પંખાળા ઘોડા ગઢ રે કૂદીને ક્યાં ઊડિયા હો જી?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 
લોગઇનઃ

પંખાળા ઘોડા ગઢ રે કૂદીને ક્યાં ઊડિયા હો જી?

જરીયે કીધ ના ખોંખાર,
મૂકી પછાડી અસવાર,
કીધા અજાણ્યા પસાર,
પંખાળા ઘોડા ગઢ રે કૂદીને ક્યાં સંચર્યા હો જી?

તોડી દીધી નવસેં નેક,
છોડી દીધા સઘળા ટેક,
આડા આંકી દીધા છેક,
પંખાળા ઘોડા ગઢ રે ભાંગીને ક્યાં પરહર્યા હો જી.

પાંખાળા ઘોડા ક્યાં રે અગોચર ઊપડ્યા હો જી?
સૂની મૂકી તુષ્ણાનાર,
શીળા આશાના તુષાર,
સૌને કરીને ખુવાર,
ખૂલ્લાં મૂકી નવે દ્વાર,
પંખાળા ઘોડા કિયા રે મુલક તને સાંભર્યા હો જી?

– સુંદરજી બેટાઈ

સુંદરજી બેટાઈ ગાંધીયુગના મહત્ત્વના કવિ છે. તેમણે ‘જ્યોતિરેખા’, ‘ઇન્દ્રધનુ’, ‘શિશિરે વસંત’, ‘શ્રાવણી ઝરમર’ જેવા અનેક કાવ્યગ્રંથો આપ્યા છે, સાથેસાથે અનુવાદો, સંપાદનો અને વિવેચનનાં કામો પણ ઘણાં કર્યાં છે. તેમણે લખેલાં ખંડકાવ્યો પણ ધ્યાનમાં લેવા જેવાં છે. ‘પાંજે વતની ગાલ્યું’, ‘અલ્લાબેલી અલ્લાબેલી, જાવું જરૂર છે, બંદર છો દૂર છે...’ જેવી રચનાઓ તેમની જાણીતી થયેલી. વિષાદ, અવસાદ, આધ્યાત્મિક ભાવ અને જીવનની ગતિ-અધોગતિ તેમના કાવ્યોમાં વિશેષ રીતે ઝિલાઈ છે. મુંબઈની એસ. એન. ડી. ટી. વિમેન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કામ કરેલું. 10 ઑગસ્ટ 1905ના જન્મેલા આ કવિએ 16 જાન્યુઆરી, 1989ના રોજ આ જગતમાંથી વિદાય લીધી. આજે તેમની પૂણ્યતિથિ છે. તેમની કવિતા થકી તેમને વંદન કરીએ.

સુંદરજી બેટાઈ અહીં પાંખાળા ઘોડાની વાત કરે છે. આ પાંખાળા ઘોડા એટલે હેરી પોટર જેવી કાલ્પનિક કથાઓમાં કે પરીકથાઓમાં આવે છે તે નહીં. કવિ તો અહીં આત્મા અને દેહની વાત કરે છે. પાંખાળા ઘોડા, અર્થાત્ શરીર અંદર વસતો આત્મા, જે પાંખાળા ઘોડાની જેમ ઊડીને – દેહ છોડીને વિદાય લે છે. આપણી અંદર બળતો એક દીવો આપોઆપ ઓલવાઈ જાય છે. આત્મા એ કંઈ દેખાતી વસ્તુ તો છે નહીં, ઘણા આત્માના હોવા સામે જ પ્રશ્નો ઉઠાવે છે, કે આત્મા-બાત્મા જેવું કશું હોતું નથી. જે છે તે શરીર છે. અને આત્મા હોય તોય એને રહેવા માટે તો શરીર જોઈએ જ ને, કોઈ આકાર તો જોઈએ જ ને? આકાર વિનાનો આત્મા તો નિરાકારી થઈ જાય. એને ઓળખવો, પિછાણવો કે સ્પર્શવો કોઈ રીતે? આત્માના હોવા ન હોવા વિશે વૈજ્ઞાનિકોએ અમુક પ્રયોગો પણ કરેલા.

એક વિચાર પ્રમાણે આપણે બધા પહેલા તો એક આત્મા છીએ, અને સૌ પોતપોતાનું શરીર ધારણ કરેલા છીએ. શરીર જેમ વસ્ત્ર ધારણ કરે છે, તેમ આત્મા શરીર. સુંદરજી બેટાઈએ આત્માને પાંખાળા ઘોડા કહ્યું, મીરાંબાઈએ આત્માને હંસલાની ઉપમા આપી છે. યાદ કરો, ‘મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.’ ઘણા કવિઓ-ફિલસૂફોએ દેહને માટી કહ્યો છે, માટીનો દેહ છે અને માટીમાં મળી જવાનું છે એ વાત તો બહુ પ્રચલિત છે. આત્માને જ્યોતની ઉપમા પણ અપાઈ છે. એક દિવસ આ આત્મા નામની જ્યોતિ દેહ નામના કોડિયામાંથી બુઝાઈ જશે.

દેહનો ગઢ કૂદીને પાંખાળો ઘોડો ક્યાં ઊડ્યો તેનો પ્રશ્ન કવિના મનમાં થાય છે. આત્મા નામના ઘોડા પર દેહ નામનો અસવાર સવાર થયેલો છે. પણ સમય આવ્યો એટલે ઘોડાએ અસવારને પછાડ્યો અને જરાકે અવાજ કર્યા વિના કોઈ અગોચર વિશ્વમાં પ્રયાણ કર્યું. પણ દેહ તો અનેક વળગણોથઈ બંધાયેલો છે. સંસાર નામની શરણાઈ ફૂંકવામાં વ્યસ્ત છે. તૃષ્ણા નામની નારીને વરેલો છે. તેના ચિત્તની ડાળીઓ પર આશાનાં ઝાકળબિંદું બાઝેલાં છે. જેવો પેલો ઘોડો ઊડે એ સાથે જ તેના આશાનાં ઝાકળબિંદું પણ ઊડી જવાનાં છે, તૃષ્ણા નામની નારી પણ નિરાધાર થઈ જવાની છે. પણ પંખાળા ઘોડાને એવા તે કયા મુલક સાંભર્યા છે કે તેણે આ બધું મૂકીને જવું પડ્યું છે તે કવિનો મુખ્ય પ્રશ્ન છે. કવિતો પ્રશ્ન કરીને મૂકી દે છે, ભાવકે તે પ્રશ્નની કેડી પર આગળ વધવાનું છે. કવિ તમને કોઈ ચોક્કસ મુકામ સુધી ન પણ પહોંચાડે, એ માત્ર આંગળી ચીંધીને ઊભો રહી જાય.

સુંદરજી બેટાઈની અન્ય એક સરસ રચનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

પાછલી રાતુંની મારી નિંદરા ડહોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

ધરતી ધાવણધારા,
ધરતી ધાવણધારા ઊંડી રે શોષાણી, ને,
આભઅંગાર ઊઠે આભમાં ઓ જીરે...

લ્હેકી લંચુકી મારી,
લ્હેકી લંચુકી મારી વાડિયું વેડાણી, ને
આંગણે ઝીંકાઈ રહ્યા ઝાંખરાં ઓ જી રે.

કેસરે મ્હેકંત ક્યારી,
કેસરે મ્હેકંત ક્યારી ઉરની ઉજાડી, ને
આંખે અંધારાં ઘોર આંજિયાં ઓ જી રે.

પાછલી રાતુંની મારી નિંદરા ડહોળાણી, ને
આગલી રાતુંના ઉજાગરા ઓ જી રે!

– સુંદરજી બેટાઈ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો