થોડી દેરકે કારણે તાલમેં ભંગ ન આય



લોગઇનઃ

રાત ઘડીભર રહ ગઈ, પીંજર થાક્યો આય;
નટડી કહે સુણ નાયકા, મધુરી તાલ બજાય.

બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય; 
થોડી દેરકે કારણે, તાલમેં ભંગ ન આય.

~ અજ્ઞાત

ઉપરની કાવ્યપંક્તિઓ વાંચશો તો પહેલી નજરે વધારે સમજાશે નહીં, પણ તેની પાછળ એક રસપ્રદ કથા જોડાયેલી છે. ગાંધીયુગના સાહિત્યકાર મુકુલ કલાર્થીએ નોંધેલી આ કથા વાંચશો એટલે શબ્દની ખરી શક્તિ સમજાશે.

એક વાર એક નગરમાં એક ગાયક પતિ-પત્ની આવી ચડ્યાં. ગવૈયાને થયું “રાજદરબારમાં જલસો ગોઠવવામાં આવે તો સારી કમાણી થાય. વળી અન્ય લોકો પણ એ જલસો જોઈને નાચગાનના જલસા માટે બોલાવશે.” પોતાનો આ વિચાર તેણે પ્રધાનજીને જણાવ્યો. પ્રધાનજી કહે: ‘ભાઈ, અમારા રાજાજી ખૂબ કંજૂસ છે. તે એક પાઈ સુધ્ધાં આપે એમ નથી. માટે તમે બીજે ક્યાંક જાઓ.’ પણ આમ હિંમત હારી જાય એવો એ નહોતો. તે બોલ્યો: ‘પ્રધાનજી, ભલે અમને કશું ન મળે. આપ જલસો ગોઠવી આપો તો આપનો ઉપકાર. અમારું નસીબ જોર કરશે, તો જોનારા લોકોમાંથી અમને થોડુંઘણું જરૂર મળી રહેશે.’ પ્રધાનજીએ જલસો ગોઠવ્યો.

ગામલોકો જલસો જોવા ભેગા થયા. કંજૂસ રાજાએ આટલો જલસો ગોઠવ્યો એની પણ બધાને નવાઈ લાગી. રાત વધતી ગઈ, તેમ રસ જામતો ગયો, પણ ‘રાજા તેવી પ્રજા’ એ જૂની કહેવત પ્રમાણે તેને કોઈએ કશું ભેટમાં આપ્યું નહીં! અરે, કોઈ ઉત્સાહનો સૂર પણ ન કાઢે! રખેને કંઈક આપવું પડે! અરધી રાત વીતી અને પેલી નાચનારી બાઈ નાચીનાચીને અને ગાઈગાઈને લોથપોથ થઈ ગઈ! છેવટે કંટાળીને પોતાના પતિનું ધ્યાન ખેંચવા એક દુહો ગાયો:

રાત ઘડીભર રહ ગઈ, પીંજર થાક્યો આય;
નટડી કહે સુણ નાયકા, મધુરી તાલ બજાય.”

આ સાંભળીને એનો મર્મ પેલો ગાનારો સમજી ગયો. તેણે સામો ઉત્તર આપતાં ગાયું:

બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય; 
થોડી દેરકે કારણે, તાલમેં ભંગ ન આય.”

દુહો પૂરો થયો ત્યાં તો કૌતુક થયું. એક સાધુએ તરત પોતાનો નવો કામળો ગાયક ભણી ફેંક્યો; બીજી બાજુથી રાજકુમારે હાથમાંનું રત્નજડિત સોનાનું કડું ભેટ આપ્યું અને રાજકુમારીએ મૂલ્યવાન હીરાનો હાર આપી દીધો! આ જોઈને કંજૂસ રાજાને ભારે નવાઈ લાગી. એકાએક એવું તે શું બન્યું કે આટલી ભારે કીમતી ભેટ પેલાં ગાનારાંઓને મળી? તેણે સાધુને પૂછ્યું: ‘મહારાજ, આપે એવું તે શું અનુભવ્યું કે આપનો નવો કામળો ગાનારને આપવાનું મન થઈ ગયું?’ સાધુ કહે: ‘રાજાજી, કેટલાંય વરસોથી મેં સંસારસુખનો ત્યાગ કર્યો હતો. પણ આજે અહીંનો વૈભવ જોઈને મારું મન ફરી સંસારસુખો ભોગવવા ઊંચુનીચું થવા લાગ્યું, ત્યાં આ ગાયકે ગાયું: “બહોત ગઈ થોડી રહી, થોડી ભી અબ જાય; થોડી દેરકે કારણે, તાલમેં ભંગ ન આય.” એ સાંભળીને મને ભાન થયું કે, આટલાં વર્ષો સાધુ તરીકે મેં ગાળ્યાં. હવે જીવનનાં થોડાં વર્ષો બાકી રહ્યાં છે, ત્યારે શું કામ સન્માર્ગથી ચલિત થઈને જીવતર એળે ગુમાવવું? મને ગાયકનાં વચનથી ભાન આવ્યું, માટે મેં ખુશ થઈને મારો એકનો એક કામળો તેને આપી દીધો.’

પછી રાજાએ કુંવરને પૂછ્યું, રાજકુમાર બોલ્યો: ‘પિતાજી, આપને હું સાચી હકીકત જ કહીશ. એ સાંભળીને આપને સજા કરવી હોય તે કરજો. હું આપના કંજૂસપણાથી કંટાળી ગયો હતો. રાજાનો કુંવર હોવા છતાં કંગાળ માણસની માફક રહું છું! એટલે મેં કંટાળીને આપનું આવતી કાલે ખૂન કરવાનો વિચાર કર્યો હતો. પરંતુ ગાયકના દુહાએ મારા મનમાં ઊઠેલા કુવિચારને હટાવ્યો. મને થયું, આપ હવે ઘરડા થયા છો. વધુમાં વધુ કેટલું જીવશો? હવે થોડો વખત વધારે મુશ્કેલી વેઠી લઉં તો શું થઈ ગયું? નાહક આપને મારીને પિતૃહત્યાનું પાપ શા માટે વહોરવું? મને આ ગાયકે સદબુદ્ધિ આપી, તેથી રાજી થઈને મેં મારું કીમતી કડું તેને આપી દીધું.’

પછી રાજાએ કુંવરીને પૂછ્યું, રાજકુંવરીએ કહ્યું,: ‘પિતાજી, હું પણ સાચું જ કહીશ. હું હવે મોટી થઈ છું. પણ આપ ધનની લાલચમાં મારાં લગ્ન યોગ્ય પાત્ર સાથે કરતા નથી. આપ ધનવાન સાસરિયાની શોધમાં મને જેવાતેવા માણસના હાથમાં સોંપી દેશો! મને પ્રધાનજીના સદ્ગુણી પુત્ર ઉપર સ્નેહ છે. તેથી મેં નક્કી કર્યું હતું કે અઠવાડિયામાં લાગ જોઈને એની સાથે ક્યાંક નાસી જાઈશ. પરંતુ આ ગાયકનો દુહો સાંભળ્યો તો મને થયું આપ હવે ઘડપણને લીધે હવે લાંબું જીવવાના નથી. થોડા દિવસ વધારે થોભી જઉં. મારો ભાઈ ઉદાર દિલનો છે અને પ્રધાનજીના પુત્રને ખૂબ ચાહે છે. એટલે હું એમની સાથે લગ્ન કરવા માગું તો ભાઈ વચ્ચે નહીં આવે. માટે હમણાં ઉતાવળ ન કરવામાં ભલાઈ છે. ગાયકના એ દુહાએ મને સાન આપી, તેથી મારો કીમતી હાર તેને આપી દીધો.’

કંજૂસ રાજા આ સાંભળીને વિચારમાં પડી ગયો. તેને પોતાની ભૂલ સમજાઈ. પછી તેણે પણ પેલા ગાયક અને તેની
પત્નીને ખૂબ ધન આપી માનભેર વિદાય કર્યાં.

લોગઆઉટ

શબ્દ સંભાલે બોલિયે, શબ્દ કે હાથ ન પાંવ,
 
એક શબ્દ કરે ઔષધિ, એક શબ્દ કરે ઘાવ.

~ કબીર

ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
*અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો