બોર્ડની પરીક્ષા - ઓ પરમેશ્વર! તારી માથે છે કંઈ આવો બોજ?


લોગઇનઃ
પેલ્લે નંબર પાસ થવાનું રોજ,
ઓ પરમેશ્વર
! તારી માથે છે કંઈ આવો બોજ?
તારે માથે મોરપીચ્છ બસ; એનો ક્યાં કંઈ ભાર?
ગોવર્ધન તો ઠીક; આવી ઉપાડ મારું દફતર તું એક વાર!
હોમવર્કના કાળીનાગને નાથ હવે તો નાથ!
રોજ ટેસ્ટના કુરુક્ષેત્રમાં લડું હું એકલહાથ!
સામે પાછી ઊભી કેવડી ટેક્સ્ટબુકની ફોજ!
ઓ પરમેશ્વર! તારી માથે છે કંઈ આવો બોજ?
મમ્મી, પપ્પા કે ટીચર, સૌ ટોકટોક બસ કરતાં,
સ્પેલિંગના સત્તરશિંગા નીંદરમાં બટકાં ભરતાં,
હોઉં બધાની સાથે તોયે બધુંય આઘું-આઘું,
ખૂબ ભણું ને તોય મને હું સાવ ઠોઠડો લાગું.
ટેન્સ રહું બસ સ્કૂલ બાબતે, કશેય ક્યાં છે મોજ?
ઓ પરમેશ્વર! તારી માથે છે કંઈ આવો બોજ?
કિરીટ ગોસ્વામી
બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. પેનરૂપી તલવાર લઈને પરીક્ષા નામના યુદ્ધમાં વિજયી થવા માટે વિદ્યાર્થીઓ ઝઝૂમી રહ્યાં છે. આજકાલ સ્કૂલેસ્કૂલે વિવિધ પરીક્ષાઓ લેવાની ફેશન છે. દર અઠવાડિયે ફરજિયાત ટેસ્ટ. વળી આ ટેસ્ટમાં દરેક માબાપ એવું ઇચ્છતાં હોય કે મારું બાળક પ્રથમ આવે. હવે, બધાનાં બાળકો તો ક્યાંથી પહેલે નંબરે આવે? બાળકને પહેલે નંબરે લાવવાની માબાપની ઘેલછા બાળકને સ્ટ્રેસની અંધારી ઓરડીમાં પૂરી દે છે. વિદ્યાર્થી પર રહેતા પરીક્ષાના બોજની વાત કિરીટ ગોસ્વામીએ બખૂબી કરી છે. કિરીટ ગોસ્વામી બાળવાર્તા, પ્રસંગલેખો, કવિતા જેવાં વિવિધ સ્વરૂપોમાં સુંદર કાર્ય કરે છે. તેમનું આ ગીત વિદ્યાર્થીની મનોદશા પર સીધી આંગળી ચીંધી આપે છે. પરીક્ષાના આ માહોલમાં આ ગીત ખૂબ પ્રાસંગિક છે.
માતાપિતા બાળકૃષ્ણની મોજમસ્તીનાં ગીતો ગાતાં હોય છે, બાળકૃષ્ણ ગોપીઓની મટુકી ફોડે, ગાયો ચારવા જાય, માખણ ચોરે, ગોવાળો સાથે મોજમસ્તી કરે... આવી બધી કૃષ્ણની આનંદી લીલાઓને માબાપ રાજી થઈ થઈને ગાય છે. પણ કૃષ્ણ સ્કૂલે ગયાં, પરીક્ષા આપી, કેટલા માર્ક્સ આવ્યા, કયા નંબરે પાસ થયા, એવાં ગીતો નથી ગાતાં. આ કેવો વિરોધાભાસ કહેવાય! જે માતાપિતા કૃષ્ણની બાળલીલાનાં આનંદગીતો ગાય છે, એ જ માબાપ પોતાનાં બાળકૃષ્ણને પરીક્ષાની સાંકળે બાંધે છે!  અને આ કોઈ એક ઘરનો પ્રશ્ન નથી. દરેક ઘરે આ સમસ્યા છે. પેલી કહેવત છે ને ઘેરઘેર માટીના ચૂલા એના જેવું છે, જોકે હવે તો આ કહેવત બદલીને ઘેરઘેર ગેસના ચૂલા કરવી જોઈએ.
વિદ્યાર્થી દરરોજ હોમવર્કના કાળીનાગને નાથવા મથે છે. કૃષ્ણ તો ગેડીદડે રમતા રમતા દડો પાણીમાં પડી ગયો એટલે કાળીનાગ સાથે યુદ્ધે ચડ્યા હતા. અહીં બાળકને એવું રમવા ક્યાં મળે છે. અહીં તો ગેડીદડાની બાદબાકી છે, માત્ર કાળીનાગ સાથેની લડાઈ જ છે. રોજ પાનાંનાં પાનાં ભરીને હોમવર્ક આપી દેવામાં આવે છે. હોમવર્ક સાપની જેમ ફેણ ચડાવીને વિદ્યાર્થી સામે ઊભું રહે છે, બાપડો શું કરે? એને ય લાગતું હશે કે આની કરતાં તો કૃષ્ણનો કાળીનાગ નથવો સહેલો છે!
વાતેવાતે શિક્ષકો પરીક્ષાની લાલબત્તી ધર્યા કરે છે. માબાપ એને આ પરીક્ષાની નદીમાં તરવા માટે સતત હલેસાં મારતા રહેવાનું કહ્યા કરે છે. સવારે ઊઠવાથી લઈને રાતે સૂવા સુધી પરીક્ષા... પરીક્ષા ને પરીક્ષા... સતત પરીક્ષા નામની પૂતના ડાકણ વિદ્યાર્થીની આસપાસ ફરતી રહે છે. સપનામાંય ગણિતના દાખલા, વિજ્ઞાનના પ્રયોગો, કવિતાઓ, સ્પેલિંગ્સ એવું બધું આવ્યા કરતું હોય છે. પંદર પંદર કલાક તૈયારી કર્યા પછી પણ એમ લાગે કે હજી તો ઘણું બાકી રહી ગયું છે. હજી તો હું ઠોઠ જ છું, હોશિયાર નથી થઈ શક્યો. તૈયારીના ટેન્શનમાં ક્યાંય મન નથી લાગતું.
એમાં ય રાત-દિવસ મહેનત કર્યા પછી જો યોગ્ય રિઝલ્ટ ન આવે તો વિદ્યાર્થી સાવ નિરાશ થઈ જાય છે. પરીક્ષાની હાર તેને જિંદગીની હાર લાગે છે અને તે જીવન ટૂંકાવવાનો નિર્ણય કરી બેસે છે. તેને ચિંતા હોય છે કે માબાપને શું મોઢું બતાવીશ? કેમકે માતાપિતાએ પરીક્ષાનો એટલો બધો બોજ એની ઉપર મૂકી દીધો હોય છે કે સારા માર્કે પાસ ન થાય તો બાળકને મોઢું બતાવવું મુશ્કેલ થઈ જાય. માતાપિતાએ સમજવાની જરૂર છે, વિદ્યાર્થીના જીવનમાં અભ્યાસનું મહત્ત્વ છે, પરંતુ તેને માર્ક્સના ત્રાજવે ન તોલો. પોતાના બાળક સાથેનો વ્યવહાર એવો જ રાખવો કે થાય એટલી મહેનત કરવી અને ઓછા ગુણ આવે તોય ચિંતા ન કરવી, કેમકે પરીક્ષા જ બધું નથી. નાપાસ થાનારા કે ઓછા માર્ક્સ લાવનારા પણ ખૂબ સફળ થયા છે. ધીરુભાઈ અંબાણી અને સચિન તેંડુલકર એનો જગજાહેર દાખલો છે. માટે વિદ્યાર્થીઓએ એવી ચિંતા ન કરવી.
લોગ આઉટઃ
માર્ક ઓછા આવવાથી એ મર્યો,
એ હજું જીવે છે જે નાપાસ છે.
- વિપુલ અમરાવ
(ગુજરાત સમારની રવિપૂર્તિમાં આવતી કોલમ 'અંતરનેટની કવિતા'નો લેખ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો