કાન્તે જલ ઉપર ચંદ્રનો ઉદય જોયો એવો કોઈએ જોયો નથી!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

આજ, મહારાજ! જલ પર ઉદય જોઈને
ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
પિતા! કાલના સર્વ સંતાપ શામે!
નવલ રસ ધવલ તવ નેત્ર સામે
પિતા! કાલના સર્વ સંતાપ શામે!

જલધિજલદલ ઉપર દામિની દમકતી
યામિની વ્યોમસર માંહી સરતી;
કામિની કોકિલા કેલિ કૂજન કરે
સાગરે ભાસતી ભવ્ય ભરતી;
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!
તરલ તરણી સમી સરલ તરતી,
પિતા! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી!

– કવિ ‘કાન્ત’

કાન્ત ગુજરાતી કવિતાની એક વિરલ ઘટના છે. અહીં આપવામાં આવેલી કવિતા ‘સાગર અને શશી’ તેમની ઉત્તમ રચનાઓમાંની એક છે. સુરેશ જોશીએ આ કવિતાનો ખૂબ સુંદર આસ્વાદ કર્યો છે. કવિ હસમુખ પાઠકે પણ ઉમાશંકર જોશી સંપાદિત ‘સંસ્કૃતિ’ સામયિકમાં આ કાવ્ય વિશે લખેલું. ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’માં પ્રસાદ બ્રહ્મભટ્ટે પણ આ કવિતા વિશે વિદ્વત્તાપૂર્ણ લખ્યું છે. આ સિવાય અનેક વિવેચકો-આસ્વાદકોએ આ કવિતાને આસ્વાદી છે. એટલે તેમાં ઉમેરો કરવાનો અહીં જરાયે આશય નથી.

પણ આ કવિતાના કવિ મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’ની આજે જન્મતિથિ છે. આજના દિવસે તેમની આ અદ્ભુત રચનાનો સ્વાદ ગુજરાતી કવિતારસિકો સુધી પહોંચે તે જરૂરી છે. તારીખ 20 નવેમ્બર 1987માં અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે જન્મેલા આ કવિએ માત્ર એક જ, ‘પૂર્વાલાપ’ નામનો કાવ્યસંગ્રહ આપીને ગુજરાતી કવિતાજગતમાં પોતાનું સ્થાન હંમેશ માટે આરક્ષિત કરી નાખ્યું છે. ૧૯૨૩માં તેઓ કાશ્મીરના પ્રવાસે ગયા, ત્યાંથી પાછા ફરતાં રાવળપિંડીથી લાહોર આવતી ટ્રેનમાં એમનું અવસાન થયું હતું. આ પણ એક કરૂણતા કહેવાય કે તેમનો સંગ્રહ તેમના અવસાનના દિવસે જ પ્રગટ થયેલો! તેમણે રવીન્દ્રનાથ કૃત ‘ગિતાંજલિ’નો પણ અનુવાદ કરેલો. ‘ગુરુ ગોવિંદસિંહ’ અને ‘રોમન સ્વરાજ્ય’ નામે બે નાટકો પણ લખેલાં. આ ઉપરાંત ‘શિક્ષણનો ઇતિહાસ’ કાન્તની ઊંડી અભ્યાસશીલતાના ફળ સમો ગ્રંથ છે. પણ તેમની મૂળ ઓળખ અને પ્રતિભા તો કવિ તરીકેની જ!

કહેવાય છે કે આ કવિતા પાછળ એક નાનકડી ઘટના જવાબદાર છે. કવિ કાન્ત ભાવનગરના રાજા ભાવસિંહજીના વખતમાં કેળવણી ખાતાના અમલદાર હતા. એક વખત કાન્તને સાથે લ‌ઈ ભાવનગરના મહારાજા ગોપનાથ ગયા હતા. રાતના સમુદ્રકાંઠે ગાલીચાઓ બિછાવી બેઠા હતા ત્યારે આકાશમાંથી ચાંદની વેરતો ચંદ્રમા, ઘૂઘવતો સમુદ્રતટ અને શીતળ વાયુએ મહારાજના હૃદયમાં પણ કાવ્યભાવ જગાડ્યો. તેમણે કાન્તને આદેશ કર્યો, ‘કવિ, આ જોઈને કરો કંઈ કવિત’ પછી ઉમેર્યું, ‘આપ વનવિહારિણી આ સંઘ્યાને આનંદથી અવલોકો. આજ કોઈ નવી કવિતા રચાશે તો મારી પણ સાંજ સુધરી જશે.’ એ વેળા આથમણા આકાશની લાલીમાના આરે ઓવારે, ફરફરતી કેસરી રંગની સંઘ્યાની ચૂંદડીમાં ફૂલગુલાબી રંગના બુટ્ટા છપાઈ ગયા અને રચાઈ ‘સાગર અને શશી’.

જોકે આ ઘટના કેટલી સાચી તેની કોઈ ઓથેન્ટિક માહિતી આ લખનાર પાસે નથી. પણ એ હકીકત છે કે કવિ કાન્તે જલ ઉપર ચંદ્રનો ઉદય જોયો, તેવો ગુજરાતી ભાષાના કોઈ કવિએ જોયો નથી! આ ઉદયની લાલીમા અને સૌંદર્ય તેમણે જે રીતે કવિતામાં પરોવ્યું છે તે અદ્ભુત છે.

છંદો ઉપરની તેમની હથોટી, ભાષાનું લાવણ્ય અને આલંકારિક રજૂઆત તેમની આગવી ઓળખ છે. તેમાંય ખંડકાવ્ય તો કાન્તના જ! કોઈ કવિએ કાન્તની ખંડકાવ્યની પ્રતિભા, બળવંતરાય ઠાકોરની સોનેટપ્રતિભા તથા ન્હાનાલાલની રાસ પરની હથોટીને બે પંક્તિમાં નવાજી છે. ‘ખંડકાવ્ય તો કાન્તના, બ.ક.ઠા.ના સોનેટ, ન્હાનલ કવિના રાસ, એથી સઘળું હેઠ.’
કાન્ત-કલાપી-ન્હાનાલાલ એ ત્રણે એક સમયના ગુજરાતી ભાષાના આગવા અધ્યાયો છે. આ સાહિત્ય-ત્રિવેણીએ ગુજરાતી ભાષાને ગરીમા અને ઊંચાઈ આપી છે. કાન્ત તો કલાપીના બહુ મોટા માર્ગદર્શક હતા. તેમની વચ્ચેનો પત્રવ્યવાવહાર પણ ગુજરાતી સાહિત્યની સંપદા છે. એક વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધિવેશનમાં કાન્ત વ્યાખ્યાન આપી રહ્યા હતા. એ જ સમયે ખંડમાં દાખલ થઈ રહેલા નાનાલાલને સંબોધીને એમની જ પંક્તિથી કાન્તે તેમને વધાવ્યા હતા, ‘ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ!’ આગળ જતા આ વધામણીને નાનાલાલે અક્ષરશઃ સાચી પાડી બતાવી! સુન્દરમના શબ્દોમાં કહીએ તો, ‘કાન્તની કવિતા ગુજરાતી કવિતામાં કળાની વસંતના આગમન જેવી છે, તો કાન્તની પાછળ પાછળ ચાલ્યા આવતા નાનાલાલની કવિતા એ વસંતના ઉત્સવ જેવી છે.’

બહુ ઓછા લોકોને ખબર હશે કે કવિ કાન્તે ગઝલ પણ લખેલી. તેનાથી જ લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

તને હું જોઉં છું, ચંદા! કહે! તે એ જુએ છે કે?
અને આ આંખની માફક – કહે, તેની રુએ છે કે?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને,
વખત હું ખોઉ તેવો શું – કહે, તે એ ખુએ છે કે?

સખી! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
સ્મરંતાં ના શકું સૂઈ! કહે, સાથી સુએ છે કે?

સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં-
હૃદયનાં ધોઉં છું પડ હું! કહે, તે એ ધુએ છે કે?

– કવિ કાન્ત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો