છે ગઝલ, એમાં ટણી તો જોઈએ

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ
લોગઇનઃ

ફૂલની સાથે અણી તો જોઈએ,
છે ગઝલ, એમાં ટણી તો જોઈએ.

સ્વપ્ન છે, એક આંખમાં રહેતું હશે?
એને જગ્યા બે ગણી તો જોઈએ.

કો’ક આવીને ઈમારત બાંધશે,
આપણે પાયો ચણી તો જોઈએ.

હું ઈબાદત એટલે કરતો નથી,
કોક એવી માંગણી તો જોઈએ.

શક્ય છે કે દુઃખ પછી આવે જ નહિ,
એક સુખને અવગણી તો જોઈએ.

જેમ બાળક શબ્દ પહેલો મા ભણે,
એમ ગુજરાતી ભણી તો જોઈએ.

- ચિરાગ ત્રિપાઠી

ગુજરાતી ભાષામાં વર્તમાન સમયમાં સૌથી વધારે લખાતો કોઈ સાહિત્યપ્રકાર હોય તો તે ગઝલ છે. અમુક લોકો એમ કહે છે કે આ ગુજરાતી ગઝલનો સુવર્ણકાળ છે, જેમાં વિપુલ પ્રમાણમાં ગઝલો લખાય છે અને શ્રદ્ધેય લખાય છે. જ્યારે અમુક લોકો એવું પણ માને છે કે આ ગુજરાતી કવિતાનો અધોગતિનો કાળ છે. કેમકે ગઝલનું સ્વરૂપ અન્ય સ્વરૂપ ઉપર એ હદે આવી થઈ ગયું છે કે નવો આવનાર કવિ મોટે ભાગે ગઝલથી જ લખવાની શરૂઆત કરે છે અને પછી ગઝલપ્રેમને લીધે મળતી લોકપ્રિયતાના નશામાં તે અન્ય સ્વરૂપોને અવગણી દે છે. પુષ્કળ ગઝલો લખાય છે તેમાં મોટાભાગની નબળી હોય છે તેવું પણ ઘણાનું માનવું છે.

જોકે કોણ શું માને છે તેનાથી સાધારણ ભાવકને કશી લેવા દેવા નથી હોતી. તે તો ઘાયલસાહેબે કહ્યું છે તેમ, ‘જે આવે ગળામાં ઊલટથી એ ગાઈ જવામાં લિજ્જત છે.’વાળી ફિલસૂફીમાં માનનારો છે. ઘણા વાતચીત અને વ્યવહારમાં પણ ગઝલના શેર ટાંકીને પોતાની વાત રજૂ કરતા હોય છે.

ગઝલ અધિક લોકપ્રિય બનવાનાં ઘણાં કારણો છે. માત્ર બે જ પંક્તિમાં વાત, સીધી રીતે થતું પ્રત્યાયન. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજીની સરળ અભિવ્યક્તિ, જોકે હવે ગઝલમાં કોઈ વિષયબાધ નથી રહ્યો. ઇશ્કેહકીકી અને ઇશ્કેમિજાજીથી બહાર આવીને ગઝલ વિષયના વિશાળ આકાશમાં ઊડી રહી છે. ગઝલ તેના દોર-દમામને લીધે લોકહૈયામાં વધારે સ્થાન પામી શકી છે. ગઝલમાં ઠાઠ અને ઠસ્સો હોવો જોઈએ. ચિનુ મોદીએ લખ્યું છે તેમ, “ઠાઠ-ભપકા એ જ છે ઈર્ષાદના, ઘર બળે તો તાપી જોવું જોઈએ.” પોતાનું જ ઘર બળતું હોય તોય આરામથી તાપી શકવાની તાકાત હોવી જોઈએ. ગમે તેવી સ્થિતિ સામે ખુમારીથી ઊભા રહી શકવાની હામ હોવી જોઈએ, જનાબ ખલીલ ધનતેજવીએ લખ્યું છે ને, “ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી, હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.” શાયરમાં નમ્રતાપૂર્વકની એક ખુમારી હોય છે. એ ક્યારેક પોતાના દુઃખને પણ એટલું ગુલાબી મિજાજથી રજૂ કરે કે તેની સાથે સુખ પણ ફિક્કુ લાગે, જલન માતરીનો શેર યાદ કરો, “સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે; સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે.” શાયર પોતાની લાચારી પણ દોર-દમામ સાથે રજૂ કરે. તોર સાથે વાત કરે ત્યારે ગઝલમાં સવિશેષ ઠસ્સો ઊભરાતો હોય છે. અને આ ઠસ્સાની પણ મજા છે. ગાલિબે લખ્યું છેને, “પૂછતે હૈ વો કિ ગાલિબ કૌન હૈ, કોઈ બતલાયે કિ હમ બતલાયેં ક્યા?” આમાં તમને ગાલિબનો ગર્વ અને મિજાજ દેખાઈ આવશે.

ચિરાગ ત્રિપાઠી તો આ ગઝલના પહેલા શેરમાં જ ટણીની વાત કરે છે. ભલે ફૂલ હોય, પણ શાયર એ ફૂલમાં દર વખતે સુગંધ જ ઉમેરે એ જરૂરી નથી. એની પાંદડીઓની કુમાશ રજૂ કરવી, તેને ચિમળાયેલી રજૂ કરવી કે ધારદાર એ તો શાયર પોતાના મિજાજ પ્રમાણે નક્કી કરશે. અહીં પણ કવિએ એ જ કર્યું છે. ગઝલ છે તો ગઝલમાં ઠાઠ અને ટણી તો રહેવાના. અમુક લોકોને તેમાં મિથ્યા અભિમાન પણ દેખાઈ શકે. પણ એ તો તેમની નજર પર નિર્ભર છે. પણ અભિમાન નથી, સ્વાભિમાન છે. અને ગઝલ માત્ર તોર અને ટણી પૂરતી બંધાયેલી નથી. એ સમાજજીવનના તમામ વિષયને સરખી રીતે સ્પર્શી શકે છે. ભરતમૂનિએ નાટ્યશાસ્ત્રમાં દર્શાવેલા નવે રસને તે શેરિયતમાં વિવિધ રીતે પરોવી શકે છે. કવિ પર નિર્ભર છે કે તેને શું કહેવું અને કઈ રીતે કહેવું. આ ટણી અને ઠસ્સો તો ગઝલનો એક ભાગ છે. પ્રથમ શેર પછીના શેર પણ ખૂબ સરળ અને સુંદર થયા છે. એ શેરનો રસાનંદ વાચકો પર જ છોડીને ચિરાગ ત્રિપાઠીની અન્ય એક નાનકડી ગઝલ સાથે લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

ગામનું એ ઘર અમે ભૂલી ગયા,
વાવ ને પાદર અમે ભૂલી ગયા.

એટલે તો શિલ્પ કંડારી શક્યા,
એ હતો પથ્થર અમે ભૂલી ગયા.

ત્યાં ય મથતાં આંસુઓને રોકવા,
સુખનો છે અવસર અમે ભુલી ગયા.

લ્યો ફરી વસ્તી ગણતરી થઈ અને,
લ્યો ફરી ઈશ્વર અમે ભૂલી ગયા .

- ચિરાગ ત્રિપાઠી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો