સોરી! (એક ખેતમજૂરી કરતા કવિની ઉક્તિ)

પરોઢે સૂર્યએ પોતાનો ચૂલો સળગાવ્યો
ત્યારે અમે અમારા ટાઢાબોળ ચૂલાની બાજુમાં બેઠા હતા જાગતાં...
એવું નથી કે મને સ્પર્શતું નથી આ મૃદુ ઝાકળ
ગમે છે,
પણ પરોઢના ગર્ભમાં પાંગરેલું આ ઓસ
સુંવાળા ઘાસ પર બેસીને તેની મહાન ગાથા સંભળાવે તે પહેલાં
મારી માના હાથમાં ઊપસી આવેલા ફોલ્લા
એની વાર્તા શરૂ કરી દે છે
ઝાકળ પોતાને મોતી સિદ્ધ કરે તે પહેલાં
પગમાં પડેલા ઢીમડાં
પોતાને કોહિનૂર સાબિત કરી ચૂક્યા હોય છે
પરોઢે કમલ સરોવરે અંગ જબોળાય’ની કલ્પનાને ટાણે તો

અમે ધૂળમાટીથી રગદોળાઈને થઈ ગયા હોઈએ છીએ પરસેવે રેબઝેબ...

વંદન! વરસતા વરસાદની દોમદોમ સાહ્યબીને બે હાથે વંદન!
પણ મને તો ધોધમાર વરસાદમાં માથું ઢાંકતા છાપરાની કલ્પના વધારે વહાલી લાગે છે

મને યાદ છે,
એક દી કોલસાની ભઠ્ઠીમાં કામ કરતાં મા દાઝી ગયેલી
એક મોટા અર્ધ વર્તુળાકાર ફરફોલા સાથે ઊપસી આવેલા અનેક ફોલ્લા શરીર પર
મને તેમાં દાઝી ગયેલો ચંદ્ર ને સેંકડો બુઝાતા સિતારા દેખાયેલા
બસ આટલું નાનું (પ્રકૃતિ?) કાવ્ય રચાયું હતું ચિત્તમાં....
મારું કલ્પનાશીલ મો જોઈ માએ પૂછેલું
ધરાએલો લાગે છે, કંઈ ખાઈને આવ્યો કે શું?

હું કશું બોલ્યો નહીં,
કયા મોઢે કહેવું કે ભરપેટ ગાળો ખાધી છે શેઠની...

તમે જ્યારે ‘સીમ દોમદોમ તડકામાં નહાય’નું અદ્ભુત કલ્પનાચિત્ર રજૂ કરો છો,
ત્યારે મારી હોજરીમાં તપતું હોય છે એક ગીતનું મુખડું, કે-
આખું આકાશ એક ધગધગતો ચૂલો ને સૂરજ એક શેકાતી રોટલી...’


તમે કહો છો,
સમી સાંજે સૂરજ કેવા અદ્ભુત રંગો પૂરે છે ક્ષિતિજ પર, નહી?’

આઈ એગ્રી,
લાખલાખ સલામ એના કેસરિયાપણાને!
કિરણોની ફરતી પીંછીને!
પણ અમારા જીવનમાંથી બુઝાઈ ગયેલો સૂર્ય
મને ક્ષિતિજના રંગોની કલ્પના નથી કરવા દેતો...
મને તો તેમાં મારી માના સેંથીના આકાશમાંથી આથમી ગયેલા સૂર્યને કારણે
ભૂંસાયેલા સિંદૂરના લાલપીળા ડાઘા દેખાય છે,
જેને હું કોઈ જ રીતે સાફ નથી કરી શકતો...
પ્રકૃતિએ સર્જેલી મસમોટી ઊંડી ખીણ કરતાં
મને પેટનો ખાડો વધારે ઊંડો લાગે છે.

પ્લીઝ! એવું ન સમજતા કે હું પ્રકૃતિનો ચાહક નથી
પણ હાલ પૂરતું
હું તેનું કાવ્ય સર્જી શકું તેમ નથી, સોરી!

- અનિલ ચાવડા
આ કવિતાનો વીડિયો પણ જુઓઃ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો