અમે કહેતા નથી ચાલે છે રાવણરાજ, ગાંધીજી!

ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં 
દર રવિવારે આવતી કૉલમ
‘અંતરનેટની કવિતા’
નો લેખ 

લોગઈનઃ

અમે કહેતા નથી ‘ચાલે છે રાવણરાજ’ ગાંધીજી,
તમે ચાહ્યું હતું તેવું નથી કંઈ આજ, ગાંધીજી!

તમારી રામધૂનોમાં હવે ખખડે છે ખુરશીઓ,
તમારો રેંટિયો કાંતે છે કોનું રાજ, ગાંધીજી?

અમે અંગ્રેજથી કંઈ કમ નથી, સાબિત કરી દીધું,
રહ્યું’તું જે હજી બાકી કર્યું તારાજ ગાંધીજી.

હું ભીંતો પર તમારા હસતા ફોટા જોઉં છું ત્યારે,
વિચારું છું થયાં છે ક્યાં હજી નારાજ ગાંધીજી.

કદી ‘આદમ’ સમાધિ પર જઈને આ તો કહેવું છે,
તમે એક જ હતા, ને છો, વતનની લાજ, ગાંધીજી!

- શેખાદમ આબુવાલા

ગાંધીજી ગોળમેજી પરિષદમાં જઈ રહ્યા હતા ત્યારે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કાવ્ય લલકારેલું, ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ.’ ખબર હતી કે ત્યાં બાપુને પૂરું સન્માન નથી મળવાનું, છતાં દેશને ખાતર કડવો ઘૂંટ પીવા તે ગોળમેજી પરિષદમાં જાય છે, સામે ચાલીને અપમાન વહોરે છે. તેમની આ સ્થિતિને ભીતરથી અનુભવીને એક કવિ પોકારી ઊઠે છે કે ઝેરનો કટોરો બાપુ તમે પી જજો. કેમ કે તમે તો સાગર પીનારા છો. તમારાથી અંજલિ કઈ રીતે ઢોળી શકાય?

ગઈ કાલે બાપુનો જન્મ દિવસ હતો. ગાંધીજીનો જન્મ ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ છે. આજે એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેમનો પ્રભાવ ન હોય. ગાંધી આવી ભૂમિમાં જ પેદા થઈ શકે. કેમ કે આ બુદ્ધ અને મહાવીરની ભૂમિ છે. નરસિંહ અને મીરાંની ભૂમિ છે, કબીર અને નાનકની ભૂમિ છે. રામ, રહિમ, ઈસુ, જરથ્રુષ્ટ કે યહોવા સૌ એક પંગતમાં આવકાર આપે તેવી આ ભૂમિ છે. અહીં ગાંધી ન જન્મે તો જ નવાઈ! સત્ય અને અહિંસા આ ધરતી પર વર્ષોથી પાંગરે છે. ગાંધીએ તો તેને ઉછેરવાનું કામ કર્યું છે. પોરબંદરમાં પાંગરેલું સત્ય સાઉથ આફ્રિકા જઈને વધારે મજબૂત થઈને પાછું આવે છે. નેલ્સન મંડેલાએ કહેલું, “તમે અમારે ત્યાં મોહનદાસ કરમચંદ ગાંધી મોકલ્યા, અને અમે તેમને મહાત્મા બનાવીને તમને પાછા આપ્યા.”

જો ગાંધી ભારતમાં ન જન્મ્યા હોત તો આ દેશ કેવો હોત? ગાંધીજી તો આજીવન પોતાના સિદ્ધાંતોની કેડી પર ચાલ્યા, પણ શું આપણે તેમના પગલે પગલે ચાલી શક્યા ખરા? આજે ગાંધીવિચારને ગાંધીવાદમાં ખપાવી નાખવામાં આવે છે, શું ગાંધી પોતે ગાંધીવાદમાં માનતા હતા ખરા? તેઓ તો એમ કહેતા હતા કે મારા પોતાના વિચારોમાં પણ જો ભેદ જણાય તો છેલ્લો વિચાર અંતિમ ગણવો. ગાંધીજીએ પોતે પોતાના સપનાનું ભારત કલ્પેલું. ‘મારા સપનાનું ભારત’ નામનું તેમનું પુસ્તક વાંચવા જેવું છે. પણ શું આજે જે ભારત છે, તે ગાંધીજીના સપનાનું છે ખરું? આવા પ્રશ્નોના જવાબમાં શેખાદમ આબુવાલા જેવો કવિ જ હળવેથી કહી શકે કે બાપુ, અમે સાવ એવું તો નહીં કહીએ કે આજે રાવણરાજ ચાલી રહ્યું છે, ચારેબાજુ અંધકાર વ્યાપી વળ્યો છે, પણ એટલું ચોક્કસ છે કે તમે જે ઇચ્છ્યું હતું તે ભારત આ નથી. બાપુ તો નાનામાં નાના માણસને અન્યાય ન થાય તેની પૂરતી કાળજી લેનાર હતા.

જુઓને, પેટ્રોલના ભાવ 100ને પાર થઈ જાય, તેલના ડબ્બાની કિંમત પચ્ચીસો ઉપર જતી રહે, ગેસના બાટલાથી લઈને શાકભાજીના ભાવ આસમાનને આંબતા હોય, મોંઘવારી માઝા મૂકતી હોય છતાં કોઈના પેટનું પાણી ન હલે! ગાંધી હોત તો અત્યારે નવરા બેઠા જ ન હોત. એ નક્કી ઉપવાસ પર ઊતર્યા હોત, સત્યાગ્રહ કર્યો હોત કે લેખો લખ્યા હોત. પ્રજાના પ્રશ્નોને તેમણે ન્યાય આપવા પૂરો પ્રયત્ન કર્યો હોત. પણ હવે રામધૂનમાં ખૂરશીઓ ખખડે છે, પ્રજા ગોતી દેખાતી નથી. આપણે સાબિત કરી દીધું કે અમે પણ અંગ્રેજોથી કમ નથી. જે કંઈ છે તે બધું તારાજ કરીને જ ઝંપીશું. આવી વિકટ પરિસ્થિતિમાં એક કવિ ભીંત પર લટકતા ગાંધીજીના ફોટાને જોઈને એટલું જ વિચારે કે બાપુ શેના લીધે નારાજ થયા હશે? જોકે આજે લોકોને ભીંત પર પણ ગાંધી નથી ગમતા. હા, તેમને ખિસ્સામાં ગાંધી જોઈએ છે.

ભારતની ભોમને જીવની જેમ ચાહતો, ચર્ચિલની ભાષામાં કહીએ તો નગ્ન ફકીર, રાજઘાટ પર કાયમ માટે પોઢી ગયો એનેય વર્ષો વીતી ગયાં. મરતા સુધી સતત પ્રવૃત્ત રહેનાર અને રાતદિન દેશ માટે વિચારનાર આ મહાત્માની સમાધિ જોઈને કવિ હસમુખ પાઠકે નાનકી કવિતા દ્વારા તેમને અદ્ભુત અંજલિ આપેલી. તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટઃ

આટલાં ફૂલો નીચે
ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી.

- હસમુખ પાઠક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો