એક દિન હતો, એક પળ હતી...

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

એક દિન હતો, એક પળ હતી, એક આંખડી ચંચળ હતી,
ને પ્રાણના ઉપવન વિશે ઊર્મિ-નદી ખળખળ હતી,
ને જે પરાયાં થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે,
રે, તેમને સૌને નજીકમાં આણવાની કળ હતી!
એક દિન હતો, એક પળ હતી!

તે દિન ગયો, તે પળ ગઈ, તે આંખડી ચંચળ ગઈ,
તે ઊર્મિઓ ગળગળ ગઈ, તે જિંદગી વિહ્વળ ગઈ;
યૌવન ગયું, ઉપવન ગયું, જીવન ગયું, નન્દન ગયું,
નર્તન ગયું, કીર્તન ગયું : બાકી હવે ક્રન્દન રહ્યું!
એક દિન હતો, એક પળ હતી!

– કરસનદાસ માણેક

આજે આ રચનાના કવિની કરસનદાસ માણેકની જન્મતિથી છે. 28 નવેમ્બર 1901ના રોજ કરાંચીમાં તેમનો જન્મ થયો, પણ તેમનું મૂળ વતન જામનગર જિલ્લાનું હડિયાણા ગામ. 18 જાન્યુઆરી 1978ના રોજ તેમણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. તેમની મૂળ ઓળખ કવિ તરીકેની, પરંતુ તેમણે વાર્તાઓ અને નિબંધો પણ લખ્યા છે. તેમની એક ગઝલ તો ખૂબ જ જાણીતી છે. ‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે / ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે!’ તેમાં સદમાર્ગે ચાલતા માણસોને વેઠવી પડતી પીડા અને ખોટાં કામો કરતાં લોકોના લહેરભર્યા જીવન પર તેમણે અદ્ભુત કટાક્ષ કર્યો છે. એકાદ મુઠ્ઠી અનાજ ચોરનાર માણસ જેલની સજા ભોગવે અને લાખોની કટકી કરનારા મહેફિલોમાં જલસા કરે એવું આજના સમયમાં પણ બને છે. જે ગાય દૂધ આપે તેને એક સૂકું તણખલું પણ ન મળે અને ચારેબાજુ શિંગડા મારતા ફરતા આખલાઓ લીલાંછમ ખેતરો ચરી જાય એવું બને. જીવતા માણસના કૂબામાં એક ટીપું તેલ પણ ન મળે, ને મરેલા માણસની કબર પર ઘીના દીવા થાય એવું પણ ક્યાં નથી થતું? આ જ તો જગતની વિસમતા છે. કરસનદાસ માણેક આ વિસમતાને બહુ સારી રીતે સમજી શકતા હતા.

આ કવિતામાં પણ એક પ્રકારની વિસમતા છે. આ કવિતા વાંચીને તમને સૈફ પાલનપુરીની ‘શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી’ યાદ આવી જાય. એક સમયે ઝરૂખા પર એક અદ્ભુત રૂપવંતી નારી બેઠી હતી, તેના સૌંદર્ય અને આભા એવા હતા કે તેના પ્રેમમાં ભાગીદાર થવા ખુદ કુદરત પણ આતુર હતી. પણ વર્ષો પછી ફરીથી ત્યાં જવાનું થાય છે અને કવિ એ સૌંદર્યથી છલકાતો ઝરૂખો સૂનો જુએ છે. કરસનદાસ માણેકની કવિતામાં પણ આવો વિરોધાભાસ છે.

એક સમયે કોઈની માટે આંખ ચંચળ હતી, ઉત્સુક હતી, આનંદિત હતી. અંગેઅંગમાં ઊર્મિની નદી ખળખળ વહેતી હતી. આ ઊર્મિ કોના માટે વહી રહી હતી? તેનો જવાબ તેમણે પછીની પંક્તિમાં આપ્યો છે, ‘જે પરાયા થઈ પડ્યાં’તાં દૂરની ભૂમિ પરે’. અહીં ‘પડ્યાં’તાં’ શબ્દ પર મૂકવામાં આવેલાં અનુસ્વાર સૂચક બની જાય છે. સ્ત્રીને માનાર્થે બોલાવવામાં આવે ત્યારે અનુસ્વાર વપરાય તેવો ગુજરાતી વ્યાકરણનો નિમય છે. તેના આધારે જ ખ્યાલ આવે છે કે કવિ પોતાની પ્રેમિકા કે ગમતાં સ્ત્રી પાત્રની વાત કરી રહ્યા છે. એ પાત્ર પોતાની નજીક આણવાની તેમની ઝંખના છે. તે પાસે આવે અને હૈયામાં વહેતી ઊર્મિની નદીમાં સ્નાન કરે, એવી મનોકામના પણ ખરી. એ ગમતાં પાત્રની સાથે જે કોઈ દૂર છે, એ બધાને પોતાની નજીકમાં આણવાની તેમની ઇચ્છા હતી, પણ એવું થયું નહીં. તો શું થયું?

દિન વીતી ગયો, પળ ચાલી ગઈ. જે આંખડી ચંચળ હતી, તેની ચંચળતા કાળના પ્રવાહમાં ક્યાંક તણાઈ ગઈ. આંખ ઓશિયાળી થઈ ગઈ, નજરનું નાણું વેડફાઈ ગયું. ઊર્મિઓ નદી જેમ ખળખળતી હતી તે સંજોગના પથ્થરોમાં સૂકવા લાગી. જિંદગી બેબાકળી થઈ ગઈ. આમ ને આમ આખું યૌવન જતું રહ્યું. આયખું ચાલ્યું ગયું. જેના માટે નેણમાં નર્તન થતું હતું, જેના માટે હૈયાના મંદિરમાં આઠે પ્રહર કીર્તન થતું હતું, તે કીર્તન ક્રંદનમાં ફેરવાઈ ગયું. આપણે ઇચ્છતા હોઈએ કીર્તન અને સાંપડે ક્રંદન, એ જ તો નસીબની બલિહારી છે. આશા અને નિરાશા નામની ઘંટીના બે પૈડાં વચ્ચે આપણે આજીવન અનાજ જેમ દળાતા રહીએ છીએ અને કાળ આપણને વાનગીની જેમ જમતો રહે છે. આ જ જિંદગીની એક સનાતન સત્ય છે.

કરસનદાસ માણેકની એક રચના તો પ્રાર્થનાની કક્ષાએ પહોંચી છે અને આજે પણ અનેક સ્કૂલો-કૉલેજોમાં તે પ્રાર્થનાસ્વરૂપે ગવાય છે. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો!
ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો,
દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો;
મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો,
ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો;
મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો,
હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો;
મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,
શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો;
મારું જીવન અંજલિ થાજો !

– કરસનદાસ માણેક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો