એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

એક દીવો છાતી કાઢીને છડેચોક ઝળહળે, તો એ અંધારાના સઘળા અહંકારને દળે.

હરેક ચીજને એ આપે સૌ સૌનું મૂળ સ્વરૂપ આવું મોટું દાન કરે તો પણ એ રહેતો ચૂપ

પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય કાજ બસ બળે!

અંધકાર સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી? કિયા ગુરુની કૃપા થકી આ રીત તપસ્યા ફળી?

હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે…

– રમેશ પારેખ

એક દીવડો આપણને કેટકેટલું શીખવી જાય છે તેની વાત રમેશ પારેખે આ ગીતમાં સુપેરે કરી છે. રમેશ પારેખ ગુજરાતી સાહિત્યનું અજવાળું છે, તેમના કવિતાના દીવડાઓએ સમગ્ર સાહિત્યજગતને રોશન કર્યું છે. ‘દિવાળી’ શબ્દમાં ‘દિ વાળવો’ એવા રૂઢિપ્રયોગનો ગર્ભિત અર્થ આવી જાય છે. દીવો માત્ર ઘરના ઊંબરે નથી મૂકવાનો હોતો, હૈયાના ઊંબરે પણ સમજણનો દીવો પેટાવવાનો હોય છે. તો જ આપણો દિ વળતો હોય છે અને દિવાળી સાર્થક થતી હોય છે. અજવાળાનો ઉત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે આ કવિતા પણ અંતરના ઊંબરે મૂકવા જેવી છે.

બંધ પડ્યા રહેતા મકાનને પણ જો રેગ્યુલર સાફ કરવામાં ન આવે તો કરોળિયાંનાં જાળાં બાઝવા માંડતાં હોય છે. સમયની ધૂળ તેને ખંડેર થવા તરફ ધકેલવા માંડે છે. માણસ પોતે પણ એક હરતું ફરતું મકાન છે. પેલું ભજન યાદ કરો, ‘જીવ, શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં!’ ભાડાના મકાનમાં રહીએ છીએ તો ભાડું ચૂકવ્યા વિના છૂટકો નથી! આ ભાડું એટલે આપણો પ્રામાણિક પરિશ્રમ, આપણી સદનીતિની સુગંધ જ્યાં સુધી આપણે પ્રસરાવતા રહીશું ત્યાં સુધી આ મકાનમાં આનંદથી રહી શકીશું. નહીંતર એવું થશે કે આપણે મકાનમાં તો રહીશું, પણ ભાડુ ન ચૂકવવાને લીધે મૂળ માલિક વારંવાર આપણને અંદરથી ખખડાવ્યા કરશે. યાદ કરો, જ્યારે પણ તમે કંઈ ખોટું કર્યું હોય ત્યારે તમારો અંતરાત્મા તમને અંદરથી ડંખતો હશે. વારંવાર આવું ‘ખોટું થયું’નાં થર જામતાં જાય તો સમજી જવું કે આપણે પણ ભીતરથી અંધકારમય થવા માંડ્યા છીએ. અને અંતરમાં એક દીવડો પેટાવવાની જરૂર છે. એક દીવો ચોક વચાળે પ્રગટે ત્યારે આસપાસનું તમામ અંધારું તેનાથી જોજનો દૂર ભાગી જાય છે. આપણી અંદર જમા થયેલા અંધકારને દળવા માટે આપણે પોતે દીવો થવું પડશે. ભગવાન બુદ્ધે પણ કહેલું, અપ્પો દીપ્પો ભવ. અર્થાત્ તું જ તારો દીવો થા. દીવાનો અર્થ છે બળવું, બળીને ઝળહળવું. જ્યારે જાત બાળીને જગત અજવાળશો ત્યારે આપોઆપ અંધકારનાં થર ઓગળવા માંડશે.

તમે પેલા માછલી પકનારની વાર્તા સાંભળી છે? એક માણસ વહેલા અંધારામાં માછલી પકડવા જતો, અને અજવાળું થાય ત્યાં સુધી રાહ જોતો. જેવું અજવાળું થાય કે તરત માછલીઓ પકડવા માંડતો. એક દિવસ વહેલા અંધારામાં તેને કિનારેથી એક નાની થેલી જડી. તેણે ખોલી તો અંદર કાંકરા. અજવાળું થાય ત્યાં સુધી કરવું શું? એ થેલીમાંથી કાંકરા કાઢીને એક પછી એક નદીમાં ફેંકીને સમય પસાર કરવા માંડ્યો. સૂર્યનું પહેલું કિરણ તેના સુધી પહોંચ્યું ત્યારે તેની પાસે બે જ કાંકરા હતા, તેમાંથી એક ફેંક્યો ત્યારે તે સૂર્યપ્રકાશમાં ચમકી ઊઠ્યો, અરે! આ શું થયું? તેણે બચેલો છેલ્લો કાંકરો જોયો ત્યારે ખબર પડી કે આ તો સાચા હીરા છે. ઘોર અંધકારમાં તમારા હાથમાં રેહલું કીંમતી ઝવેરાત પણ કાંકરા સમાન લાગતું હોય છે. માટે જ આપણે હૃદયમાં દીવો પેટાવવાનો હોય છે. જેથી આપણી અંદરના હીરાઝવેરાત અંધકારમાં વેડફાઈ ન જાય. આપણી કુટેવોના અંધકારમાં આપણા સુલક્ષણના હીરા વેડફાઈ જતાં હોય છે.

એક દીવો દરેક પદાર્થને તેનું મૂળ સ્વરૂપ આપે છે, અર્થાત્ તેને દૃશ્યમાન બનાવે છે. નહીંતર અંધકારમાં શું સાપ કે શું દોરડું? દીવો કશી જ અપેક્ષા રાખીને નિરંતર બળ્યા કરે છે, તેને કશી પણ અપેક્ષા રાખ્યા વિના બળવાની આવી અદ્ભુત વિદ્યા કોની પાસેથી મળી હશે? જે પળે દીવો પ્રગટે તે પળ શાશ્વત થઈ જતી હોય છે. આ આવનારા પર્વમાં તમે પણ કોઈના જીવનમાં અજવાળું પેટાવી દીવો થવાનો પ્રયત્ન કરજો, તમારા અંતરનો અંધકાર પણ દળાઈ જશે!

અજવાળાનો અહાલેક જગવતા આવા દીવાને પ્રણામ!

લોગઆઉટઃ

હે દીવા! તને પ્રણામ… અંધારામાં કરતો તું તો સૂર્ય-ચંન્દ્રનું કામ

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ! પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ, ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ. હે દીવા! તને પ્રણામ…

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત, હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત! તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ હે દીવા! તને પ્રણામ…

– રમેશ પારેખ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો