દરેક ભાવક કાવ્યને પોતાની રીતે પામતો હોય છે


લોગઇનઃ

છે સમયની કેટલી માઠી અસર
વૃક્ષ વલખે છે હવે ટહુકા વગર

એક વેળા આથમ્યાની છે મજા
સૂર્ય જેવી નહીં કરું હું ચડઉતર

હાથ, પગ, ચહેરો બધું ખંડિત છે
શખ્સ છે કે શિલ્પ છે કોને ખબર!

હું નથી તરતો, તણાતો જાઉં છું
આ સમયના વહેણમાં આઠે પ્રહર

કેડીઓ તો ક્યારની ફંટાઈ ગઈ
વ્યર્થ લંબાઈ રહી છે આ સફર

એ લીસોટા આભમાં કે શ્વાસમાં
ક્યાંક તારી યાદની ફૂટી ટશર

મયંક ઓઝા

મયંક ઓઝા ઓછા જાણીતા કવિ છે, પણ તેમની કલમમાં કવિતાનું સત્વ છે, જે આ ગઝલ પરથી જોઈ શકાશે. સરળ ભાષામાં લખાયેલી આ ગઝલ વાંચતા જ મનને સ્પર્શી જાય તેવી છે. આજે નવું લખવાનું શરૂ કરનાર મોટાભાગના યુવાનો ગઝલની પગદંડી પર પ્રથમ પગ મૂકે છે. બહુ ઓછા લોકો અન્ય સ્વરૂપોથી લખવાની શરૂઆત કરે છે. ગીત અને અછાંદસ પ્રમાણમાં લખાય છે. છાંદસ કાવ્યનું પ્રમાણ ઓછું છે. આજે પુષ્કળ ગઝલો લખાય છે, ત્યારે ગઝલના ઘોડાપુરમાં આવી સારી ગઝલ મળે તે ઉપલબ્ધિ છે. નવા લખતા યુવાનોએ ગઝલનું મીટર, શબ્દોની ગૂંથણી, દાવા-દલીલ સમજવા જોઈએ. તો જ તે પોતાના કાવ્યલેખનમાં ધારી અસર નિપજાવી શકે.

આ ગઝલમાં કવિએ શરૂઆત કરી છે સમયની માઠી અસરથી. કવિએ કહ્યું ખૂબ માઠી અસર છે, પણ એ અસર કોની પર છે, તે પ્રથમ પંક્તિમાં નથી કહ્યું. ગઝલની કમાલ એ જ છે ને કે એ દાવાદલીલમાં પેશ થાય છે. એક પંક્તિ વાંચ્યા પછી ભાવકની ઇંતેઝારી વધે કે માઠી અસર કોની પર છે? પણ પછી તરત બીજી પંક્તિમાં ઉત્તર આવે છે કે વૃક્ષ ટહુકા વગર વલખી રહ્યું છે. એટલે આપણે જાણી શકીએ કે વૃક્ષો પર સમયની માઠી અસર છે. બંને પંક્તિ વાંચ્યા પછી તેના અર્થ સુધી પહોંચવાનું છે. વૃક્ષ ટહુકા વગર વલખે છે, કેમ? પંખી નથી. પંખી હોય તો જ ટહુકા થાય ને? અહીં આડકતરી રીતે કવિ કહે છે કે આપણા લીધે પંખી મૃતપ્રાય થઈ રહ્યા છે. માણસો જંગલો કાપી બિલ્ડિંગો બનાવે છે, અન્ય જીવોના વસવાટ છીનવે છે. પ્રાકૃતિક સંસાધનો સાથે પણ પુષ્કળ છેડછાડ કરે છે, ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાય છે. જેવા અનેક પ્રોબ્લેમ્સ ઊભા થાય છે. તમે જોયું? કવિએ માત્ર બે પંક્તિ કહી તેમાંથી કેટલું બધું ખૂલ્યું. ગદ્યમાં અને પદ્યમાં એ જ તો તફાવત છે. જે વાત કહેવા માટે ગદ્યકારે સો, બસો કે પાંચસો પાનાંની જરૂર પડે તે વાત કવિ બે, પાંચ કે સાત પંક્તિમાં જ કહી દેતો હોય છે.

દરેક શેરને આ રીતે વિશ્લેષણ દ્વારા સમજીએ તો કોલમ નાની પડી જાય. આપણે ટૂંકમાં વાત કરીએ. સૂર્ય રોજ ઊગે છે અને આથમી જાય છે. કવિને એનું અનુકરણ નથી કરવું. એ તો કહે છે મારે તો એક જ વાર આથમવું છે. આનો સંદર્ભ તમે માનવજન્મ સાથે પણ જોડી શકો. આપણે ત્યાં ચોર્યાસી લાખ જન્મોનું કલ્પન છે. આ જન્મજન્માંતરના ફેરામાંથી મુક્ત થવાની વાત છે.

ઘણા માણસો નિરાશામાં એટલા નંખાઈ ગયા હોય કે વાત જવા દો. નિરાશાવાન માણસ ખભા ઢાળી દે છે. જાણે હાથપગ નથી, જેમ મૂર્તિ તૂટી ગઈ હોય, અંગોપાંગ ન હોય, તેમ ખંડિત શરીરે બેઠો હોય છે. તૂટેલી મૂર્તિ જ જોઈ લ્યો. આવા માણસને જોઈને કવિને થાય છે, આ માણસ છે કે મૂર્તિ છે, કેમકે એ બધી બાજુથી ખંડિત થઈ ગયો છે, તૂટી ગયો છે.

સમયનું ચક્ર આગળ જ ફરે છે, પાછળ કદી નથી જતું. આપણે ટાઇમ મશીનની કલ્પના કરી છે, સાકાર નથી કરી શક્યા. માટે જ્યાં સુધી સમયની દીવાલને ભેદી ન શકીએ ત્યાં સુધી આપણે તેની સાથે જ ચાલવાનું છે. ટાઇમ મશીન શોધ્યા પછી પણ આપણે તો સમયના વહેણમાં જ તણાતા રહેવું પડશે એ સનાતન સત્ય છે.

કોઈ વ્યક્તિ જીવનભર સાથ આપવાની વાત કરીને ચાલી જાય - ફંટાઈ જાય, પછી જીવન વ્યર્થ લાગે. થાય કે જેની સાથે ચાલવાનું હતું, તેણે તો પોતાની કેડી બદલી નાખી, એકલા ચાલીને શું કરવું? હવે જીવનની સફર વ્યર્થ લંબાઈ રહી છે.

અને છેલ્લે, સ્મરણો ક્યાં લિસોટા નથી પાડતા? શ્વાસને ધમરોળી નાખે છે. તેના વિશે કહીએ એટલું ઓછું છે.

આ ગઝલના અર્થ આસ્વાદકને સમજાયા, આસ્વાદકથી પમાયા એ રીતે ટૂંકમાં કહેવાના તમને પ્રયાસો કર્યા. દરેક ભાવક કાવ્યને પોતાની રીતે પામતો હોય છે. આ ગઝલને તમે પોતાની રીતે પણ પામી શકો.

લોગઆઉટ

ક્ષણ મટીને એ જ ક્ષણ અવસર થતી
ખુદને ભૂંસીને નદી સમદર થતી

એક ખોવાયેલ ટહુકો સાંભળી
ચાર દીવાલો ફરીથી ઘર થતી

માત્ર શ્રદ્ધામાં જ છે તાકાત એ,
મૂર્તિ ખુદ પથ્થર મટી ઈશ્વર થતી

હાથ લાગ્યો એક જાદુઈ ચિરાગ
હર સ્થિતિમાંથી ખુશી હાજર થતી

થાય ઘંટારવ અને પ્રગટે દીવા
સાંજ ટાણે આરતી ભરતી થતી

~ મયંક ઓઝા

ગુજરાત સમાચાર, રવિપૂર્તિ"માંથી
અંતરનેટની કવિતા, - અનિલ ચાવડા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો