વિસ્થાપનની વ્યથાકથા બાળકના મુખે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

શું થયું હતું એ બાવરી બાવરી હવામાં
આપણા પરિવારનું, બાપુ!
આખું ગામ કેવું ડરી ગયું હતું,
નદી પણ ભાગી ગઈ હતી
રામભરોસે છોડીને ચિનારનાં ઝાડને.

શેરીઓમાં હજારો કાગડાઓનું બુમરાણ મચ્યું હતું
ને આપણે હતાં છાપરા વગરના ઘરમાં.
કોઈ વેલી પર બચેલા લીલી દ્રાક્ષના આખરી ઝૂમખા જેવાં.

રોતી’તી મા,
રોતી’તી દાદી,
નાનકો પણ રોતો ‘તો,
રોતી’તી કાકી,
ને તમે હાથ જોડીને બધાંને ચૂપ રહેવા કહેતા’તા.

દીવા બધા ઓલવી નખાયા હતા,
ચુપકીદી છવાઈ ગઈ હતી,
ગલીઓમાં જાણે કોઈ ખૂબ બધા ફટાકડા ફોડતું હોય
એવા અવાજો આવતા હતા, ત્યારે.

બાપુ, ગઈ કાલે ‘દૂરદર્શન’ પર બતાડતા હતા કાશ્મીરને!
બરફભર્યા પહાડો, સરોવરો, ઝરણાં, લીલાંછમ મેદાનો…

ત્યારે, મને થયું, કે આપણે પીળાં પાંદડાં છીએ,
ઝાડુના એક ઝાટકે ઉસેટાઈ ગયેલાં,
ઠલવાયેલાં આ કૅમ્પોમાં.

બાપુ, અહીંથી પણ આપણને
ઉડાવી લઈ જશે હવા?

— અગ્નિશેખર (અનુવાદઃ સિતાંશુ યશશ્ચંદ્ર)

‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે વર્ષે પહેલાંના એક અત્યાચાર પર રાખેલો ઢાંકપિછોડો હટાવી દીધો. એક અસહ્ય દમનને ઉઘાડું પાડી દીધું. ફિલ્મ જોનાર શોકમાં ડૂબી જાય છે કે પછી કોઈ ઘેરા મૌનમાં સરી પડે છે. કોઈ સ્તબ્ધ થઈ જાય છે તો કોઈ અવાચક. આટલાં વર્ષો પછી એ વેદનાને ફિલ્મરૂપે વાચા મળી. પણ એ વેદના સાહિત્યના વિવિધ માધ્યમોમાં વર્ષોથી રજૂ થતી આવી છે. ક્યારેક વાર્તા સ્વરૂપે, ક્યારેક નવલકથા સ્વરૂપે તો ક્યારેક કવિતારૂપે.

અહીં આ કવિતામાં પણ અગ્નિશેરે વિસ્થાપિતપણાની પીડા એક બાળકના મુખે હૃદયદ્રાવક રીતે કહી છે. અગ્નિશેખર મૂળ શ્રીનગર કાશ્મીરના છે. વિસ્થાપિત થવાની પીડા તેમણે નજરે નિહાળી છે – અનુભવી છે. 1990માં વિભાજનવાદ અને જેહાદી આતંકવાદને લીધે નિર્વાસિત થઈને, હીટલિસ્ટમાં હોવા છતાં અગ્નિશેખરે ધાર્મિક કટ્ટરતા સામે અનેક આંદોલનો કર્યાં. સરઘસો, ધરણાં, જેલ ભરો અભિયાન જેવાં અનેક અભિયાનો કરીને તેમણે બેઘર થયેલા લોકો માટે અને કાશ્મીરમાં સર્જાતાં અનેક પ્રશ્નોમાં સામાન્ય લોકોને પડતી હાલાકીને વાચા આપવા ખૂબ મહેનત કરી. તેમનો આ પરિશ્રમ સાહિત્યમાં પણ દેખાય છે.

આ કવિતામાં સરળ અને સીધી રીતે જ વાત કરવામાં આવી હોવા છતાં તે વાચકના હૃદય સુધી સીધી પહોંચે છે. એક બાળક પિતાને પૂછે છે કે બાપુ એવું શું થયું હતું, કે જેને લીધે આખું ગામ ડરી ગયું હતું, માણસ તો ઠીક નદી સુધ્ધાં ભાગી ગઈ હતી, રામભરોસો છોડીને ચિનારના ઝાડને. અહીં નદી ચિનારના ઝાડને છોડીને ભાગી ગઈ, અર્થાત એક પરંપરા, એક સંસ્કૃતિ, જે કાશ્મીરમાં જીવતી હતી, તે પોતાના વતનને છોડીને ભાગી ગઈ તેવું સીધું પ્રતીક જોઈ શકાય છે. શેરીઓમાં હજારો કાગડાઓનું બૂમરાણ મચવું, છાપરા વગરના ઘરમાં, કોઈ વેલા પર લટકેલા દ્રાક્ષના ઝૂમખા જેવા હોવાની પીડા જ અસહ્ય છે. મા, દાદી, નાનામોટા બધા જ રડી રહ્યા હોય, પિતા છાના રાખવામાં પડ્યા હોય. ચારે તરફ અંધકાર ઘેરી વળ્યો હોય. ચુપકિદી છવાઈ હોય છતાં બહાર ફટાકડા ફૂટતા હોય તેવો અવાજ આવવો તે ઘટના ચોતરફ છવાયેલા આતંક અને ભયાવહ દ્રશ્યને દર્શાવે છે. આ બધું જોઈને બાળકને થાય છે કે આપણે પણ પીડા પાંદડાં જેવાં છીએ. ઝાડુના એક ઝાટકે આમથી તેમ ફેંકાઈ ગયાં છીએ, કેમ્પ નામની સૂપડીઓમાં. ફરીથી હવાનું એક વાવાઝોડું આવશે અને અહીંથી ઉડાવીને બીજે લઈ જશે કે શું?

આ પ્રશ્ન બાળકનો છે અને પિતાને પૂછાય છે. પણ કવિતા વાંચનાર તમામ વાચકને એ પ્રશ્ન સાથે સીધો ઘરોબો કેળવાય છે. એ પોતે પણ બાળકની વ્યથાને અનુભવી શકે છે, પિતાની લાચારીને સમજી શકે છે. કવિતા સત્ય છતું કરી આપે છે. તે કડવું પણ હોય અને મીઠું પણ. જે હોય, જેવું હોય એને એની જ રીતે રજૂ કરવાની કવિતામાં ગજબની તાકાત છે. સુંદર-અસુંદર બધું જ કવિતા ખૂબ ભાવવાહી અને હૃદયસ્પર્શી રીતે રજૂ કરી શકે છે. અહીં બાળકના સરળ-સહજ પ્રશ્નો સ્વરૂપે અગ્નિશેખરે ઘણું બધું કહી દીધું છે. આમાં જે નથી કહેવાયું તે પણ સારા વાચકો સારી રીતે સમજી જશે.

પોતાના ઘરમાંથી ઝાડના પાંદડાની જેમ ઉસેટાઈને બીજે ફેંકાઈ જવું એ પીડા જેવીતેવી નથી. ચંદ્રશેખરની કલેમે તેને ખૂબ સારી રીતે વાચા આપી છે. કેમ્પમાં રહીને તેમની દીકરી તેમને ઘેર જવાનું કહે છે, તેની વ્યથા વ્યક્ત કરતી કવિતા પણ વાંચવા જેવી છે.

લોગઆઉટઃ

આ દિવસોમાં મારી દીકરી નિહાળે છે
કેમ્પમાં એક ચકલીને
સાંભળે છે તડકામાં એની વાતો
અને ક્યાંય સુધી રહે છે ગુમ
સામસામે—

ઊડી જાય છે ટેન્ટના દોરડાં પરથી
એક સાથે સેંકડો ચકલીઓ
ઉદાસ થઈ જાય છે મારી દીકરી
લુપ્ત થઈ જાય છે એનો કલરવ
પછી અચાનક
અનાયાસે પૂછી બેસે છે,
“પપ્પા, આપણે ક્યારે જઈશું, ઘેર?”

— અગ્નિશેખર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો