દામ્પત્યજીવનની મીઠી નોંકઝોંક


લોગઇનઃ

લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડુલિયે સીતાએ વેર વાળ્યાં જો!

રામ! તમારે બોલડીએ હું પરઘેર બેસવા જઈશ જો!
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું પરઘેર દળવા જઈશ જો!
તમે જશો જો પરઘેર દળવા, હું ઘંટુલો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું પરઘેર ખાંડવા જઈશ જો!
તમે જશો જો પરઘેર ખાંડવા, હું સાંબેલું થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું જળમાં માછલી થઈશ જો!
તમે થશો જો જળમાં માછલી, હું જળમોજું થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું આકાશ વીજળી થઈશ જો!
તમે થશો જો આકાશ વીજળી, હું મેહુલિયો થઈશ જો!

રામ! તમારે બોલડીએ હું બળીને ઢગલી થઈશ જો!
તમે થશો જો બળીને ઢગલી, હું ભભૂતિયો થઈશ જો!

લોકગીત

આજે નવરાત્રી અને ગરબાનો અર્થ ધરમૂળથી બદલાઈ ગયો છે.  કોઈ પાર્ટીપ્લોટમાં કે સોસાયટીમાં મળીને ફિલ્મીગીતો પર નાચવાનો અર્થ ગરબામાં ગણાવા લાગ્યો છે. જૂના પરંપરાગત લોકગીતો, રાસ અને ગરબાઓનું સ્થાન ફિલ્મીતો અને સંકર શબ્દોએ લઈ લીધું છે. આવા વાતાવરણમાં ક્યાંય જો દેશી ઢાળનો ગરબો, લોકગીત, રાસ, રાસડા સાંભળવા મળે તો ખેલૈયાને સાત્વિક રસલ્હાણ મળે છે. આપણી દેશી પરંપરાની ખરી સોડમ આવાં દેશી ગીતોમાંથી જ મળે છે. ઉપરનું ગીત આવું જ એક લોકગીત છે. લોકગીતનો અર્થ જ થાય, લોકો દ્વારા રચાયેલું. તેનો કોઈ એક સર્જક નથી હોતો. તે લોકો દ્વારા વારે-તહેવારે-પ્રસંગે ગવાતું રહે છે, રૂઢ થતું રહે છે, તેમાં ફેરફારો થતા રહે છે. આ રીતે ઘાટ પામતું જાય છે. આપણે ત્યાં આવાં લોકગીતોની એક મોટી પરંપરા છે. ઝવેરચંદ મેઘાણીએ અનેક લોકગીતો ગામડે-ગામડે ફરીને તળના લોકોમાંથી ખોળી કાઢ્યાં છે.

ઉપરનું ગીત પણ આપણા તળના લોકસાહિત્યનું ઘરેણું છે. આપણા અનેક જાણીતા ગાયકોએ તેને કંઠ આપ્યો છે. આજે પણ આ લોકગીત ઠેરઠેર ગવાય છે. આમ તો આ લોકગીતમાં રામ-સીતાના દામ્પત્યજીવનના મીઠા ઝઘડાની જ વાત છે. જોકે માત્ર રામ-સીતાના ઝઘડાની જ નહીં, દરેક પતી-પત્નીના મીઠા ઝઘડાની વાત કરતી મધુર વાણી છે. કયા દંપતીમાં મીઠી નોકજોક નથી થતી? પ્રસન્ન દામ્પત્યજીવનનું આ ઉત્તમ અને મધુર કાવ્ય છે.

આ લોકગીત વાંચી-સાંભળીને સામાન્ય માણસને થાય કે લવિંગ કેરી લાકડીએ રામે સીતાને કેવી રીતે માર્યા હશે? લવિંગની તે કાંઈ લાકડી હોય? વળી ફૂલ કેરા દડુડિયે સીતાએ વેર વાળ્યાં જો, એટલે શું? ફૂલના દડા મારવાથી ઓછું કાંઈ વેર વળે? પણ એની જ તો મજા છે આ લોકગીતમાં. સાચેસાચી મોટી કાળીયાળી ડાંગ લઈને પતિ પત્નીને ફટકારતો હોય અને સામે પત્ની દડા જેવા ગોળમટોળ મોટા પથરા ઝીંકતી હોય તો આમાં દામ્પત્યજીવનનો પ્રેમ ક્યાં રહ્યો? એ રીતે ઝઘડે તો દામ્પત્યજીવનનો દમ નીકળી જાય. બીજા દિવસે પતિ-પત્ની બંને પોલીસ સ્ટેશનમાં બેઠા હોય! આ લોકગીતમાં તો મીઠા પ્રેમની મહેક માણવાની વાત છે.

આપણે ત્યાં કૃષ્ણ અને રાધાની પ્રણયગોષ્ઠિનાં અનેક કાવ્યો છે, રામ-સીતાને ધ્યાનમાં રાખીને લખાયેલાં ગીતો ખૂબ ઓછાં છે. આ ગીત તેમાંનું એક છે. સીતા રામથી રીસાઈ ગયાં છે, અને રામ તેમને મનાવે છે. આ રીસામણી-મનામણીની જે મીઠી તડજોડ છે તે ફૂલની પાંદડીઓ જેમ ગોઠવાઈ છે. દરેક પંક્તિ એક પછી એક માણતા જાવ એટલે જાણે મીઠી મહેકનું ફૂલ ઊઘતું હોય એવો અહેસાસ થાય. સીતાને જવું અને રામને જવા દેવા નથી આટલી જ વાત છે. રામને જગ્યાએ તેમની સાથે રહેવું છે, પડછાયા જેમ! સીતા કહે હું બીજા ઘરે બેસવા જતી રહીશ, રામ કહે હું વાતોડિયો થઈશ. સીતા કહે હું દળવા જતી રહીશ, તો રામ હું ઘંટુલિયો થઈ જઈશ. સીતા ખાંડવાની વાત કરે તો રામ સાંબેલું બનવાનું કહે. સીતાજી જળમાં માછલી બને, તો રામ મોજું થઈ જાય. સીતા આકાશની વીજળી થાય તો રામ મેહુલિયો બને! અંતે સીતા બળીને રાખ થવાની વાત કરે છે. કદાચ આમાં સીતાજીની અગ્નિપરીક્ષાનો સંદર્ભ તો નહીં હોય? પુરાણકથાના નાયકે જે કર્યું હોય તે, પણ આ લોકગીતનો નાયક રામ તો કહે છે કે સીતાજી તમે રાખ થશો તો હું એ રાખની ભભૂતિ અંગે લગાવી લઈશ, ભભૂતિયો થઈ જઈશ. પણ હંમેશાં તમારી સંગે રહીશ.

રામ-લખમણની વાટ જોતા સીતાજીની વાત કરતા એક સુંદર લોકગીતથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે રે
, પ્રભુજી દાતણ કરતા જાવ,
દાતણ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર,
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ

આજ મારે આંગણે રે, પ્રભુજી ના’વણ કરતા જાવ,
નાવણ કેમ કરીએ રે
? જાવું સીતાને દરબાર,
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ

આજ મારે આંગણે રે, પ્રભુજી ભોજન કરતા જાવ,
ભોજન કેમ કરીએ રે
? જાવું સીતાને દરબાર,
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ

લીલી લીંબડી રે, લીલો નાગરવેલનો છોડ,
આજ મારે આંગણે રે, પ્રભુજી મુખવાસ કરતા જાવ,
મુખવાસ કેમ કરીએ રે? જાવું સીતાને દરબાર,
સીતા એકલા રે, જુએ રામ લખમણની વાટ

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો