દરિયા શી મોજ ને ઉપરથી કુદરતી રહેમ!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,

તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે.

આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી,

સૂરજ તો ઊગે ને આથમી યે જાય મારી ઊપર આકાશ એમનેમ છે….

– ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટની કલમ ગદ્ય અને પદ્ય બંનેમાં મસ્તીથી ખીલી છે. એ ‘તત્ત્વમસી’, ‘સમુદ્રાન્તિકે’, ‘અકૂપાર’ જેવી નવલકથાઓ દ્વારા ગુજરાતી સાહિત્યરસિકોના હૈયામાં આગવું સ્થાન પામ્યાં છે, તો વળી ‘ગાય તેનાં ગીત’માં ફાકામસ્તી સાથે લયમાં લીન થઈને ખીલ્યા પણ છે. તેમની કવિતામાંથી નિરાશાનો સૂર ભાગ્યે જ જોવા મળે છે. તે નિજાનંદમાં મસ્ત રહેતા સર્જક છે. ઉપરની કવિતા આ વાતની પૂરેપૂરી સાબિતી આપે છે.

એક માણસ બીજા માણસને પૂછે કે, “કેમ છે?” તો તરત પેલો સોગિયું મોઢું કરીને કહેશે, “તમારી જેવું નહીં!” સામેવાળોય વળી એ જ નિરાશા સાથે જવાબ આપે છે, “તો મારી જગ્યાએ તું આવી જા,” બંને ખબરઅંતર પૂછવાને બહાને એકબીજાના માથે નિરાશાના નાળિયેર ફોડતા હોય છે. કોઈ પોતાની સ્થિતિમાં ખુશ નથી. અથવા તો કહેવા નથી માગતા કે અમે મજામાં છીએ. બધાંએ બસ દુઃખનાં દળણાં દળતાં રહેવું છે. સમયની ઘંટીમાં પોતે પિસાતા રહે છે, પોતાના સિવાય આખું જગત ખુશ છે. બીજાને મળ્યું તે મને ના મળ્યું. બીજાના માથે ફૂલ વરસ્યા ને મારા માથે પાણા! આવાં આવાં દુઃખોના ડુંગરા આપણે પોતાની માથે ધારી લેતા હોઈએ છીએ અને એમાં જ રત પણ રહેતા હોઈએ છીએ.

ત્યારે ધ્રુવ ભટ્ટ કંઈક નોખી વાત કરે છે. તેમની કવિતાનો નાયક તો આનંદનો અહાલેક જગાડે છે. અચાનક કોઈ રસ્તામાં મળી જાય ને પૂછે કે, ભાઈ, કેવું છે, તો કાવ્યનાયકના જવાબમાં તો દરિયા જેવી મોજ ઘૂઘવે છે. કુદરતની રહેમના રંગો નીતરે છે. તેની પાસે નથી ધનના ઢગલા, નથી મહેલ-મિનારા, નથી એવી સોનાની ખાણ કે મોટી મોટી ઓળખાણ. બસ એની પાસે નિજનું પ્રમાણ છે. આત્માનું ઓજસ છે. ખિસ્સું ફાટેલું છે, પણ હૈયું સાંધેલું છે. સંપત્તિની ખોટ છે, પણ મનમાં ખોટ નથી. ફાટેલા ખિસ્સાની આડમાં પણ જીવનની મોજનું મહામૂલું ધન સાચવીને બેઠો છે. તાળું પણ મોટું લાગે એટલી નાની પટારીમાં જીવનનો ખજાનો હેમખેમ રાખીને બેઠો છે કાવ્યનાયક. આવા નિજાનંદમાં મસ્ત માણસને કોણ દુઃખી કરી શકે?

પણ આપણને હંમેશાં બીજાનંદમાં રસ છે. બીજાને આવું છે ને મારે નથી. સંઘર્ષ નથી કરવો અને સફળતા મેળવી લેવી છે. ઘસાયા વિનો તો હીરો પણ પથ્થર જ રહી જાય છે, આટલું સત્ય સમજતા હોવા છતાં આપણે ઘસાવું નથી. ઘયાયા વિના ઊજળા થવાની મનોવૃત્તિ રાખીને બેઠા છીએ આપણે સૌ. સંઘર્ષ વિના કશું નથી. બીજમાંથી ફૂટતા અંકૂરને પણ માટીને હટાવીને બહાર આવવું પડે છે. નવજાત પંખીને પણ ઇંડામાંથી બહાર આવવા કોચલું તોડવું પડે છે. પાંખો ફફડાવીને ઊડવાની મહેનત કરવી પડે છે.

આપણે નાની-નાની સમસ્યાઓમાં પણ આંખમાં દરિયો છલકાવીએ છીએ. આ આંસુના દરિયામાં જ આપણી આશાનાં વહાણ પણ ડુબાડી દઈએ છીએ. આંખના પાણીને જ જીવનની વાણી સમજી લઈએ છીએ. આંસુની ખારાશને જ જો જીવન સમજી લઈશું તો આનંદનો લીલોછમ મોલ ક્યાંથી લણી શકીશું? ખારા પટમાં તો કશું ઊગતું નથી. પાણી ભરાય ને સુકાય તેનો હિસાબ તો ખાબોચિયાં રાખે. સમંદરને તેની તમા ન હોય. એ તો પોતાની મસ્તીમાં ઘૂઘવ્યા કરે. છાપરાની છતને જ આકાશ સમજી લેનાર વાવાઝોડું આવે ત્યાં સુધી જ સુખી હોય છે. એવી છાપરા જેવી મનોવૃત્તિમાં શું કામ રાચવું? સૂરજ સુધ્ધાં સાંજ પડે આથમી જશે, પણ આકાશ તો એમનું એમ જ રહેવાનું છે. આપણા આનંદનું આકાશ આપણે જ શોધવાનું છે.
તમે ઇચ્છો તો તમે પણ ધ્રુવ ભટ્ટની કવિતા માફક ‘દરિયાશી મોજમાં’ રહી શકો, અને તખ્તદાન રોહડિયાની જેમ અલગારી થઈને ગાઈ શકો...

લોગઆઉટઃ

મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે...
અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું રે...

કાળમીંઢ પાણાના કાળજાં ચીરીને કૂંપળું ફૂટે રે,
આભ ધરા બીચ રમત્યું હાલે, ખેલ ના ખૂટે રે..
આ લહેર આવે લખલાખ રત્નાકરની લૂંટતા રહેવું રે...

લાય લાગે તોય બળે નઈ એવા કાળજા કીધાં રે,
દરિયો ખારો ને વિરડાં મીઠો દાખલા દીધા રે,
જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું રે...

- તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો