દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં? દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

– જવાહર બક્ષી

જવાહર બક્ષીનો આ શેર ખૂબ માર્મિક છે. ઘણાને એમ થતું હશે કે કોઈ વ્યક્તિનો અભાવ હોય તો અભાવની સ્થિતિમાં ઉત્સવ ક્યાંથી થઈ શકે? ‘અભાવ’ શબ્દમાં જ ‘ભાવ વિનાનું’ એવો અર્થ આવી જાય છે. ભાવ ન હોય ત્યાં અભાવ હોય આવું આપણું સાદું ગણિત છે. પણ અહીં જવાહર બક્ષી ગમતી વ્યક્તિની ગેરહાજરીને ઉત્સવ બનાવી દે છે. કવિની આ જ તો ખૂબી હોય છે. તે અડધી રાતે ચંદ્રને ઢાંક્યા વિના સૂર્યને ઊગાડી શકે છે. પુષ્પને નિચોવ્યા વિના તેનું અત્તર બધે પહોંચાડી શકે છે. જવાહર બક્ષીએ પ્રેમના અભાવને ઉત્સવ બનાવી દીધો. તે પ્રિય વ્યક્તિને ઉલ્લેખીને કહે છે કે, તારા અભાવમાં મારી અંદર કશુંક ઉત્સવ જેવું ઉજવાઈ રહ્યું છે. અને આ ઉત્સવના ભાગરૂપે આંખમાં મેળો ભરાય છે. અભાવથી તરબતર સ્થિતિમાં કોનો મેળો ભરાયો હોઈ શકે આંખમાં - આંસુ સિવાય? અને આસુંના કારણમાં શું હોઈ શકે - ગમતી વ્યક્તિની ગેરહાજરી સિવાય? પ્રિય પાત્રની યાદોમાં મન સ્મરણોની સુગંધમાં ગળાડૂબ હોઈ શકે અથવા તો સ્મરણોના સહરામાં ક્યાંક ભટકી રહ્યું હોય એમ પણ બને. ઘેરી ઉદાસીમાં ગરકાવ થઈ જાય તોય નવાઈ નહીં. યાદો તો મીઠી પણ હોય અને કડવી પણ. કડવી યાદો મગજ પર વધારે ઘાટ્ટા લીટા પાડતી હોય છે. એની ખાસિયત એ છે કે જેમ જેમ એને વિસરવા મથીએ એમ એમ એ વધારે તાજી થતી જાય છે. અને આપણી પીડા પણ એ જ છે કે આપણે જેને વધારે ભૂલવા મથીએ એ જ વધારે યાદ આવે છે. જેનાથી સાવ ખાલી થવા માગતા હોઈએ, એનાથી જ છલકાયા કરતા હોઈએ છીએ!

ખલીલ ધનતેજવીનો એક સરસ શેર છે, ‘દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું, દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!’ આવી સ્થિતિમાં ક્યાંથી દરિયો તરી શકાવાનો? ઉર્દુમાં પણ કંઈક આવા જ ભાવાર્થવાળો એક શેર છે, તેમાં હંમેશ માટે વિખૂટી થઈ ગયેલી પ્રેમિકાને ઉદ્દેશીને કહેવાયું છે કે મારે તને ભૂલી જવાની છે એ વાત હું રોજ ભૂલી જાઉં છું. મરીઝના શેરમાં દર્શાવાયેલી વિચિત્રતા પણ જોવા જેવી છે, તેમણે લખ્યું છે, ‘કિસ્મતમાં લખેલું છે, જુદાઈમાં સળગવું, ને એના મિલનની મને પ્રત્યેક જગા યાદ.’ નસીબમાં આખી જિંદગી પ્રિય પાત્રના વિરહમાં વિતાવવાની છે એ નક્કી જ છે, અને કરૂણતા એ છે કે તેની સાથે જે જે સ્થળે હર્યાભર્યા, જે જગ્યાએ મળીને જિંદગીની અદ્ભુત વાતો કરી, એ જગ્યા વિસરાતી નથી. કાશ કે જે વ્યક્તિ જીવનમાં ક્યારેય મળવાની જ ન હોય, તેની સાથેની યાદો પણ મગજમાંથી ભૂંસી શકાતી હોત તો કેટલું સારું! એની સાથે હર્યા ફર્યા, જે સ્થળે સાથે બેઠા, વાતો કરી એ બધું જ ડિલિટ કરી નખાતું હોત તો આપણે એ સમયના બોક્ષમાંથી હંમેશાં આઝાદ થઈ શકત, પણ એવું થઈ શકતું નથી. હોલિવુડમાં એક ફિલ્મ છે - eternal sunshine of the spotless mind. તેમાં બે વ્યક્તિઓ એકબીજાને મળે છે, પણ તેની પહેલાં તેમણે આધુનિક ટેકનોલોજીની મદદથી પોતાના મનમાંથી જૂના સંબંધોનાં બધાં જ સ્મરણો ડિલિટ મારી દીધાં છે. નવેસરથી નવા સંબંધની શરૂઆત કરે છે, પણ સમય જતા ખબર પડે છે કે આ તો એ જ વ્યક્તિ છે, જેની યાદો મનમાંથી ડિલિટ કરી નાખી હતી, અગાઉ પણ આ જ વ્યક્તિ સાથે સંબંધ હતો. બહુ સુંદર ફિલ્મ છે.

તહેવારો પણ કદાચ આપણે અભાવની આંટીઘૂંટીમાં અટવાઈ ન જઈએ એટલે કશીક નવીનતા લાવવા માટે હોય છે. આપણે ધાંધલધલમાલ ભરી જિંદગીથી કંટાળી ગયા હોઈએ તો બે ઘડી કશુંક નવું કરી શકીએ, જિંદગીને મશીન જેવી ન બનવા દઈ આનંદનો અહાલેક ગાઈ શકીએ એટલા માટે જ કદાચ આપણે ઉત્સવના આશરે જતા હોઈશું. આપણને ચેન્જ જોઈએ છે. રોજ સવાર પડે અને કામ માટે નીકળી જવું, સાંજ સુધી કામ કરવું, ખાવી-પીવું અને ઊંઘી જવું. વળી સવારે પાછું એનું એ જ ચક્કર. પણ આવા તહેવારોમાં ય જ્યારે ગમતી વ્યક્તિ સાથે ન હોય ત્યારે આપોઆપ આંખ આંસુના તહેવાર ઉજવવા માંડે છે. તેમાં સ્મરણોના દીવા પ્રગટી ઊઠે છે, પણ હૃદય અંદર તો ગમતી વ્યક્તિની ગેરહાજરીનું અંધારું ફેલાઈ ગયું હોય છે. એવું બને કે સામે પક્ષે પણ એવી જ હાલત હોય. એના હૈયામાં પણ યાદોનાં વાદળો ઘેરાવા લાગ્યાં હોય અને આપણો અભાવ મોર માફક ટહુકી ઊઠ્યો હોય! મનોજ ખંડેરિયાનો આવા જ મિજાજનો એક ખૂબ સુંદર શેર છે તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

મારો અભાવ મોરની માફક ટહુકશે, ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ.

– મનોજ ખંડેરિયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો