કોઈ ખાલીપાથી પિડાતો હોય છે. એ પ્રેમનો હોય, લાગણીનો હોય, કોઈ ખાસ વ્યક્તિને નહીં પામી શકવાનો પણ હોય. અનેક વસવસાનાં વહાણ ખાલીપાના દરિયામાં વગર હલેસે તર્યાં કરતાં હોય છે. કવિએ આ ગીતમાં ખાલીપાને બખૂબી ઝીલ્યો છે.

જ્યારે પણ કોઈ કવિની દર્દસભર કવિતા વાંચે ત્યારે મોટે ભાગે તેના મનમાં જે તે કવિતાથી નિપજતું દર્દ પોતાના જીવનમાં અનુભવાયું હોય તે ક્ષણો યાદ આવવા લાગતી હોય છે. વાત કવિના દર્દને અનુભવવાની થાય, પણ ભીતર તો પોતાનું દર્દ જ ઘૂંટાતું હોય છે. પોતાનો ખાલીપો જ મહેસૂસ થતો હોય છે. સાહિર લુધિયાનવીએ લખ્યું છે ને, “કૌન રોતા હૈ કિસી ઔર કી ખાતિર / સબકો અપની હી કિસી બાત પે રોના આયા.” રિષભ મહેતાની આ કવિતા વાંચીને પણ તમને તમારા ખાલીપો અનુભવાય તો નવાઈ નહીં. તમે જીરવેલી શૂન્યતા કે સહન કરેલા એકલતાના વાવાઝોડા ફરી આંખ સામે છતાં થાય તો કહેવાય નહીં.

કેમ કે ભીતરમાં બાઝેલો ખાલીપો બહાર છતો થયા વિના રહેતો નથી. કાવ્યનાયકના ઘરમાં એકલતા રખડે છે, શૂન્યતાના વાવાઝોડા ફુંકાય છે અને ખાલીપો ખખડ્યા કરે છે. સૂસવાતો પવન પોલા વાંસમાંથી પસાર થાય ત્યારે એક પ્રકારનો ધ્વનિ ઊભો થતો હોય છે. તેમ, આ ખાલીપો પણ ખખડાટ કર રહ્યો છે. આવી સ્થિતિમાં આંખો પણ જાણે ઉજ્જડ વાવ જેવી થઈ ગઈ છે. વાવના અવાવરુ પાણી જેવાં આંસુમાં સ્નેહીજન સાથેની યાદોના ફોટાઓ તર્યા કરે છે. પણ ખાલીપાના શિખર પર પહોંચ્યા પછી કવિને સમજાય છે કે આ ફોટા તો માત્ર પરપોટા હતા. અને ફોટારૂપી પરપોટામાં કેદ થયેલી હવા ધ્રૂજી રહી છે. ફફડી રહી છે. અને આ હવા એટલે જ તો આપણી જિજીવિષા. આપણી મમત. જે વ્યક્તિ ક્યારેય આપણી થવાની નથી એની જ આપણને મમત રહ્યા કરતી હોય છે.

આપણે અમુક વળગણને વળગીને બેસી રહેતા હોઈએ છીએ. ઘણી વાર લાગે છે કે આ વ્યક્તિ વિના જીવાશે જ નહીં અને એ જ વ્યક્તિ વિના વર્ષો વિતી જાય ને ખબર પણ ન પડે. આપણે સ્મરણોના પરપોટામાં કેદ થઈ જઈએ છીએ. તેમાંથી બહાર આવવા માગતા નથી હોતા. આપણી એકલતા સંતાડવા માટે પણ આવી તસવીરોના આશરા શોધતા હોઈએ છીએ. મિલિંદ ગઢવીએ આ વાતને સરસ રીતે રજૂ કરી છે. “વાસણો દોર્યાં અભેરાઈ ઉપર / ખાલીપો સંતાડવાની જીદમાં.” આપણી યાદોના વાસણો આપણે ચીતર્યા કરીએ છીએ, જેથી ખાલીપો ન લાગે. પણ એ જ યાદો ખાલીપાનું કારણ બની જતી હોય છે. કદાચ ઘરનો ખાલીપો તો સહન પણ થાય, પણ ભીતરના ખાલીપાને કેમ સહેવો? બરણીમાં નાખેલો સિક્કો ખખડે એમ આપણા દેહ નામના ડબલામાં રહેલો ખાલીપો ખખડ્યા કરે છે. અને તેનો ખખડાટ કાન ફાડી નાખે એવો, હૈયું ચીરી નાખે એવો હોય છે.

માણસ એકલતાની આરીથી ધીમે ધીમે કપાતો હોય છે. એક ઝાટકે કપાઈ જવાનું થતું હોય તો વાંધો જ ક્યાં છે. ટુકડે ટુકડે મરવાનું હોય ત્યારે જ તકલીફ થાય છે. કોઈ માણસને એવી સજા કરવામાં આવે કે એક દિવસ હાથ નાખવાના, બીજા દિવસ પગ, ત્રીજા દિવસે આંખો કાઢી લેવાની, પછી જીભ, ને એમ શરીરના એક પછી એક અંગો કાપવામાં આવે, આ બધું જ એ માણસને ભાનમાં રાખીને કરવાનું, બસ તેને મરવા નહીં દેવાનો. ખાલીપો પણ આવે જ છે, એ તમને એ હદે મારી નાખે છે કે ખાલી મરવાનું જ બાકી રહે.

લોગઆઉટઃ

એમ શાને થાય છે તારા વગર રહેવાય નૈ,
ને વળી આ લાગણીને પ્રેમ પણ કહેવાય નૈ.

– રિષભ મહેતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો