બુદ્ધને એક સંદેશો...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

ભાઈ મારું એક કામ કરીશ?
મારે એક સંદેશ પહોંચાડવો છે,
બુદ્ધ મળે તો કહેજે કે—
રાઈ માટે ઘેર ઘેર ભટકતી ગૌતમીને
આજે વહેલી સવારે
મળી આવ્યું છે એક નવજાત બાળક
ગામને ઉકરડેથી.

~ રાજેન્દ્રસિંહ રાયજાદા

સુરેશ દલાલનું એક ખૂબ જ સુંદર સંપદાન છે — ‘બૃહત્ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’. 600 વર્ષની ગુજરાતી કવિતાની ઝાંખી આપતું આ પુસ્તક ખરેખર અદ્ભુત છે. નરસિંહ મહેતાથી લઈને આજના જાણ્યા-અજાણ્યા કવિઓનું પ્રતિનિધિત્વ કરતી ઉત્તમ રચનાઓ તેમાં સમાવવામાં આવી છે. રાજેન્દ્રસિંહ રાયજાદાની આ કવિતા પણ તેમાં સમાવવામાં આવી છે. આ કવિ વિશે કંઈ વિશેષ માહિતી નથી, પણ તેમનો જન્મ 7 માર્ચ 1943માં થયેલો. આ કવિતા કદાચ જૂની હશે, પણ અત્યારે, જ્યારે ક્યાંક ઉકરડેથી, રેલવે સ્ટેશનેથી કે કોઈ નિર્જન જગ્યાએથી ત્યજાયેલ નવજાત શિશુઓ મળી આવે છે ત્યારે આ કવિતા વધારે આજના સમયની વાત કરી હોય તેવું લાગે છે.

ભગવાન બુદ્ધ અને ગૌતમીનો પ્રસંગ ઘણા લોકોએ સાંભળ્યો હશે. છતાં તેને ફરી યાદ કરી લીએ। ગૌતમી નામની એક સ્ત્રીને એકનો એક દીકરો હતો. કોઈ બીમારીને કારણે તે અવસાન પામ્યો. પુત્ર ગુમાવવાથી ગૌતમીને ખૂબ આઘાત લાગ્યો. લગભગ ગાંડા જેવી થઈ ગઈ અને દીકરાનું શબ સ્મશાનમાં પણ લઈ જવા દેતી નહોતી. તે માનવા તૌયાર નહોતી કે દીકરો મરી ગયો છે. કોઈકે તેને ઉપાય સૂચવ્યો કે નજીકના વિહારમાં ભગવાન બુદ્ધ આવ્યા છે, તેની પાસે જા, કદાચ તે તારા દીકરા માટે કોઈ સારું ઓસડ આપે અને તે ઊભો થઈ જાય. તે બુદ્ધ પાસે પહોંચી ગઈ અને અ વિનંતી કરતા કહ્યું, “ભગવંત, તમે તો બધાને ઓસડ આપો છો તેવું મેં સાંભળ્યું છે, મહેરબાની કરીને મારા દીકરાને ફરી જીવતો કરી આપો.” બુદ્ધ તરત આખી વાત પામી ગયા. તેમણે સ્મિત આપતા કહ્યું, “ઓસડ માટે તું મારી પાસે આવી એ તેં ઠીક કર્યું. હવે તું એક કામ કર, શહેરમાં જા અને જે ઘરમાં જેનું કોઈનું પણ મરણ ન થયું હોય તે ઘરમાંથી ચપટી રાઈના દાણા લઈ આવ.” ગૌતમીને આશા જાગી. તે તરત શહેરમાં ગઈ અને ઘેરઘેર ફરીને રાઈના દાણા માગવા લાગી. તે ખાતરી કરી લેતી કે ઘરમાંથી કોઈનું અવાસન તો નથી થયું ને? ધીરે ધીરે તે આખું શહેર ફરી વળી પણ એકે ઘર એવું ન મળ્યું કે જ્યાં કોઈનું અવસાન ન થયું હોય. છેવટે તેને જ્ઞાન થયું કે મૃત્યુ એ સનાતન સત્ય છે. દરેકને એક દિવસ મરવું જ પડે છે. ગમે તેવું સ્વજન હોય, પ્રિય હોય, બધાનું મૃત્યુ નિશ્ચિત છે.

રાજેન્દ્રસિંહ રાયજાદાએ બુદ્ધની આ કથાનો સહારો લઈને આપણા વર્તમાનમાં બનતી ઘટનાઓ પર ધારદાર કટાક્ષ કર્યો છે. ચપટી રાઈ માટે ગૌતમી ભટકી રહી છે અને તેને ગામના ઉકરડેથી એક નવજાત શિશુ મળી આવ્યું છે. આ આપણા સમાજની કરૂણતા નહીં તો બીજું શું? એક ગૌતમી કે જે પોતાના મરેલા દીકરાને જીવતો કરવા રઘવાઈ થઈ છે, આકાશ પાતળ એક કરવા માગે છે, બીજી બાજું આજે અનેક ગૌતમીઓ પોતાના નવજાત શિશુને જન્મતાવેંત ત્યજવા મજબૂર થઈ રહી છે. આમાં જે તે વ્યક્તિની મજબૂરી જવાબદાર છે? સંજોગોને આધીન થઈને આવું કરવું પડે છે? કે આપણા સમાજનો ઢાંચો એવો છે કે જેના લીધે આવું થાય છે? ગૌતમીના મરેલા પુત્રનું સત્ય સમજાવવા તો બુદ્ધે રાઈના દાણાનો ઉકેલ શોધી કાઢ્યો. પણ હવે ઉકરડેથી મળી આવેલા બાળકનું શું? આમાં વેધક વ્યથા છે.

આ જ સ્થિતિમાં કચરાની ડોલમાંથી મળી આવેલ એક નવજાત શિશુની સ્થિતિ વર્ણવતું વિપુલ પરમારનું એક ગીત પણ ખાસ વાંચવા જેવું છે. કચરાની ડોલમાં પડેલા બાળક માનવતાની પોલ ખોલી રહ્યું છે.

લોગઆઉટઃ

કચરાની આ ડોલ!
ઊંઆં...ઊંઆં...બોલી ખોલે માનવતાની પોલ!

બણબણનાં હાલરડાં વચ્ચે માખી ભરતી ચૂમી,
હૂ.. હૂ.. કરતાં લાડ લડાવે, શ્વાનો ફરતાં ઘૂમી.
અરે.. અરે.. નું અમથું વાગે, માણસ નામે ઢોલ!
કચરાની આ ડોલ!

મઘમઘ મઘમઘ થાતી બદબો, કૂડો અડતાં ડીલે!
ફરફર ફરફર વાસી ફૂલો, હાથ અડે ત્યાં ખીલે!
ખદબદ ખદબદ થાતો કોનાં ભીતરનો માહોલ?
કચરાની આ ડોલ!

— વિપુલ પરમાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો