યુદ્ધની કિંમત કોણ ચૂકવે છે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

એક દિવસ યુદ્ધ સમાપ્ત થઈ જશે,
નેતાઓ હાથ મિલાવશે.
અને
એક વૃદ્ધા શહીદ થઈ ચૂકેલ દીકરાની રાહ જોશે
એક સ્ત્રી પોતાના પતિના પાછા ફરવાની રાહ જોશે
બાળકો રાહ જોશે પોતાના બહાદુર પિતાની...
મને નથી ખબર, મારું વતન કોણે વેચ્યું,
પણ મેં જોયું છે કે
એની કિંમત કોણે ચૂકવી છે!

– મહમૂદ દરવેશ

મહમૂદ દરવેશ એટલે ફિલિસ્તાનના રાષ્ટ્રીય કવિ. તેમની કવિતાઓ વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદિત થઈ છે. ફિલિસ્તાન પર ઇઝરાયલના અત્યાચાર પર તેમણે ઘણી કવિતાઓ લખી છે. ફિલિસ્તાનીઓના દુઃખ, પીડા અને સંઘર્ષને તેમણે પોતાની કવિતામાં વાચા આપી છે. 13 માર્ચ 1941માં જન્મીને 9 ઓગસ્ટ 2008માં જગતમાંથી વિદાય લેનાર આ કવિને ફિલિસ્તાનવાસીઓએ ભરપૂર ચાહ્યા છે. જ્યારે 67 વર્ષની ઉંમરે હાર્ટ સર્જરીમાં તેમનું અવસાન થયું ત્યારે લાખો ફિલિસ્તાનીઓ એક અવાજે બોલી ઊઠેલા કે, “ઓ મહમૂદ... ઓ મહમૂદ... તું આરામથી ઊંઘી જા, અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું...” તેમનો પાર્થિક દેહ ફિલિસ્તાનના ઝંડામાં વીંટળાયેલો હતો અને તેમાં તેમની કવિતાઓ લખાયેલી હતી. અત્યારે યુક્રેન-રશિયા યુદ્ધની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે ત્યારે મહમૂદ દરવેશની આ કવિતા વાંચવા જેવી છે.

યુદ્ધ બે દેશ વચ્ચે થાય છે, પણ તેનો ભોગ આપવો પડે છે સામાન્ય પ્રજાએ. મોટે ભાગે સરહદ પરની લમણાઝીંકને લીધે થતા ઝઘડા બે સત્તાધીશોની સમજણ-ગેરસમજણ પર આધારિત હોય છે. યુદ્ધમાં લડતા બે સૈનિકો પરસ્પર એકબીજાને ઓળખતા પણ નથી હોતા. નથી તેમણે એકબીજાને ક્યારેય જોયા હોતા. બંનેએ એકબીજાની વ્યક્તિગત રીતે બગાડ્યું પણ નથી હોતું, છતાં બંને એકબીજા પર મરણિયા થઈને ત્રાટકી પડે છે. કારણ માત્ર એટલું જ કે સામેનો માણસ દુશ્મન દેશનો છે. તેમને વતનપ્રેમ અને દેશપ્રેમના ડોઝ પિવડાવવામાં આવે છે. વતનનું ગૌરવગાન ગાતા ગાતા સૈનિક દેશ માટે ફના થઈ જાય છે. રાજો તો પોતાની ખુરશી સાચવવામાં પડ્યો હોય છે. તેની માટે તે સામેના દેશ સાથે સંધિ કરી લે એવું પણ થાય. આ બધામાં ભોગ તો માત્ર સામાન્ય માણસનો લેવાય. ડેલ કાર્નેગીએ સરસ વાત કરેલી, દરેક દેશ પોતાને બીજા દેશથી બહેતર સમજે છે. આના લીધે દેશભક્તિ જન્મે છે અને આના લીધે યુદ્ધ પણ થાય છે.

મહમૂદ દરવેશે આ વાત બહુ ધારદાર રીતે કરી છે. યુદ્ધ પૂરું થઈ જશે. નેતાઓ સામસામા હાથ મિલાવી લેશે. હસીહસીને ફોટા પડાવશે. આખું વિશ્વ તેની નોંધ લેશે. સમાચારોની હેડલાઇન્સ બનશે. પણ આ યુદ્ધની કિંમત તો લડનાર સૈનિકના પરિવારને ચૂકવવાની હોય છે. એક વૃદ્ધા પોતાના દીકરાની રાહ જોતી હોય છે કે મારો મારી આંખતનું રતન ઘરે પરત ફરે. તેનો જીવ તાળવે ચોંટેલો હોય છે કે મારો પુત્ર સલામત રીતે પાછો તો આવશેને? પત્નીને ચિંતા હોય છે પોતાના કપાળે લાગેલા સિંદૂરની. પોતાના બાળકના નામ પાછળ લાગતા પિતાના નામની. બાળક તો ગૌરવભેર રાહ જોતું હોય છે બહાદુર પિતાની. જંગમાં એ દુશ્મનને હરાવીને આવશે, બધા તેમને વધાવી લેશે. દેશના ઝંડામાં લપેટાયેલું એક શબ ફળિયામાં આવે છે ત્યારે પરિવારને ગૌરવ અનુભવાય છે, કે અમારો પુત્ર-પતિ કે પિતા દેશ માટે મર્યા. પણ એ ગૌરવની પછેડી નીચે એક ચિત્કારનો આખો ડુંગર ધરબાયેલો હોય છે એ કોઈ જાણતું નથી. એક મા દીકરા વિનાની થઈ જાય છે, એક પત્ની પતિ વિનાની અને બાળકો બાપ વિનાના.

યુદ્ધ હંમેશાં વિનાશ નોતરે છે. જગતે બબ્બે વિનાશકારી વિશ્વયુદ્ધો જોયાં છે. છતાં આજે પણ અનેક અણુબોમ્બ બને છે, મિસાઇલ પરિક્ષણો થાય છે. અનેક શસ્ત્રો બને છે, દરેક દેશ યુદ્ધ માટે તૈયાર રહે છે. દરેક દેશને બીજા દેશનો ભય છે. આટઆટલી મહામારી અને ભંયકરતા પણ માણસનો યુદ્ધવિનાનો નથી કરી શકતી. એક શેરીમાં રહેતા બે પાડોશી ઝઘડે તેમ બે દેશ ઝઘડી પડતા હોય છે. માણસની અંતિમ શોધ તો શાંતિની છે. પણ કરૂણતા એ છે કે શાંતિ માટે લડવું પડે છે, યુદ્ધ કરવું પડે છે. માધવ રામાનુજે સતત ચાલતા યુદ્ધ વચાળે સૈનિકની વાત વિચારતા કરી મૂકે તેવી છે, “એક ક્ષણ જો યુદ્ધ અટકાવી શકો, ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં.”

યુદ્ધની વાતને પ્રેમ સાથે સાંકળીને મહમૂદ દરવેશે લખેલી કવિતા સીધી હૃદયમાં ઊતરી જાય તેવી છે. તેમની આ અદભુત કવિતાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

તે બોલી, “આપણે ક્યારે મળીશું?”
મેં કહ્યું, “યુદ્ધ સમાપ્ત થઈ ગયાના એક વર્ષ પછી.”
તેણે પૂછ્યું, “યુદ્ધ ક્યારે સમાપ્ત થશે?”
મેં કહ્યું, “આપણે મળીશું ત્યારે.”

- મહમૂદ દરવેશ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો