લોગઇનઃ
મને આ કહેતા જરાયે શરમ નથી લાગતી કે
બોસનિયામાં, કાશ્મીરમાં અને
એની પહેલાં પંજાબમાં, એની પહલાં ખાડીમાં
રક્તપાત છે, લૂંટફાટ છે, બળાત્કાર છે...
પણ મને ઈશ્વરમાં વિશ્વાસ છે, વિશ્વાસ છે...
બોસનિયામાં, કાશ્મીરમાં અને
એની પહેલાં પંજાબમાં, એની પહલાં ખાડીમાં
રક્તપાત છે, લૂંટફાટ છે, બળાત્કાર છે...
પણ મને ઈશ્વરમાં વિશ્વાસ છે, વિશ્વાસ છે...
મને આ કહેતા જરાયે શરમ નથી લાગતી કે
વહુ દાઝીબળી રહી છે,
છોકરી વેચાય છે,
ગર્ભમાંયે એનો સંહાર થાય છે,
તો પણ પ્રકૃતિ અને પુરુષ વચ્ચે અતૂટ પ્રેમ છે, પ્રેમ છે...
વહુ દાઝીબળી રહી છે,
છોકરી વેચાય છે,
ગર્ભમાંયે એનો સંહાર થાય છે,
તો પણ પ્રકૃતિ અને પુરુષ વચ્ચે અતૂટ પ્રેમ છે, પ્રેમ છે...
મને આ કહેતાં જરાયે શરમ નથી લાગતી કે
બાળક ભૂખ્યું છે,
યુવાન બેકાર છે,
બુઢ્ઢા પર અત્યાચાર છે,
તો પણ આકાશથી નદી સુધી ગતિ છે, ઋતુ છે, શૃંગાર છે...
બાળક ભૂખ્યું છે,
યુવાન બેકાર છે,
બુઢ્ઢા પર અત્યાચાર છે,
તો પણ આકાશથી નદી સુધી ગતિ છે, ઋતુ છે, શૃંગાર છે...
– સુનિતા
જૈન (અનુવાદઃ જયા મહેતા)
પ્રકૃતિ ચાલતી જ રહે છે. સમય ક્યારેય થોભતો નથી. આપણે
જ્યારે બેઠા હોઈએ ત્યારે પણ ગતિમાં હોઈએ છીએ. જવાહર બક્ષીનો શેર યાદ કરવો પડે, ‘અટકવું એ ય
ગતિનું જ કોઈ રૂપ હશે, હું સાવ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.’ આપણે બેસી રહ્યા હોઈએ ત્યારે પણ પ્રકૃતિ તો પોતાની ગતિમાં જ હોય છે, સમય
તો ચાલતો જ રહેતો હોય છે. આપણા ઊંઘી જવાથી સૂર્ય ઊંઘી જતો નથી, ગ્રહો-નક્ષત્રો
પોતાની ગતિ અટકાવી દેતાં નથી. એ તો આપણી અને સમગ્ર બ્રહ્માંડની ઉંમર વધારવાનું કામ
કર્યા જ કરે છે. થોભી જવું એના સ્વભાવમાં જ નથી. એક નદીમાં બે વખત ક્યારેય નાહી
શકાતું નથી. તમે ગઈ કાલે નાહ્યા હતા એ પાણી તો ક્યારનું વહી ગયું, અત્યારની સપાટી
અલગ છે, વ્હાણ અલગ છે, તેમાં રહેલું જળત્ત્વ અલગ છે. પ્રકૃતિ દરેક પળે પ્રવાહિત
થતી રહે છે. હરક્ષણે બદલાતી રહે છે.
તમને જ્યારે એમ લાગે કે બધું જ થંભી ગયું છે, ત્યારે પણ કશુંક
સતત વેગવંતું હોય છે. ગતિ સંસારનો નિયમ છે. કોરોનાને લીધે થયેલી મહામારીથી કશું
અટકવાનું નથી. દુકાનો-બજારો અને અમુક માનવીય કામકાજ બંધ રહેશે, પણ એ વખતે ય ઝાડ પર
કૂંપળ ખીલવાની ગતિ ચાલુ જ હશે. તમારી હોજરી ભૂખ લગાડવાનું કામ બંધ નહીં કરી દે.
તમારામાં માથામાં રહેલા વાળને સફેદ બનાવવાનું સૂક્ષ્મ કામ કોઈ તત્ત્વ કરતું હશે,
ને તમને ખબર પણ નહીં હોય. પ્રકૃતિ અટક્યા વિના ઘઉંના છોડને ઉછેરી રહી હશે, તેમાં
રહેલાં દાણાને પકવી રહી હશે. કદાચ આ ગતિ એ જ પરમ સત્ય છે, એ જ ઈશ્વર છે. પરિવર્તન
સિવાય બધું જ પરિવર્તનશીલ છે.
એટલે જ કદાચ કવયિત્રીએ જુદી જુદી કુરૂપતા તરફ આંગળી ચીંધીને
કહ્યું કે મને આવું કહેવામાં જરા પણ શરમ નથી. કેમકે માણસમાં મહામારી આવે, પરસ્પર ઝઘડા થાય,
બળાત્કારો થાય, કોમવાદ થાય, દંગા થાય, પણ તોય પ્રકૃતિ તો પોતાનું કામ કરતી જ
રહેવાની છે. આ બધા વચ્ચે પણ કવિને ઈશ્વરમાં વિશ્વાસ છે. તેમને શ્રદ્ધા છે કે બધું
ઠીક થઈ જશે. ક્યાંક કુરૂપતા છે, તો ક્યાંક સુંદરતા પણ છે. એક બાજુ વહુ આગમાં બળે
છે, છોકરીઓ બજારમાં વેચાવા સુધીની શરમજનક ઘટનાઓ ઘટે છે, છતાં કવિને આ બધું કહેવામાં
શરમ નથી કે પ્રકૃતિમાં અતૂટ પ્રેમ રચાઈ રહ્યો છે. આવું કેમ કહે છે કવિ? કેમકે
એને સંસારની ગતિના નિયમમાં શ્રદ્ધા છે. એને ખબર છે કે આજ વીતી ગઈ, કાલ આવશે, કશું
અટકશે નહીં. ક્યાંક ખરાબી છે, તેની સામે ક્યાંક સારાપણું પણ છે. ભૂખ્યા બાળકના
ટળવળાની વાત થતી હોય, યુવાનોની આકરી બેકારીની ચર્ચા થતી હોય, વૃદ્ધો પર થતા
અત્યાચાર ઉલ્લેખાતા હોય અને આપણે સુંદરતાની વાત કરીએ તો લોકો કહેશે તને શરમ નથી
આવતી અત્યારે આવી વાત કરતા?
પણ કવિ પહેલાં જ કહે છે કે મને આવું કહેતા શરમ નથી આવતી.
કેમકે રમેશ પારેખે કહ્યું છે તેમ, ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની, બીજી બાજુય
છે એવી કે રણ મળે તમને! કુરૂપતા જેટલી સાચી છે, સુંદરતા પણ એટલી જ
સાચી છે. મિસ્કીન સાહેબની ગઝલથી લોગઆઉટ કરીએ.
લોગઆઉટ
રાત-દિવસ કૈં લાગે હરપળ, એ પણ સાચું આ પણ સાચું,
અંધારે આ કેવી ઝળહળ, એ પણ સાચું આ પણ સાચું.
અંધારે આ કેવી ઝળહળ, એ પણ સાચું આ પણ સાચું.
ભીતર શુંય ગયું દેખાઈ ભણતર સઘળું ગયું ભુલાઈ,
કહેતું ફરું છું સૌની આગળ, એ પણ સાચું આ પણ સાચું.
કહેતું ફરું છું સૌની આગળ, એ પણ સાચું આ પણ સાચું.
અપમાનિત કે સન્માનિત હો, બેઉ ખેલ છે બંને ખોટા,
કાં તો સ્વીકારીલે હરપળ, એ પણ સાચું આ પણ સાચું.
કાં તો સ્વીકારીલે હરપળ, એ પણ સાચું આ પણ સાચું.
સપનામાંથી જાગ્યો જ્યારે એ પળમાં મુંઝાયો ભારે,
અંદર બાહર આગળ પાછળ, એ પણ સાચું આ પણ સાચું.
અંદર બાહર આગળ પાછળ, એ પણ સાચું આ પણ સાચું.
કોઈ કાલમાં શું બંધાવું કેવળ ખળખળ વહેતા જાવું,
મિસ્કીન આનું નામ છે અંજળ, એ પણ સાચું આ પણ સાચું.
મિસ્કીન આનું નામ છે અંજળ, એ પણ સાચું આ પણ સાચું.
- રાજેશ
વ્યાસ મિસ્કીન
(ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં આવતી કોલમ 'અંતરનેટની કવિતા'નો લેખ)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો