ચાક પર શું શું ધર્યું છે, મૂર્ખ તુજને ભાન છે?

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’નો લેખ
લોગઇનઃ

જામ ઘડનારા કરે છે શું તને કંઈ જ્ઞાન છે?
જેને તું ખુંદી રહ્યો છે એ તો એક ઇન્શાન છે.
આંગળી અકબરની, માથું કોઈ આલમગીરનું,
ચાક પર શું શું ધર્યું છે, મૂર્ખ તુજને ભાન છે?

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)


કવિએ લખેલો ઉત્તમ શબ્દ ક્યારેય નાશ પામતો નથી, તેનું જીવંત ઉદાહરણ એટલે ઉમર ખૈય્યામ. ખય્યામસાહેબ તેમના સમયમાં ગણિતમાં ગળાડૂબ રહેતા અને ખગોળશાસ્ત્રી તરીકે ખૂબ જાણીતા. જ્યોતિષનું પણ ઊંડું જ્ઞાન ધરાવતા. સુલતાન જલાલુદ્દીન મલેક શાહના દરબારમાં રાજજોષી તરીકે પણ રહેલા. 109 વર્ષની દીર્ઘ આયુષ્ય ભોગવનાર ખય્યામસાહેબ તેમના સમયમાં કવિ તરીકે કંઈ ખાસ જાણીતા નહોતા. કેટલાક વિદ્વાનો તો ખય્યામે કવિતા લખી હોવા વિશે પણ શંકા સેવતા હતા. કારણ કે તેમના કોઈ પણ સમકાલીને તેમની કવિતાની નોંધ લીધી નથી. પરંતુ એ. જે. એવબરીએ તેરમી સદીની હસ્તપ્રતના આધારે આવી 250 અધિકૃત રુબાયત શોધી કાઢી છે. તેમના અવસાનના લગભગ સાતસોએક વર્ષે આંગ્લ કવિ એડ્વર્ડ ફિટ્સજીરાલ્ડે તેમની કવિતાના અનુવાદ કર્યા. તેમણે ખય્યામની ઘણી રુબાયતોનો મુક્ત ભાવવાહી શૈલીમાં કરેલો ‘ધ રુબાયત ઑફ ઓમર ખય્યામ’ (1859) નામનો અનુવાદ હજુ પણ ઉત્તમ મનાય છે. આ અનુવાદ પછી ખય્યામસાહેબ કવિ તરીકે લોકપ્રિય થતા ગયા. તેમના ચાહકો વધતા જ ગયા. અમુક ચાહકોએ તેમના નામે ક્લબ બનાવી. અમુકે તો તેમના જન્મસ્થળે કે મૃત્યુસ્થળે જઈને ત્યાંથી માટી લાવીને તેમાં છોડ ઉછેર્યા.

ત્યાર પછી તો ખૈય્યામસાહેબની રૂબાયતોના અનુવાદો વિશ્વની સેંકડો ભાષાઓમાં થયા. રુસ્તમ ભાજીવાલા નામના એક પારસી સખ્શે લગભગ સોએક વર્ષ પહેલાં તેમની રુબાયતો ગુજરાતીમાં અવતારેલી, જેમાં પારસી બોલીની વિશેષ છાંટ જોવા મળે છે. ગુજરાતી ભાષામાં શૂન્ય પાલનપુરીએ કરેલા અનુવાદો સૌથી શ્રેષ્ઠ ગણાય છે. એવું કહેવાય છે કે જો ઉમર ખૈય્યામ પોતે આ અનુવાદો વાંચે તો પોતાની તમામ રુબાયતો શૂન્ય સાહેબને અર્પણ કરી દે! તેમણે ગુજરાતીમાં અનુવાદ કરીને સંપૂર્ણ ગુજરાતી ક્લેવર ચડાવી દીધું, એ પણ મૂળ કવિતાના ભાવમાં જરા પણ ફેરફાર કર્યા વિના!

ઉમર ખૈય્યામનું મૂળ નામ ગ્યાસુદ્દીન ફત્હ ઉમર. ‘ખૈય્યામ’ એમનું તખલ્લુસ. તેનો અર્થ થાય છે તંબુ સીવનાર. તેમના પૂર્વજો તંબુ સીવવાનો વ્યવસાય કરતા હતા. તેમનો 18 મેં 1048ના રોજ ઈરાનના નીશાપુર ગામમાં થયો હતો અને અવસાન 4 ડિસેમ્બર 1131ના રોજ થયું હતું. ગઈ કાલે તેમની પૂન્યતિથિ હતી. પોતાના સમયમાં ખગોળશાસ્ત્રી, ગણિતશાસ્ત્રી, જ્યોતિષ તરીકે પ્રસિદ્ધ ખય્યામસાહેબ ભવિષ્યમાં મહાન કવિ તરીકે પ્રસિદ્ધ થશે એવું કોણ કહી શકે? પણ કવિતાનો શ્રેષ્ઠ શબ્દ ક્યારેય નાશ પામતો નથી. તે વહેલા-મોડા તે પોતાનું અજવાળું પાથરે જ છે.

ખય્યામસાહેબ પોતાની રુબાયતોમાં જીવનની નશ્વરતા વિશે બહુ સહજતાથી વાત કરે છે. તેની માટે તેઓ શાકી, શરાબ, જામ, માટી, કુંભાર જેવાં અનેક પ્રતીકોનો બખૂબી ઉપયોગ કરે છે. શૂન્યસાહેબે અનુવાદિત કરેલી આ રુબાયતોમાં પણ એ અનુભવાશે. આપણે ત્યાં કહેવાય છે કે મનખાદેહ માટીનો બનેલો છે. પરંતુ કવિ આ વાત સાવ સીધી સપાટ નથી કહેતા. તેઓ માટી ખુંદી રહેલા કુંભારને કહે છે કે ભાઈ માટી ખુંદનાર, તને કંઈ ભાનબાન છે કે નહીં, તું જે માટી ખુંદી રહ્યો છે, એ માટી નથી, પણ માનવો છે. માનવદેહ નાશ પામીને છેવટે માટીમાં ભળી જતો હોવાથી એક રીતે જોવા જઈએ તો કુંભાર માનવદેહને જ ખુંદી રહ્યો છે તેમ કહેવામાં આવે તો તેમાં જરાય ખોટું નથી. આ માટીમાં કોણ નથી ભળ્યું? સમ્રાટ, સંત, રાજા કે ભીખારી – રૂપાળું કે કદરૂપું, બધું છેવટે માટીમાં એકસમાન થઈ ગયેલું છે. તે કુંભારને એમ કહે છે કે તું શું ખુંદી રહ્યો છે તેનું કંઈ ભાનબાન છે?

આ પ્રતીકો દ્વારા ખય્યામસાહેબ જીવનની નશ્વરતા તરફ આંગળી ચીંધે છે. તેમની રુબાયતોમાં જીવનની નશ્વરતા, પ્રેમની પવિત્રતા, જીવ, જગત અને ઈશ્વર વિશેની ગહન ફિલસૂફીઓ રજૂ થઈ છે. તેમની જ અન્ય બે રુબાયતોથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

શું કુબેરો? શું સિકંદર? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.

ભક્તિ કેરી કાકલૂદી, સ્વાર્થ કેરા જાપ બંધ
શંખનાદો ઝાલરોને બાગના આલાપ બંધ
મેં જરા મોટેથી પૂછ્યો પ્રશ્ન કે હું કોણ છું?
થઈ ગયા ધર્માલયોના દ્વાર આપોઆપ બંધ

– ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો