પ્રત્યેક આપદાનો આભાર માનવો છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઈનઃ

મારી બધી વ્યથાનો આભાર માનવો છે,
પ્રત્યેક આપદાનો આભાર માનવો છે.

જે હાથ ધોઈને મુજ પાછળ પડી ગયેલી,
મારી એ દુર્દશાનો આભાર માનવો છે.

દુર્ભાગ્ય, ઠેશ, પીડા, આંસુ અને ઉદાસી,
તેડાવી એ બધાનો આભાર માનવો છે.

મારી સફળતા માટે નિમિત્ત જે બન્યા છે,
હરએક એ દગાનો આભાર માનવો છે.

મેં પ્રેમથી પૂછ્યું ’તું, તેં સ્પષ્ટ ‘ના’ જણાવી,
તારા જવાબ ‘ના’નો આભાર માનવો છે.

પગ ખેંચવામાં બાકી રાખ્યું નથી કશુંયે,
એ આપણી કથાનો આભાર માનવો છે.

આભારી છું હું ઈશ્વર મારા અગમ ગુનાનો,
આપેલી તેં સજાનો આભાર માનવો છે.

- યુવરાજસિંહ સોલંકી ‘અગમ’

ગુજરાતી ભાષાના જ્ઞાનપીઠ પુરસ્કૃત કવિ રાજેન્દ્ર શાહનું એક સુંદર ગીત છે. ‘ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર? નાની એવી વીતક વાતનો મચાવીએ નહીં શોર! આભ ઝરે ભલે આગ, હસીહસી ફૂલ ઝરે ગુલમહોર! ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર?’ દુઃખ ત્યાં સુધી જ આપણને પરેશાન કરે છે, જ્યાં સુધી આપણે તેનાથી પરેશાન થતાં રહીએ. એક સામાન્ય વૈજ્ઞાનિક તથ્ય છે કે તમે જેટલા જોરથી દીવાલ પર દડો મારશો એટલો જ જોરથી એ પાછો તમારા તરફ આવશે. દુઃખને જેટલું તમે પંપાળશો એ એટલું જ તમને વધારે વ્યથિત કરતું રહેશે. આભમાંથી સૂરજ જ્યારે કાળઝાળ અગ્નિ વરસાવતો હોય છે ત્યારે પણ ગુલમહોર તો હસીહસીને ફૂલો વેરતો હોય છે.

કવિ યુવરાજસિંહ સોલંકી આ વાતને કંઈક વિશેષ રીતે મૂકી આપે છે. એ કહે છે કે મારે તો મારી દરેક પીડા, દુઃખ, વ્યથા, દગો એ બધાનો આભાર માનવો છે. જનરલી, આપણે કોઈના છળનો શિકાર બનીએ, કોઈના અપમાનનો ભોગ બનીએ, કોઈના નકારનો સામનો કરવાનો થાય, આપદાનો પહાડ માથે આવી પડે, દુર્ભાગ્ય હાથ ધોઈને પાછળ પડ્યું હોય, કર્યો જ ન હોય એવા ગુનાની સજા ભોગવવાની થાય ત્યારે ઘોર નિરાશામાં ધકેલાઈ જઈએ. આપણામાં એક ભયંકર રોષ પાંગરવા માંડે અને સમય જતા એ જ્વાળામુખી થઈને બહાર આવે. અને આપણને આ ગર્તામાં ધકેલનાર માણસોનું ધનોતપનોત કાઢી નાખવાના કારસા ઘડવા માંડીએ.

પણ કવિ અહીં એનાથી અલગ કહે છે. તેમને વિરોધીઓનું વેર નથી વાળવું. પોતાને નુકસાન કરનારને નુકસાન પણ નથી પહોંચાડવું. જાકારો આપનારને કે અપમાનિત કરનારને હડધૂત કરવાની પણ ઝંખના નથી. બસ, બધાને થેન્ક્યુ કહેવું છે. બર્થડે ઉપર કોઈએ ગિફ્ટ આપી હોય અને થેન્ક્યુ કહેવામાં આવે એવું આ થેન્ક્યુ નથી. ગાંધીજીએ કહેલું કે કોઈ એક ગાલે લાફો મારે તો બીજો ધરી દેવો. પણ એવું થતું નથી. બીજો ગાલ ધરવાની આપણી ત્રેવડ નથી, બીજી જ ક્ષણે આપણો હાથ પેલાના ગાલ પર હોય છે. દુઃખના દરિયામાં ડ઼ૂબકાં ખવડાવનારને માફ કરવાની ક્ષમતા ભાગ્યે જ કોઈનામાં હોય છે. સંસ્કૃતમાં કહેવાયું છે – ક્ષમા વીરસ્ય ભૂણષમ્. ક્ષમા એ વીરનું આભૂષણ છે. પણ અહીં તો ક્ષમા કરવાની વાત પણ નથી, ઊલટાનો આભાર માનવાની વાત છે. કેમ આભાર માનવો છે? સુરેશ દલાલે કહ્યું છે તેમ, વેદના જેવી કોઈ વિદ્યાપીઠ નથી. આપણાં દુઃખ, વ્યથા, પીડા આપણને જેટલું શીખવે છે તે કોઈ યુનિવર્સિટી પણ નથી શીખવી શકતી. કોઈના છળને લીધે શિખરથી તળમાં પહોંચી ગયા પછી જાતે ફરી ઉપર આવવામાં જે શીખવા મળે છે, તે જગતના કોઈ ગ્રંથમાંથી શીખવા નથી મળતું. ત્યારે આપણને ભગવાન બુદ્ધ પણ યાદ આવે – અપ્પો દીપ્પો ભવઃ અર્થાત્ તું જ તારો દીવો થા. કોઈ આપણા જીવનમાં અજવાળું પાથરવા આવવાનું નથી. આપણો પ્રકાશ આપણે જાતે સર્જવાનો છે.

જ્યારે કોઈ તમને દુઃખી કરે, તમારી સાથે દગો કરે ત્યારે તેનો બદલો લેવામાં સમય વેડફવા કરતા તેમાંથી બહાર નીકળી નવસર્જન કરવામાં તમારી જાતને હોમી દો. જે સમય તમે વેર વાળવામાં ગાળશો એ જ સમયમાં તમે તમારી જાતને ઉન્નત કરી શકશો. વેર વાળ્યા પછી તો તમે ત્યાંના ત્યાં જ હશો, પણ એ જ સમય જો પોતાની પ્રગતિ પાછળ ખર્ચશો તો વેરના ઝેરથી બચી જશો અને સામેની વ્યક્તિને માફ કરીને – એનો આભાર માનશો તો તેને પણ પોતાના કર્યા પર ભારોભાર વસવસો થશે. કવિ યુવરાજસિંહ સોલંકીની આ ગઝલ જીવનનો ઘણો ઊંડો મર્મ સમજાવી જાય છે.

લોગઆઉટઃ

દુઃખમાં વાળ પીંખવાનો કોઈ અર્થ નથી,
ટાલથી દુઃખ ઓછું થવાનું નથી.

- સિસેરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો