ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.

ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.

ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.

ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.

મૃગજળનો વિસ્તાર ભલેને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.

– પ્રફુલ્લા વોરા

ભાવનગર ભાવનાઓથી ભર્યુંભર્યું નગર છે. આ નગરે કેટકેટલા ઉમદા કવિઓ આપ્યા. કૃષ્ણલાલ શ્રીધરાણી, બેફામ, નાઝિર દેખૈયા, દિલેરબાબુ, વિનોદ જોશી, વિજય રાજ્યગુરુથી લઈને ડૉ. ફિરદોસ દેખૈયા, ડૉ. પરેશ સોલંકી, હિમલ પંડ્યા, અંજના ગોસ્વામી અને રાણા બાવળિયા સુધીના અનેક સર્જકોએ ભાવનગરની ભાવનાઓને કવિતામાં પંપાળી છે, લાડ લડાવ્યા છે. પ્રફુલ્લા વોરા એમાંનાં એક. 6 જાન્યુઆરી 1951ના રોજ જન્મેલા આ સર્જકે એક ખૂણે બેસીને શાંતિથી પોતાનું કામ કરનારવામાં સાર્થકતા સમજી. સાહિત્ય કે શિક્ષણક્ષેત્રે પોંખાયા, પરંતુ મંચના મોહતાજ ન રહ્યાં. જૈન ધર્મના ઊંડા અભ્યાસુ પણ ખરા. ધર્મ, શિક્ષણ અને સાહિત્યના અક્ષરને ઘૂંટનાર આ સર્જકે લાંબી બીમારી બાદ તારીખ 5 મે 2020ના રોજ આ જગતમાંથી વિદાય લીધી. સર્જક નશ્વરદેહ છોડતો હોય, પણ અક્ષરદેહ મૂકી જતો હોય છે. આજે તેમના અક્ષરદેહમાંથી એક સરસ રચના માણીએ.
માણસો આવે છે અને જાય છે, ભવસાગર પર જીવતરની નૈયા તરતી રહે છે અને આ નૈયામાં અનેક સંબંધો મુસાફરની જેમ બેસે છે અને ઊતરે છે. આ બધામાં જો કોઈ ચોવીસે કલાક સાથે રહેતું હોય તો એ પોતાનો પડછાયો. કોઈ વસ્તુને આકાર મળે એ સાથે જ તેને છાયા-પડછાયા કે બિંબ-પ્રતિબિંબ પણ મળવાનાં. માણસ જન્મ સાથે જ પડછાયો પામે છે. ભલે એ અંધકારમાં વિલિન થઈ જતો હોય, પણ અદૃશ્ય રીતે તે હંમેશાં હાજર હોય છે. એક રીતે માણસ ક્યારેય એકાંતવાસી કે અંગત હોતો નથી, હા, એ ખાલી હોઈ શકે, એકલો નહીં. કોઈ ને કોઈ રીતે દૃશ્ય કે અદૃશ્ય રીતે તેનો પડછાયો તેની સાથે રહે છે. અહીં પડછાયો એટલે સૂર્યના પ્રકાશથી શરીરની છાયા પડે તેટલા પૂરતી વાત નથી.

આપણે સામાજમાં આપણા મોભાની એક છાયા ઊભી કરવા માગતા હોઈએ છીએ. એક વિદ્યાર્થી પોતાનો પડછાયો આખા ક્લાસ પર પડે તેવી ભાવના રાખે છે. નવી પરણીને આવનાર વહુ પણ નવા પરિવારમાં પોતાના સ્થાન, ગર્વ કે કાર્યના ઓછાયા પાથરવાની હોશ રાખતી હોય છે. ઘરની સૌથી વડીલ પણ પોતાના વડીલ હોવાનો પડછાયો ચોવીસે કલાક પોતાની સાથે રાખતી હોય છે. આવા છાયા-પડછાયા-ઓછાયાથી મુક્ત થવાતું નથી. એટલે જ કવિ તેને છોડીને થોડું અંગત થવાનું કહે છે. અંદરની તરફ જોવાનું કહે છે. માધવ રામાનુજ કહે છે, તેમ, ‘અંદર તો એવું અજવાળું અજવાળું.’ પણ આ અજવાળું આપણે અંદર જોઈએ તો દેખાય ને! આપણે તો વિવિધ પડછાયા નીચે ઢંકાયેલા છીએ. ક્યાંક મોભાનો પડછાયો છે તો ક્યાંક માયાનો, ક્યાંક પૈસાનો છે તો ક્યાંક પ્રેમનો, ક્યાંક જ્ઞાનનો તો ક્યાંક ગર્વનો. જ્યારે એક સાથે ચાર-ચાર બલ્બ નીચે ઊભા રહીએ ત્યારે ચારચાર પડછાયા પડતા હોય છે, એ જ રીતે ઘણી વાર આપણી અંદરના અભિમાનના પણ એક સાથે અનેક પડછાયા પડતા હોય છે, આપણે તેનાથી જ તો મુક્ત થવાનું છે.

આપણને ટોળામાં ટહુકવું ગમે છે. કેમ કે અંદરખાને એવી આશા હોય છે કે કોઈ આપણા ટહુકાને વખાણે, કોઈ આપણા કામને પોરસે. આપણે પંખી જેવા મુક્તમને રાગને આલાપી પણ નથી શકતા. દરેક કાર્યમાં આપણી જિજીવિષા પાંખો પ્રસારીને ઊડવા લાગે છે. એક પંખી ટહુકે ત્યારે તેના ટહુકાના વખાણ થાય, તેને શ્રેષ્ઠ ગાયકી માટે ઇનામ મળે તેવા કોઈ અભરખા હોતા નથી. એ તો બસ પોતાના નિજી આનંદ માટે ગાય છે. ટોળાની પરવા મૂકીને આપણે પણ આવા નિજી આનંદના પરિવેશમાં અંગતપણે ટહુકો કરવાનો છે.

આમ તો આખી ગઝલ સરસ અને સરભર છે, તેને આસ્વાદતા જઈએ તો પેલી હિન્દી ગઝલ, ‘બાત નીકલેગી તો બહુત દૂર તલક જાયેગી’ જેમ થાય. પણ આગળના શેર વાચકોના નિજાનંદ પર છોડી, પ્રફુલ્લા વોરાની જ એક અન્ય રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

કેટલાં કામણ હશે આ આંગળીના તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.

આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.

ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .

નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.

શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?

– પ્રફુલ્લા વોરા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો