યુદ્ધ પ્રેમ પર સમાપ્ત થાય છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

યુદ્ધમાંથી પરત ફરેલા સિપાહીએ
દોડીને જ્યારે ગળે લગાવ્યા
પત્ની અને બાળકોને
ત્યારે પ્રેમથી આંખો ઉલકાઈ ઊઠી
તેમની આંખોની ભીનાશ
કહી રહી હતી કે
યુદ્ધ પ્રેમ પર સમાપ્ત થાય છે.

– હેમંત પરિહાર

જગતભરમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઘણા તો ‘યુદ્ધ એ જ કલ્યાણ’ના નારા લગાવીને યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યા છે, ત્યારે આવા લોકોએ સમજવું જોઈએ કે યુદ્ધથી કોઈનું ભલું થયું નથી. એક સોસાયટીમાં બે પાડોશીઓ ઝઘડે તો તેમાં પણ સોસાયટીને જ નુકસાન હોય છે. જ્યારે બે દેશ ઝઘડે ત્યારે તેના નુકસાનનો ભાર આખા જગતને ઉઠાવવો પડે છે. રશિયા-યુક્રેનના યુદ્ધને લીધે ભાવવધારાથી લઈને અનેક આયાત-નિકાસની સમસ્યાઓ ઉદ્ભવી છે, તે આપણી આંખ સામે છે. વળી તેમાં અનેક નિર્દોષ માનવો, પશુ-પંખી, અન્ય નાના મોટા જીવો અને પ્રકૃતિ પોતે પણ ખપ્પરમાં હોમાઈ રહી છે તે અલગ.

મધ્યપ્રદેશના ફિરોઝ ખાન નામના એક યુવાકવિએ હિન્દીમાં લખેલી કવિતા અદ્ભુત છે. તેમણે લખ્યું છે, “ભલે મને કાઢી મૂકવામાં આવે આ પ્રદેશમાંથી કે આખા વિશ્વમાંથી. પણ હું એક હથિયાર વગરનું જગત ઇચ્છું છું. હું પણ હજરત નોઆહ માફક એક મોટું જહાજ બનાવવા માગું છું અને દુનિયાનાં તમામ હથિયારો એમાં ભરીને તેને બર્મુડા ટ્રયેંગલ તરફ વહેતા કરી દેવા માગું છું. હું જગતની તમામ પોલીસ ફોર્સને રજા આપી દેવા માગું છું. ફોજીઓના મેડલ છીનવી લેવા માગું છું, જે મેડલ સરહદ પરના કોઈ ને કોઈ મનુષ્યના રક્તથી રંગાયેલા છે. ત્યાં ફોજીઓની જગ્યાએ દિવાનાઓને બેસાડી દેવા માગું છું – મીરાં, સુર, કબીર, ખુસરો, ફરીદ, મીર, ગાલિબ, ફૈઝ, જાલિબ અને નીદાને. ઇતિહાસનાં પુસ્તકોમાંથી ભૂંસી નાખવા માગું છું યુદ્ધવિજયની કથાઓ અને હારની નાલેશીઓ. ધ્વસ્ત કરી દેવા માગું છું કિલ્લાઓ-મહેલોમાં ટંગાયેલા યુદ્ધનાં પ્રતિકો-ચિહ્નો. સંગ્રહાલયમાં રાખવામાં આવેલાં હથિયારોને બદલે ત્યાં દુનિયાભરના પ્રેમપત્રો મૂકી દેવા માગું છું. હું હજારો વર્ષ પાછળ જઈને દુનિયાભરના ધાર્મિક ગ્રંથોમાંથી યુદ્ધના કિસ્સાઓ ભૂંસી નાખવા માગું છું. રામના હાથમાંથી ધનુષ્ય અને રાજાઓના હાથમાંથી તલવારો છીનવી લેવા માગું છું. હું કુરુક્ષેત્ર, કર્બલા અને તમામ યુદ્ધના મેદાનોને રમતનાં મેદાન બનાવી દેવા માગું છું. હું કવિતાઓમાંથી વીરરસ સૂકવી નાખવા માગું છું. માત્ર એક કપ ચાના બદલામાં હું સૂરજના તાપને હવાલે કરી દેવા માગું છું જગતભરની તમામ ડિક્ષનરીઓમાં રહેલા હિંસક શબ્દો. જેથી તે બળીને રાખ થઈ જાય. હિંસા વિરુદ્ધ મેં કહેલા-લખેલા મારા તમામ હિંસક શબ્દો માટે સૌની દિલથી માફી માગું છું.”

યુદ્ધ ક્યારેય કોઈ ઉકેલ આપતું નથી. યુદ્ધ પોતે જ એક સમસ્યા છે. સાહિર લુધિયાનવીએ લખેલી પંક્તિઓ અજરામર છે, “જંગ તો ખુદ હી એક મસલા હૈ, જંગ ક્યા મસઅલોં કે હલ દેગી?” યુદ્ધ હંમેશાં વિનાશ વેરે છે, આપણા નહીં તો સામેવાળાના કોઈક તો મરવાનું જ છે. એ મર્યા પછીય સમગ્ર નુકસાન તો પૃથ્વી પર જ થવાનું છે. યુદ્ધમાં આપણે માત્ર માણસ મરે તેની ગણતરી કરતા હોઈએ છીએ. અને એ પણ આપણા તરફના માણસ મર્યા તેની ગણતરી જ આપણને વધારે અસર કરે છે. સામેનાને મારવામાં તો આપણે ગર્વ અનુભવીએ છીએ. પણ મનુષ્યના મૃત્યુ સિવાય પણ કેટકેટલું ખતમ થઈ રહ્યું છે તેના તરફ પણ નજર નાખવી જોઈએ.

એક તોપ ફેંકાય ત્યારે સેંકડો ઝાડ બળીને ખાખ થઈ જાય છે. અનેક નાનાં-મોટાં જીવજંતુઓ તેના પણ ખપ્પરમાં હોમાઈ જાય છે, તેમને તો આપણે ગણતરીમાં લેતા જ નથી. બસ મનુષ્ય જીવતો રહેવો જોઈએ. બીજાનું જે થવું હોય તે થાય. ઝાડ, પાન, ફૂલ, છોડ, પશુ, પંખીઓની સાથે આપણે ધરતીની પણ ઘોર ખોદી રહ્યા છીએ. જે ફળદ્રૂપ ધરતી પર બોમ્બ ફેંકાય છે તે બોમ્બનો વિસ્ફોટ ત્યાંની ધરતીને બિનઉપજાઉ બનાવી દે છે. તેમાંય અણુબોમ્બ હોય તો પતી ગયું. વર્ષો પહેલા જાપાનના હિરોશિમા અને નાગાશાકી પર અમેરિકા દ્વારા ફેંકાયેલા અણુબોમ્બનો પ્રભાવ જગત જોઈ ચૂક્યું છે. છતાં આવા વિનાશકારી બોમ્બ બનાવવામાંથી આપણે બાજ નથી આવતા.

આવી ભયંકર સ્થિતિમાં હેમંત પરિહાર કે ફિરોજ ખાન જેવા કવિઓની કવિતા આપણને પ્રેમ અને માનવતા તરફ લઈ જાય છે. તે આપણને જણાવે છે કે જગત યુદ્ધથી નહીં પ્રેમથી ચાલે છે. એક છોડ પર મજાનું ફૂલ ઊગે તેમાં પ્રકૃતિનો પ્રેમ પ્રગટતો હોય છે, નવજાત શુશુની આંખમાંથી વિસ્મયસહજ સ્નેહ નિતરતો હોય છે. સ્નેહ એ જ સાચો રસ્તો છે, જગતને ટકાવવાનો. યુદ્ધ તો વિનાશનો માર્ગ છે.

લોગઆઉટઃ

વે કૌન લોગ હૈ જો બમ બનાતે હૈ
ઉનસે અચ્છે તો કીડે હૈ જો રેશમ બનાતે હૈ.
 
– તનવીર ગાઝી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો