ઘણી લાશોની વચ્ચે બાળકે જ્યાં આંખ મલકાવી!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ખલાસીનેય દરિયાથી થતું નુકસાન સમજાવી,
પછી એ માછલીએ ત્યાં સિફતથી જાળ બિછાવી.

તમે તો પાનબાઈ વાત મોતીની કરો છો પણ,
અમે તો વીજના ચમકારમાં આ જાત વીંધાવી.

ભયાનક દૃશ્યની તાસીરમાં ગોબો પડ્યો જાણે,
ઘણી લાશોની વચ્ચે બાળકે જ્યાં આંખ મલકાવી.

સૂરજનો પણ અહં ઢાંક્યો તમે વાદળ વડે તેથી,
અમે ત્યાં આગિયાથી જિંદગીની સાંજ ચમકાવી.

અજાણ્યા શહેરમાં ચહેરો ગમ્યો પણ ચોતરફ જોખમ,
તો એનો સાથ મેં માંગ્યો નજરના હાથ લંબાવી.

છૂપાવી વાત એણે તો ધરાના સાતમા પડમાં,
અમસ્તી હો ભલે પણ જાણવા મેં વાવ ખોદાવી.

— ચેતન શુક્લ 'ચેનમ'

ગઝલની ખૂબી એ છે કે બે જ પંક્તિમાં તે પોતાની વાત કરી દે છે. પછી તરત આગળના શેર તરફ ગતિ કરે છે. ઘણી વાર બે પંક્તિનો શેર સ્વતંત્ર કવિતાનો દરજ્જો ધરાવતો હોય છે. ઘણાબધા એવા શેર, જે લોકમાનસમાં જીવે છે, તે શેરવાળી આખી ગઝલ કદાચ ઘણાને ખબર પણ નથી હોતી. એ સ્વતંત્ર શેર જ ગઝલના બધા શેરમાં મેન ઑફ ધ મેચ હોય છે. હાંસિલે ગઝલ હોય છે. મરીઝ-શૂન્ય-સૈફ-ગની જેવા અનેક શાયરોના શેર ઠેરઠેર ટંકાતા રહે છે, તેનું કારણે તે શેરનું મજબૂત ભાવવિશ્વ અને ચોટદાર રજૂઆત. ચેતન શુક્લની આ ગઝલ આખીયે સરસ છે, પણ તેનો ત્રીજો શેર સ્વતંત્ર રીતે જોવા જેવો છે. એમાંય અત્યારે રશિયા-યુક્રેન વોર થઈ રહી છે ત્યારે તો ખાસ.

હિન્દીના કવિ શ્રીકાંત વર્માની એક સરસ કવિતા છે, તેનું શીર્ષક છે ‘કલિંગ’. અશોક જીતીને પણ ન જીતી શક્યો એની વાત તેમણે સરસ રીતે કરી છે, તેમણે લખ્યું, “માત્ર અશોક પાછો ફરી રહ્યો છે, માત્ર અશોક માથું ઝૂકાવીને ઊભો છે, બીજા બધા તો વિજયના કેફમાં છે. માત્ર અશોકના કાનમાં ચીસાચીસ મચી રહી છે અને બીજા બધા તો જીતવાના લીધે રાજીના રેડ છે. માત્ર અશોકે હથિયાર હેઠાં મૂક્યાં છે, માત્ર અશોક લડી રહ્યો હતો.” અશોક સિવાય બીજું કોઈ પાછું નથી ફર્યું. કેમ કે હિંસક વિજય મેળવીને તેમનો આત્મા મરી ગયો છે. અશોક પાછો ફરી શક્યો કેમ કે તેનો આત્મા જીવતો હતો. તેનું હૃદય લોહિયાળ જંગ પછી નિર્દોષોના લોહીની વહેતી નદી જોઈને વલોપાત કરી ઊઠ્યું. તેનું આત્મા જાગી ઊઠ્યો. સૃષ્ટિના એક પણ નિર્દોષ જીવને વિના કારણે હણવો ન જોઈએ. ભગવાન બુદ્ધે અહિંસાનું આચરણ કરવા કહ્યું. જૈન ધર્મ તો આખો અહિંસા પર ટકેલો છે. ગાંધીજીએ જીવનભર અહિંસાને ટેકો આપ્યો. આ બધા જ સમજતા હતા કે હિંસા એ ઉકેલ નથી. પણ મહત્ત્વાકાંક્ષી રાજવીઓને તેમાં પોતાની સત્તાનું વિસ્તરણ દેખાય છે. આવા આપખુદશાહી સાશકો જેની લાઠી તેની ભેંસવાળી નીતિમાં માનનારા હોય છે. જેને યુદ્ધની વાતોમાં વધારે રસ પડતો હોય અને યુદ્ધ તો થવું જ જોઈએ એવું માનનારા લોકોથી છેટા રહેવું. એ તમારી સાથે પણ ગમે ત્યારે યુદ્ધમાં ઊતરી પડે તો નવાઈ નહીં.

ભયાનક યુદ્ધના કારમા વિનાશ વચ્ચે બાળકના ચહેરા પર આવતું સ્મિત આવવું એ એક રીતે સમગ્ર માનવજાત માટે આશાનો સંચાર છે, તો વળી સમગ્ર લોહિયાળ યુદ્ધનો પ્રેમાળ જવાબ પણ છે. રવીન્દ્રનાથ ટાગરોનું એક અદ્ભુત વાક્ય છે, “પ્રત્યેક નવજાત શિશુનો જન્મ એવો સંદેશ લઈને આવે છે કે ઈશ્વર હજી માનવજાતથી નિરાશ થયો નથી.” માણસને ઈશ્વર પર કેટલી શ્રદ્ધા છે એ વાત બાજુ પર મૂકો. ઈશ્વરને માણસ પર શ્રદ્ધા છે. ઘણા નાસ્તિક એમ કહે કે હું ઈશ્વરમાં નથી માનતો, ત્યારે એની ‘નહીં માનવા’ની વાતને પણ ઈશ્વર તો માનતો જ હોય છે. અને ઈશ્વર એટલે કોણ? તમે, હું અને સમગ્ર પ્રકૃતિ! પણ જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ એમ એમ શ્રદ્ધા પર શંકાનું જોર વધતું જાય છે. બાળસહજ વિસ્મય ઓસરતું જાય છે. એકબાજુ ભયાનક યુદ્ધ છે, લાશોના ઢગ ખડકાયા છે. લોહીની નદી વહી રહી છે. માણસજાત પર ધિક્કાર થઈ આવે એવું દૃશ્ય છે, અને એની વચ્ચે એક બાળક પડ્યું પડ્યું સ્મિત કરી ઊઠે તો આ સમગ્ર ભયાનકતામાં ગોબો પડે છે. સ્મિત એ જ ધિક્કાર સામેનો વાર છે. લોહિયાળ હિંસાનો જવાબ છે. આને તમે માણસના લોહિયાળ ઝઘડા પરનો બાળક દ્વારા ઈશ્વરે કરેલો કટાક્ષ પણ કહી શકો.

લોગઆઉટઃ

યુદ્ધ જીત્યાનો કેફ ગયો છે ઉતરી બસ આ દૃશ્ય જોઈને,
લાશોના ઢગમાં એક હાથે ઝંડો હેઠો ન્હોતો મૂક્યો.

– ભાવેશ ભટ્ટ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો