મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઇનઃ

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે; આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે.

છે ને કલ કોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ; એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે.

એક પલકારે જ જો વીંધાય તો વીંધી શકો; બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે!

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું; શબ્દનું એની કને કંઈ ક્યાં ઊપજતું હોય છે!

એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી; એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.

- રાજેન્દ્ર શુક્લ

સરળ ભાષામાં ગહન વિચાર કઈ રીતે રજૂ કરી શકાય તે રાજેન્દ્ર શુક્લની કવિતામાંથી શીખવા જેવું છે. ગુજરાતી ભાષાના ઋષિકવિ સમા આ કવિની રચનાઓમાં ગેબનો નાદ છે, તો ગુલાબની મહેક પણ છે. એ ‘ગોરખ આયા’ ગાઈ શકે છે, તો ઊંટ પર અંધારું પણ મૂકી શકે છે. મનની વાંકીચૂકી ગલીઓને ગૌરવભરી ભાષામાં પરોવીને રજૂ કરતા આ કવિની રચનાઓ હૃદય અને મન બંનેને શાતા આપે એવી છે.

આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે, ત્યારે મન વિશેની આ કવિતા વાંચવા જેવી છે. આપણે વાતેવાતે મનને સમજાવવામાં પડ્યા રહીએ છીએ. દિવસ ઊગ્યાથી લઈને આથમે ત્યાં સુધી મનની વ્યથાકથામાં અટવાયા કરીએ છીએ. તેને અલગ અલગ રીતે સમજાવવા મથતા રહીએ છીએ. ખાવાથી લઈને ન્હાવા સુધી, ઑફિસથી લઈને ઘર સુધી, મિત્રોથી લઈને સ્વજનો સુધી દરેક કામે, દરેક ઠામે, દરેક સામે અને દરેક નામે, ઇચ્છા હોય કે ન હોય, મનને સમજાવ્યા કરીએ છીએ. મન માને કે ન માને છતાં સંજોગની સડક પર પોતાને ચલાવ્યા કરીએ છીએ. ઘણી વાર આપણે જ આપણી પાછળ ઢસડાયા કરતા હોઈએ છીએ. મનના ન માનવા પર હેમેન શાહનો એક સરસ શેર છે, “મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ, કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.”

કવિ તો મન વલોવીનો જે વિચારનું માખણ મળે તે જગત સામે ધરતો હોય છે. જગત તેનો સ્વાદ લે, ન લે, એ જગત પર છે. મનની આવી છૂપી છતાં ખુલ્લી વાતો રાજેન્દ્ર શુક્લ અને હેમેન શાહે સરળ છતાં ધારદાર રીતે કરી છે. આપણે તેમની વાત સમજ્યા પણ ખરા, છતાં મન ન માને તેવી જગાએ જવા માટે હવાતિયાં માર્યાં કરીએ છીએ. પોતાની ઇચ્છા કે અનિચ્છાનું ધૂંસરું આપણા મનની કાંધે નાખ્યા કરીએ છીએ. અને આપણું ગાડું ચાલતું રાખવાના પ્રયત્નો આદરતા રહીએ છીએ. દરેક પીડા કે આનંદના મૂળમાં મન તો હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ દરેક ક્યાંથી જાગે છે? આપણા મનની ભૂમિમાંથી જ તો ઊગે છે એ બધું! આપણે ચિત્તની ધરામાં આપણી સારી-નરસી લાગણીઓને વાવી દઈએ છીએ અને પછી ‘જેવું વાવો તેવું ઊગે’ એ ન્યાયે તે ફૂલેફૂલે છે. તમે બાવળ વાવો તો આંબાની ઇચ્છા ક્યાંથી રાખી શકો? ક્રોધ રોપો તો સ્મિતનું ફળ મળે એવી ઝંખના વ્યર્થ છે. મન એ તો આપણી વૃત્તિનો વેપાર કરે છે અને આપણે તેને સમજાવવામાં પડ્યા છીએ. તીવ્ર કોલાહલમાં એ શાંત થઈને પડ્યું રહે અને પ્રગાઢ શાંતિમાં બૂમાબૂમ કરી મૂકે એવું બને. કવિ ચિનુ મોદીએ તો મનને ગાળ દઈને કવિતા લખી છે, “માદરબખત મન, જો તારે હોત તન, અંગે અંગે કાપત તને, ઘાએ ઘાએ મીઠું ભરત;” મનથી કંટાળેલો માણસ પણ કદાચ આવું મનોમન મનને જ ભાંડતો હોય તેવું બને!

મનના તાગ કોણ તાગી શક્યું છે? આપણા ભાવો મનના છાલિયામાં કઈ રીતે ઊભરાય છે તે આપણે પોતે પણ સમજતા નથી હોતા. કવિ રાજેન્દ્ર શુક્લએ આ ગઝલના પ્રત્યેક શેરમાં મનની જુદી જુદી દશા-દિશા સુપેરે વ્યક્ત કરી છે. કવિ હરીન્દ્ર દવેએ મનને મહોબ્બત કરવાનું કાવ્યત્મક ઇજન આપ્યું છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

રે મન, ચાલ મહોબ્બત કરીએ નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે

રહી રહીને દિલ દર્દ ઊઠે ને દોસ્ત મળે તો દઈએ, કોઈની મોંઘી પીડ ફક્ત એક સ્મિત દઈ લઈ લઈએ, પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ. રે મન, ચાલ મહોબ્બત કરીએ

દુનિયાની તસવીર ઉઘાડી આંખ થકી ઝડપી લે, છલકછલક આ પ્યાલો મનભર પીવડાવી દે, પી લે, જીવનનું પયમાન ઠાલવી દઈ શૂન્યતા ભરીએ. રે મન, ચાલ મહોબ્બત કરીએ

- હરીન્દ્ર દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો