સફળતા મને બેસવાનું કહે છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઈનઃ

સ્વયંથી મને જે નિકટતા મળી છે, એ ખુદથી ઝઘડતા ઝઘડતા મળી છે.

નવાઈ કે એને અચળતા કહે છે, જે ખુદને બદલતા બદલતા મળી છે.

હવે લોકો એની જ ઈર્ષા કરે છે, જે ઠંડક સળગતા સળગતા મળી છે.

સફળતા મને બેસવાનું કહે છે, મને જે રખડતા રખડતા મળી છે.

હું ખાલી થયો છું સતત ભીતરેથી, પછીથી મને આ ગહનતા મળી છે.

લ્યો જગ એ સમજથી પ્રભાવિત થયું છે, જે જગને સમજતા સમજતા મળી છે.

- વિકી ત્રિવેદી

સમયના પ્રવહામાં કશું કાયમી નથી. ગઈ કાલે જે નવું હતું તે આજે જૂનું છે. સાહિત્યને કે દરેક ક્ષેત્રને આ વાત એટલી જ લાગુ પડે છે. ટેકનોલોજીમાં દરરોજ નવું થતું રહે છે. ધર્મ અને વિજ્ઞાનમાં એ જ તો ભેદ છે. વિજ્ઞાન દરરોજ અને નિરંતર અપડેટ થતું રહે છે. જ્યારે ધર્મ રોજ જુનવાણી થતો જાય છે. એટલે ધર્મમાં રહીને માણસ બંધિયારણું અનુભવે છે. વિશ્વમાં ધાર્મિકતાને લીધે જેટલી હાલાકી ઊભી થઈ છે, એટલી કદાચ અન્ય કશાને લીધે નથી થઈ. જોકે એ પણ એટલી જ સાચી વાત છે કે ધાર્મિકતા માણસને આંતરિક સાંત્વના આપે છે. પરંતુ ધર્મોએ પણ સમય સાથે અપડેટ થવું પડતું હોય છે. જોકે અપડેટ થવાની અને નવું કરવાની જેટલી ગતિ ટેકનોલોજીની છે, તેટલી ધર્મની નથી. વળી એ પણ એટલી જ સાચી વાત છે કે ધાર્મિક અંધ્રશ્રદ્ધા જેટલી ખતરનાક છે, એના કરતા અનેકગણી ખતરનાક વૈજ્ઞાનિક અંધશ્રદ્ધા છે. ટૂંકમાં કોઈ પણ અંધશ્રદ્ધા નુકસાન વેરે છે. સતત અપડેટ થતા રહેવું તમામ ક્ષેત્રનો એક પ્રાણપોષક ગુણ છે. મરીઝસાહેબે પણ કહ્યું છે, “નવીનતાને ન ઠુકરાવો નવીનતા પ્રાણપોષક છે, જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા.” એમાંય સાહિત્યમાં તો નવીનતા ખૂબ જરૂરી છે.

બાલાશંકર-કલાપીથી લઈને આજ સુધી નજર કરીએ તો ગુજરાતી ગઝલમાં કેટકેટલા આરોહ-અવરોહ જોવા મળે છે. દરેક સમયના કવિઓએ પોતાના સમયને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે. આજની ગઝલ આજનો પડઘો પાડે છે. અહીં લોગઇન અને લોગઆઉટમાં જે બે ગઝલો લેવાઈ છે, તે પણ નાવિન્યસભર છે. મરીઝ, શૂન્ય, સૈફના સમયે લખાતી કવિતા એ સમયે નવી હતી, ત્યાર બાદ આદિલ મન્સૂરી, ચીનુ મોદી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લના સમયની ગઝલ એ સમયનું વિચારનાવિન્ય રજૂ કરતી. આજની પેઢી પોતાની રીતે મથે છે. જોકે અમુક વિચારો સનાતન છે, જેને જુનવાણી થવાનો કાટ નડતો નથી. જે કવિ આ સનતનપણું કવિતામાં પરોવી શકે, તે લાંબું ટકે છે.

ખેર, વાત કરવી છે વિકી ત્રિવેદીની ગઝલની. વર્તમાન સમયમાં લખતા યુવાકવિઓમાં આ કવિએ ઓછા ગાળામાં સારું કાઠું કાઢ્યું છે. છંદની પ્રવાહિતા અને વિચારની નવીનતા બંને તેની ગઝલમાં ધ્યાન ખેંચે છે.

આધ્યત્મ કે કવિતા, બંનેમાં આખરે તો પોતાના સુધી પહોંચવાના પ્રયત્નો હોય છે. જોકે આ એક મત છે. એક મત એવો પણ છે કે કવિતા થકી જગત સુધી પહોંચવાનું છે, વિશ્વને સમજવાના પ્રયત્નોમાંથી ફિલસૂફી નિપજાવવાની છે. કવિ જગત સાથે માનસિક યુદ્ધે ચડે છે, તેમાં ઘવાય છે, પોતાના આ ઘાવને શબ્દોમાં પરોવીને કવિતાની સાદડી વણે છે. જગત સાથેનો ઝઘડો જ કદાચ જાત સુધી લઈ જતો હશે. બહારના દરવાજા બંધ થાય પછી જ કદાચ અંદરની કોઈ ગુપ્ત બારી ખૂલતી હશે. એ બારીમાંથી જગત પહેલાં જેવું દેખાતું હતું તેનાથી વિશેષ દેખાતું હોય છે. વિચારોના સાગરમાં ડૂબકી મારનાર મનોમંથનની મોતી લાવી શકે. કવિતા એ મનોમંથનના મોતીને દોરામાં પરોવવાના પ્રયત્નો છે. આમ તો એવું પણ કહેવાય છે કે મહાભારતમાં બધું કહેવાઈ ગયું છે, હવે કોઈએ કશું કહેવાનું રહેતું નથી. છતાં રોજ સેંકડો પ્રકારનું સાહિત્યસર્જન થાય છે, થતું રહે છે. મૂળ વાત રજૂઆતની પણ છે. વર્ષો પહેલાં કહેવાઈ ગયેલી વાત, આજે નવી રીતે રજૂ થતી હોય છે ત્યારે એ જુદી રીતે સ્પર્શતી હોય છે.

વિકી ત્રિવેદીની આ ગઝલમાં ચોક્કસ નાવિન્ય અને આકર્ષક રજૂઆત છે. આવું સર્જન નિરંતર થતું રહેવું જોઈએ. તેમના જેવા અન્ય યુવાનો કવિતાસાગરમાં પોતપોતાનું નાવડું લઈને કવિતાના સાગરખેડૂ બને તો વહેલામોડા શબ્દના હીરા-મોતી-ઝવેરાત ચોક્કસ સાંપડે, જરૂર માત્ર મરજીવા બનવાની છે. ખેર, અત્યારે તો વિકી ત્રિવેદીની જ એક અન્ય ગઝલમાં ડૂબકી મારીએ.

લોગઆઉટઃ

મારા વિશે જે સઘળા સમાચાર રાખે છે, અવગણના એમની મને બીમાર રાખે છે.

મંજિલને જોઈ લઉં તો રખે રસ મરી જશે, આભાર કે તું માર્ગ સર્પાકાર રાખે છે.

એનાં જ પગલાં હોય છે વર્ષો સુધી અહીં, જેના ખભે તું બોજ વજનદાર રાખે છે.

કેવી રીતે ક્યાં ચાલવું સમજાવતી રહી, મારા ઉપર તો ઠોકરો પણ પ્યાર રાખે છે.

મંદિરમાં જઈને મેં યદી બારાખડી કહી, સમજ્યો ન કંઈ જે ખુદને નિરાકાર રાખે છે.

એથી તો મારો ખુલ્લો અહંકાર સારો છે, જેઓ ‘અહમ નથી’નો અહંકાર રાખે છે.

- વિકી ત્રિવેદી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો