મન, હું કેમ તને સમજાવું?


લોગઇનઃ

મન, હું કેમ તને સમજાવું?
સહેલું ક્યાં છે ગીત હૃદયનું લયમાં ઢાળી ગાવું,

કહેવું તું એ તડકે મૂકી કાન મેં સરવા રાખ્યા,
હોવું હાથની બ્હાર હતું તે થાવાના ફળ ચાખ્યાં,
હોય પલાખા સંબંધોમાં, એમાં ક્યાંથી ફાવું
?
મન, હું કેમ તને સમજાવું?

ક્ષણની ઉપર ક્ષણની ઝીણી છાપ સતત અંકાતી,
જાત સમયના નિંભાડે એમ સોનલવરણી થાતી,
આમ તરોતાજા રહેવા અહીં રોજ પડે કરમાવું,
મન, હું કેમ તને સમજાવું
?

તું તો સપનાં જોવા કાજે સોળ સજે શણગાર,
મારા કાંડા રોજ કપાતાં કરવા એ સાકાર,
તારી સાથે સહમત થાવા ખુદની સામે થાવું
?
મન, હું કેમ તને સમજાવું
?

લક્ષ્મી ડોબરિયા

મનને સમજાવવા ન સમજાવવા વિશે રાજેન્દ્ર શુક્લએ અદભુત શેર લખ્યો છે, આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે, કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે.” આપણે પોતાની જાતને આ શેર જેટલી જ ધરપત આપવાની હોય છે, છતાં આખી જિંદગી મનને સમજાવવામાં ગોથાં ખાધાં કરીએ છીએ. મનનો મુંઝારો ઓછો કરવા મથતા રહીએ છીએ. દલપત પઢિયારે પણ લખ્યું છે કે, મન તારે મુંઝાવું નંઈ, સોનાની હોય તોય જાળ અંતે જાળ છે, માછલીને મરવાનું મહીં.છતાં મનને સમજાવવાની વૃત્તિ જતી નથી.

લક્ષ્મી ડોબરિયા માનવમનની આ ગડમથલ ખૂબ સારી રીતે જાણે છે, તેમને ખબર છે કે બધું જ સમજ્યા પછી પણ મનને તો સમજાવવાનું જ છે, એટલા માટે જ તે સવાલ કરે છે, મન કેમ તને સમજાવું? આમ જુઓ તો માણસની આખી જિંદગી મનને સમજાવવામાં જતી રહે છે. મન ભમ્મરિયા કૂવા જેવું છે, તેમાં ઊતર્યા પછી બહાર આવવું અઘરું છે. એ વિચારોના વહેણમાં આપણને તાણી જાય છે, એ મનમાં ને મનમાં માયાજાળ રચે છે અને આપણને તેમાં ભરમાવતું જાય છે. મન જો રીઝે તો રાજપાઠ જેવું સુખ આપે ને ખીજે તો નર્કમાં ય રહેવા જેવું ન રાખે. આપણા સંતોએ તેને માંકડા સાથે સરખાવ્યું છે તેમાં સહેજ પણ ખોટું નથી. ચિનુ મોદીએ તો મનને ગાળો ભાંડીને એવું લખ્યું કે, માદરબખત મન, તારે હોત તન તો અંગેઅંગે કાપત તને... ઘાએ ઘાએ મીઠું ભરત...પણ આ બધું કર્યા પછી મન તો પોતાનું ધાર્યું જ કરવાનું છે, એ કોઈનું સમજ્યું સમજવાનું નથી. એને હૃદયની ભાષા સમજાતી નથી. આમ પણ હૃદયનું ગીત ગરબડ ગોટાળાવાળું હોય છે, તેને સરળ રીતે લયમાં વહેતા નથી ફાવતું.

માણસનું અસ્તિત્વ એના પોતાના હાથમાં નથી. જન્મ લેવાની સ્વતંત્રતા મનુષ્યને મળી હોત તો કોઈ ગરીબ કે પછાતને ત્યાં જન્મત નહીં. પણ હોવું આપણા હાથની વાત નથી. એટલે અસ્તિત્વનું ફળ જેવું મળે તેવું ખાધા વિના છૂટકો નથી. કવિએ પણ આ ફળ ખાધું છે, પણ સંબંધોમાં અટવાયા છે, તેમને ગણતરી નથી ફાવતી. ગણતરીબાજ દુનિયામાં મારું કામ નથી. એમ કહી તે પોતાના મનને સમજાવ્યા કરે છે.

જેટલું ઘસાઈએ એટલા ઉજળા થઈએ એ ન્યાયે સમય આપણી સાથે ઘસાઈને સતત પસાર થઈ રહ્યો છે. સમય આપણને ઘરડા બનાવવામાં વ્યસ્ત છે. સમયની ભઠ્ઠીમાં તપીને આપણે સોનલવરણા થવાનું છે. જન્મતાની સાથે જ સમય આપણને મૃત્યુ ભણી ધકેલી રહ્યો છે. છતાં આપણે કાળની ભઠ્ઠીમાં તપીને ઊજળા થવા મથતા રહેવાનું છે. એ રીતે કરમાઈને પણ તાજા રહેવાનું છે. શેકાયેલા દાણા ક્યારેય ઊગી શકતા નથી. છતાં ઊગવાનો ડહોળ કરવાનો છે.
મન તો રાજીને રેડ થઈને સપનાં જુએ છે, પણ કેટલી વીસે સો થાય એ તો હૃદય જ જાણે. એક સપનું પૂરું કરવા માટે હજારો સંઘર્ષોમાંથી પસાર થવું પડતું હોય છે. કવિ અહીં મનનાં તમામ સપનાં પૂરા કરવા મથ્યા કરે છે. જે હાથે સપનાં પૂરા કરવાનાં હોય છે, એ જ હાથના કાંડા કપાવા પડે છે, એ જ જિંદગીની કરૂણતા છે.

લક્ષ્મી ડોબરિયા મનની ગૂંચ જાણીને વિચારો વ્યક્ત કરી શકે છે. એટલા માટે તે આંતરમનમાં તરતી કલ્પનાઓને સફળ રીતે કવિતાનું રૂપ આપે છે અને સરસ કવિતા નિપજાવે છે.  મન વિશેની તેમની જ એક અન્ય કવિતાથી લોગઆઉટ કરીએ. 

લોગઆઉટ

મનનું તો બસ એવું છે કે નહીં ડાબું નહીં જમણું,
ગમતી ક્ષણમાં તાડ નહીં ગમતીમાં ઝીણું તરણું.

મન માને તો તમરાંને પણ બોલાવી લે ઘેર,
નહીંતર સરગમ સાથે જાણે સાત જનમનું વેર,
મનમોજી એવું કે પળમાં પથ્થર, પળમાં ઝરણું,
મનનું તો બસ એવું છે કે નહીં ડાબું નહીં જમણું.

આમ જુઓ તો મનને કેવળ સમજણ સાથે નાતો,
સાર ગ્રહે તો પાર ઉતારે, નહીંતર ખાલી વાતો,
ભેદ હકીકતના તાગે છે જોઈ નાજુક શમણું,
મનનું તો બસ એવું છે કે નહીં ડાબું નહીં જમણું.

અજવાળી ક્ષણ આંખે આંજી સોળ કળાએ ખીલે,
ચૈતરમાં ગુલમ્હોર બતાવી તાપ સમયનો ઝીલે,
પરપોટીલા સુખ સાથે દુઃખ માંગે સોનલવરણું,
મનનું તો બસ એવું છે કે નહીં ડાબું નહીં જમણું.

~ લક્ષ્મી ડોબરિયા

ગુજરાત સમાચારરવિપૂર્તિ"માંથીઅંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો